ઈર્ષા નીરોગી ભૂખ જેવી હોવી જોઈએ

એક માણસને બીજા માણસની ઈર્ષા થાય એમાં કાંઈ ખરાબ નથી. પણ માણસે ઈર્ષાને એવા ઇંધણ રૂપે વાપરવી જોઈએ કે તેમાંથી કાંઈક શક્તિ પેદા થાય! ઈર્ષા જ્યારે ઇંધણ બનીને કંઈક ગતિ પેદા કરી શકે છે અને માણસને આગળ દોરવાનું ચાલકબળ બને છે ત્યારે એ ઈર્ષામાં કશું ખરાબ નથી હોતું! પણ ઈર્ષા જ્યારે માણસને અંદર ને અંદર બાળે, તેને આગળ લઈ જવાનો જોશ પેદા કરનારું બળતણ ન બને અને માત્ર હૈયાની જ એક સગડી બની જાય ત્યારે આવી ઈર્ષા એક નકારાત્મક ચાંપ બની જાય છે. કેટલાક માણસો એવો દાવો કરે છે કે એમને કોઈની ઈર્ષા નથી! કદાચ તેમને પોતાને જ ખબર નહીં હોય!

ખરેખર ઈર્ષા થાય જ નહીં એવા માણસો હોઈ શકે છે પણ તે ખૂબ જૂજ હોવા જોઈએ અને જુદી જ દુનિયામાં રાચતા હોવા જોઈએ! બાકી મારા-તમારા જેવા તમામ સામાન્ય માણસોને કોઈ ને કોઈ વ્યક્તિની ઈર્ષા ક્યારેક ક્યારેક થતી જ રહે છે! ઇર્ષા થતી હોય તો ભલે થાય પણ તે નિરોગી ભૂખ જેવી હોવી જોઈએ! ઈર્ષા એવી રીતે થાય કે જાણે ભૂખ ઊઘડી! ભૂખ ઊઘડવાનો અર્થ એવો નથી કે માણસ ગમે ત્યારે ગમે તેને બચકું ભરી લે કે ગમે તે વસ્તુ મોંમાં મૂકી દે!

નીરોગી ભૂખ લાગી હોય તો માણસ ખુશીથી ભોજન કરે, પોતાને ભાવતું ભોજન શોધે અને તૃપ્તિ મેળવે- ગમે તેનું છીનવીને તે ભોજન કરી જ ન શકે! તેમ જાતે મહેનત કરીને પ્રાપ્ત કર્યા વગર પણ તેને ભોજન કરવામાં મજા ન આવે! ઈર્ષા આવી નિરોગી ભૂખ જેવી હોવી જોઈએ! માણસને કાંઈક મેળવવાનું, પોતાનું પેટ ઠારવાનું, કાર્યનો સંતોષ પ્રાપ્ત કરવાનું મન થાય.

એની ઈર્ષામાં ઝેર ન હોય, એની ઈર્ષામાં નરી કડવાશ ન હોય! એની ઈર્ષા તેને પોતાને એવો ડંખ મારે કે અંદર જ ઊંઘી ગયેલી એક શક્તિ સફાળી જાગી આગળ દોડવા તત્પર બને! એની ઈર્ષા ગમે તેને ડંખવા, ઝેર ચઢાવવા કે મારી નાખવા તત્પર એવું કોઈક અકળ જાનવર ન હોય!

જેમણે જિંદગીમાં કાંઈ પણ કર્યું છે તેવા નાનામોટા તમામ માણસોએ ઈર્ષાને વરાળયંત્રની જેમ વાપરી છે. ઈર્ષા પોતાની અંદરની જ એક આગ બનીને તેને પોતાને જ દઝાડે એવો ભારેલો અગ્નિ બનવા દીધી નથી. આવા માણસોને એક બીજી વાતનો પણ પૂરો ખ્યાલ હોય છે. આ દુનિયામાં કોઈ એવો માણસ નથી જે દરેક બાબતમાં ઈર્ષા કરવા જેવો હોય! આ દુનિયામાં એવો પણ કોઈ માણસ નથી જે કોઈક એક બાબતમાં પણ બીજા બધાની ઈર્ષાને લાયક ન હોય! આ બંને મુદ્દા ખ્યાલમાં રાખવા જેવા છે.

કુદરતે માણસમાં ઈર્ષાની એક નાની કે મોટી કળ મૂકી છે તમારે તેને એક રચનાત્મક-સર્જનાત્મક ચાંપમાં ફેરવવાની છે, તે એક નકારાત્મક કળ બની જાય, અંદર જ અગ્નિ પેદા કર્યા કરે, તે તમારી અંદરના દ્વારને ખૂલવા જ ન દે, અને એક એવું તાળું બની જાય કે કદી ખૂલે જ નહીં, તમને કશું અંદર મૂકવાનો અવકાશ જ ન આપે તો આવી કળ શા કામની? તમને આગળ જવા, વધુ સારા થવા ઉશ્કેરે તે ઈર્ષા સારી! પણ તમને નાક કાપીને બીજાને અપશુકન કરાવવા ઉશ્કેરે તે ઈર્ષા નકામી છે! ઈર્ષા સરસાઈ માટેની શક્તિ બનવી જોઈએ! બીજા કોઈને પાછા પાડવા માટે પોતાની જાતને જ પાછી પાડવાનું ઝનૂન બનવી ન જોઈએ!

ઈર્ષાનો ઉપયોગ એવો કરીએ કે કપરાં અને ઊંચાં ચઢાણનું બળ મળે! ઈર્ષા એવી ન હોય કે તમારી ગાડીને વારંવાર ‘રિવર્સ ગિયર’માં નાખે! માણસ ધારે તો ઈર્ષાને પોતાની જિંદગી પ્રત્યેના વિશેષ ઉમળકામાં રૂપાંતરિત કરી શકે છે! માણસ ધારે તો પોતાનાં નિશાનને વધુ ઊંચાં બનાવવાની સમજ ઈર્ષા આપી શકે છે! પોતાના લક્ષ્ય સુધી પહોંચાડવાનું નવું બળ પણ તે આપી શકે છે!

એક માણસ જ્યારે બીજા માણસને કહે કે, “મને તારી ઈર્ષા થાય છે!” ત્યારે બીજા માણસનો જવાબ એક જ હોઈ શકેઃ “ભલા માણસ, તો પછી મને તમારી ઈર્ષા થાય એવું કાંઈક તમે કરો! ઈર્ષા સંઘરી રાખવા જેવી ચીજ નથી! તે તરત જ વેચી નાખવા જેવી ચીજ છે!”

home

You might also like