જેડીયુના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર બિહારી ડાકુ છેઃ ચંદ્રાબાબુ નાયડુ

(એજન્સી) હૈદરાબાદ: આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ ચૂંટણી પ્રચાર દરમિયાન બિહાર, જનતાદળ (યુ)ના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર પર તેજાબી પ્રહારો કર્યા છે. ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યું છે કે બિહારી ડાકુ પ્રશાંત કિશોેરે આંધ્રપ્રદેશમાં લાખો વોટ કપાવી નાખ્યા છે.

ચંદ્રાબાબુ નાયડુએ વધુમાં જણાવ્યું છે કે તેલંગાણાના મુખ્યપ્રધાન કે.ચંદ્રશેખર રાવ ગુંડાગીરીની રાજનીતિ કરી રહ્યા છે. તેઓ કોંગ્રેસ અને ટીડીપીના ધારાસભ્યોને તોડી રહ્યા છે તો બીજી બાજુુ બિહારી ડાકુ પ્રશાંત કિશોરે આંધ્રપ્રદેશના લાખો લોકોના વોટ કપાવી નાખ્યા છે. પ્રશાંત કિશોરે આંધ્રપ્રદેશની મતદાર યાદીમાંથી લાખો વોટ દૂર કરાવ્યા છે.

પ્રશાંત કિશોર હાલ બિહાર જેડીયુુના ઉપાધ્યક્ષ છે અને તેમની ઓળખ ચૂંટણી રણનીતિકાર તરીકેની છે. વર્ષ ર૦૧૪માં નરેન્દ્ર મોદીને પીએમ બનાવવાના અભિયાનની ચૂંટણી રણનીતિ ઘડવામાં પ્રશાંત કિશોરની મહત્ત્વની ભૂમિકા હતી એવું માનવામાં આવે છે.

ચંદ્રાબાબુ નાયડુના આક્ષેપનો જવાબ આપતાં પ્રશાંત કિશોરે ટ્વિટ કરીને લખ્યું છે કે એક નિશ્ચિત હાર સૌથી અનુભવી રાજનેતાને પણ વિચલિત કરી શકે છે. તેમણે કહ્યું હતું કે અભદ્ર ભાષા પ્રયોજીને ગાળો આપવાનું બંધ કરો અને ચૂંટણી પ્રચાર પર ધ્યાન કેન્દ્રીત કરો. તેમનાં બેબુનિયાદ નિવેદનોથી મને સહેજ પણ આશ્ચર્ય થયું નથી.

You might also like