બિહાર જીત્યા બાદ જેડી(યુ) પાંચ રાજ્યમાં મહાગઠબંધન બનાવશે

પટણા: બિહારમાં મહાગઠબંધનને મળેલી સફળતા બાદ હવે જેડીયુ પાંચ રાજ્યમાં પણ આગામી દિવસોમાં મહાગઠબંધન બનાવવાની પહેલ કરશે.  દિલ્હીમાં આગામી ૨૦ અને ૨૧ ડિસેમ્બરે યોજાનારી જેડીયુની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં આ અંગે રણનીતિ ઘડવામાં આવશે. જેમાં તામિલનાડુ, કેરળ, પો‌ંડિચેરી, આસામ અને પશ્વિમ બંગાળમાં ભાજપના વર્ચસ્વને રોકવા મહાગઠબંધન બનાવવાની પહેલ કરવામાં આવશે. બેઠકમાં પક્ષનું ચૂંટણી ચિન્હ બદલવાના નિર્ણય અંગે અેક પ્રસ્તાવ પસાર કરવામાં આવશે. પક્ષની કાર્યકારિણી બેઠકમાં જેડીયુના અધ્યક્ષ શરદ યાદવ અને મુખ્યપ્રધાન નીતીશ
કુમાર પણ હાજરી આપશે.

જેડીયુના રાષ્ટ્રીય મહાસચિવ કે.સી. ત્યાગીઅે જણાવ્યું કે આગામી વર્ષે પાંચ રાજ્યમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે જેડીયુ બિહારની જેમ આ તમામ રાજ્યમાં પણ ભાજપ વિરુદ્ધ વિવિધ રાજકીય પક્ષોને સંગઠિત બનાવવા પ્રયાસો કરશે. ગત સપ્તાહમાં બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમાર દિલ્હી આવ્યા હતા ત્યારે તેમણે આ મુદે તરુણ ગોગોઈ, સીતારામ યેચુરી, શરદ પવાર સાથે વાત કરી હતી. તેમજ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની પણ તેમણે મુલાકાત લીધી હતી. આ ઉપરાંત નીતીશકુમારના શપથ ગ્રહણ સમારોહમાં પશ્વિમ બંગાળનાં મુખ્યપ્રધાન મમતા બેનરજી આવ્યાં હતાં ત્યારે તેમની સાથે પણ નીતીશકુમારે વાત કરી હતી. બિહારની ચૂંટણી પહેલાં જેડીયુુના અન્ય સમાજવાદી વિચારસરણીવાળા પક્ષ સાથે જોડાણની વાત થઈ હતી. તે મુદે રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં ચર્ચા થશે કે કેમ તેવા સવાલના જવાબમાં ત્યાગીઅે જણાવ્યું કે હાલ આ મુદો અમારી સમક્ષ આવ્યો નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આમ પણ અમારું માનવું છે કે તમામ પક્ષો તેમનું અસ્તિત્વ ટકાવી અેક બીજા સાથે તાલમેલ રાખી ચાલે. જેડીયુના જાવેદ રઝાઅે જણાવ્યું કે રાષ્ટ્રીય કાર્યકારિણીમાં પહેલા બિહારના વિજયની ઉજવણી કરવામાં આવશે. ત્યાર બાદ જે પાંચ રાજયમાં ચૂંટણી થવાની છે તે અંગે રણનીતિ તૈયાર કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતુ‌ં કે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં તેમનો પક્ષ ત્રીજા ક્રમે રહ્યો છે. કેરળમાં પણ અમારા અેક પ્રધાન છે. વડા પ્રધાન મોદીઅે બિહાર માટે ૧૨૫ કરોડના વિશેષ પેકેજની જાહેરાત કરી છે પરંતુ હજુ કોઈ રકમ મળી નથી.

You might also like