જેઈઈ મેઇનની ૩-૯ અેપ્રિલે, મેડિકલની ૧ મેના રોજ પરીક્ષા

અમદાવાદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાથ ધરાયેલી ધો.૧ર વિજ્ઞાનપ્રવાહની પરીક્ષાઅો પૂર્ણ થયા બાદ હવે મેડિકલ-ડેન્ટલ તેમજ એન્જિનિયરિંગ, ટેકનિકલ, અાર્કિટેકચર જેવા ક્ષેત્રમાં અોલ ઈન્ડિયા લેવલે પ્રવેશ મેળવવા માટે એઅાઈપીએમટી અને જેઈઈની પરીક્ષાઅો અાગામી એક મહિનામાં લેવાશે, જેના અંતર્ગત તા.૧ મેના રોજ એઅાઈપીએમટી અને તા.૩ અને ૯ એપ્રિલના રોજ જેઈઈની પરીક્ષા લેવાશે, જેમાં રાજ્યભરમાંથી સેંકડો વિદ્યાર્થીઅો પરીક્ષા અાપશે.

ગુજરાત બોર્ડ દ્વારા હાથ ધરાયેલી ધો.૧ર સાયન્સ (સેમેસ્ટર-૪)ની પરીક્ષા પૂરી થઈ છે. અા પરીક્ષા પૂર્ણ થતાં જે વિદ્યાર્થીઅોને અોલ ઈન્ડિયા લેવલની મેડિકલ-ડેન્ટલ, એન્જિનિયરિંગ, અાર્કિટેકચર અને ટેકનિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવો છે તેવા વિદ્યાર્થીઅો માટેની લેવામાં અાવનારી અોલ ઈન્ડિયા પ્રી મેડિકલ (પીએમટી) અને જેઈઈની પરીક્ષાઅોની તારીખ જાહેર કરી દેવામાં અાવી છે. અા પરીક્ષાઅો સેન્ટ્રલ બોર્ડ અોફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) દ્વારા યોજવામાં અાવે છે.

સીબીએસઈ અાયોજિત જોઈન્ટ એન્ટ્રસ એક્ઝામ (મેઈન) ર૦૧૬ની પરીક્ષા અાગામી તા.૩ તેમજ ૯ અને ૧૦ એપ્રિલના રોજ લેવામાં અાવશે. જેના અંતર્ગત તા.૯ અને ૧૦ એપ્રિલના રોજ જેઈઈ (મેઈન)ની પેપર-૧ની બી.ઈ. અને બી.ટેક. માટેની અોનલાઈન પરીક્ષા લેવામાં અાવશે. જ્યારે તા.૩ એપ્રિલના રોજ પેપર-રની બી. અાર્ક અને બી.પ્લાનિંગ માટેની અોફલાઈન પરીક્ષા લેવામાં અાવશે.

જ્યારે મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે અોલ ઈન્ડિયા પ્રી મેડિકલ અને પ્રી ડેન્ટલની એન્ટ્રન્સ અાગામી તા.૧ મે, ર૦૧૬માં લેવામાં અાવશે. અા પરીક્ષા સવારે ૧૦-૦૦ કલાકે લેવામાં અાવશે, જેમાં ગુજરાતમાંથી અંદાજે ૪૦,૦૦૦ હજારથી વધુ વિદ્યાર્થીઅો પરીક્ષા અાપશે.

બોર્ડની પરીક્ષાઅો પૂરી થયા બાદ હવે વિદ્યાર્થીઅો મેડિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માટે પ્રી મેડિકલ અને જેઈઈ મેઈન માટેની પરીક્ષાની તૈયારીમાં જોતરાઇ ગયા છે.

You might also like