કામતે પાક. ટીમને અભિનંદન અાપ્યાં, કવાડિયાઅે કહ્યું, ‘પાકિસ્તાન જાવ’

અમદાવાદ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચમાં ભારત કટ્ટર હરીફ પાકિસ્તાન સામે હારી જતાં કરોડો ક્રિકેટપ્રેમીઓને આઘાત લાગ્યો છે. હવે અા હારના પડઘા સોશિયલ મીડિયા પર પણ પડ્યા છે. ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી અને સાંસદ ગુરુદાસ કામતે પાકિસ્તાનને અભિનંદન આપતાં ટ્વિટ કર્યું છે કે પાકિસ્તાન ટીમને રમતનાં તમામ પાસાંઓમાં અદ્ભુત દેખાવ કરવા બદલ અભિનંદન (Congrats to the Pakistan Team for a wonderful display in all departments of the game. Well played.) તેના જવાબમાં પંચાયત વિભાગના રાજ્ય કક્ષાના પ્રધાન જયંતીભાઇ કવાડિયાએ કામતને પાકિસ્તાન ચાલ્યા જવાની સલાહ આપતાં મામલો ગરમાયો છે.

રાજ્યના પંચાયત પ્રધાન જયંતીભાઇ કવાડિયાએ કામતના ‌િટ્વટના જવાબમાં હારબંધ ટ્વિટ કરીને જણાવ્યું કે ‘પાકિસ્તાન પ્રત્યેનો તમારો આ પ્રેમ દેશની કે ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે. આ પાકિસ્તાનની જીત નથી, આ આતંકવાદીઓની જીત છે એટલે તમારો આ આતંકવાદ પ્રેમ ત્યાં બતાવો. જો પાકિસ્તાન પ્રત્યે આટલો બધો પ્રેમ હોય તો ચાલ્યા જાવ પાકિસ્તાન.’

આ વિવાદ અંગે જયંતીભાઇ કવાડિયાએ જણાવ્યું હતું કે પાકિસ્તાનની જીતને વધાવવી એ દેશની નૈતિકતા નથી. દેશનો કોઇ પણ નાગરિક હોય તેને દેશ પ્રત્યેનું ગૌરવ હોવું જોઇએ. ગુરુદાસ કામતે આવું ટ્વિટ કરીને દેશની પ્રજાને દુઃખ પહોંચાડ્યું છે, તેનો જવાબ માત્ર ગુજરાતની જ નહીં, સમગ્ર દેશની જનતા આપશે.

જયંતીભાઇ કવા‌િડયાના ટ્વિટના પગલે અન્ય લોકો પણ તેમને સહકાર આપવા જોડાયા છે. અન્ય લોકોએ પણ કામત વિરુદ્ધ ટ્વિટ કરતાં લખ્યું છે કે ઘણા લોકો એવા હોય છે, જે હિન્દુસ્તાનમાં ખાય છે અને ફેવર પાકિસ્તાનની કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વખતથી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી રહેલું ભારત ગઇ કાલે પાકિસ્તાન સામેની ફાઇનલમાં પત્તાંના મહેલની જેમ ધરાશાયી થઇને કારમો પરાજય પામ્યું હતું. પાકિસ્તાનના ચાર વિકેટે ૩૩૮ રનની સામે ભારત ૧પ૮ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. લીગ રાઉન્ડમાં પાકિસ્તાનને આસાનીથી હરાવનાર ભારતીય ટીમ ફાઇનલમાં ગઇ કાલે આસાનીથી પરાસ્ત થઇ હતી.

પાકિસ્તાન સામેની મેચમાં ભારતની હાર થતાં દેશભરના ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા છે. સોશિયલ મીડિયા પર હાર બાદ ક્રિકેટરસિયાઓએ મેસેજનાે મારો ચલાવ્યો છે. ભારતના ટોચના બેટ્સમેનો રોહિત શર્મા-શૂન્ય, વિરાટ કોહલી-પાંચ અને ધોની-ચાર રનમાં આઉટ થતાં ટીમના હારનું કારણ બની હતી. ભારતની નાલેશીભરી હારના પગલે ક્રિકેટચાહકો રોષે ભરાયા હતા. રવિવારે મેચ જોવા માટે પિક‌િનક જેવા સર્જાયેલા માહોલે હારનું વાવાઝોડું ઊભું કરતાં લોકોએ રોષમાં ટીવીસેટ તોડી નાખ્યા હતા.

આ અંંગે કોંગ્રેસના સિનિયર નેતા અને ગુજરાતના પ્રદેશના પૂર્વ પ્રભારી ગુરુદાસ કામતે જણાવ્યું હતું કે જયંતીભાઇએ પીળા કાચનાં ચશ્માં પહેર્યાં છે એટલે તેમને દરેક વાત પીળી દેખાશે. ક્રિકેટ અને રમતમાં રાજની‌િત ન હોય, મેં હોકી ટીમને જીત બદલ અભિનંદન આપ્યાં છે અને રમતમાં જે તે ટીમનો જીત બદલ પ્રશંસાનો અધિકાર છે. મેં એ પણ ‌િટ્વટ કર્યું છે કે ભારતીય ટીમને પણ અપમાનિત નહીં કરવી જોઇએ. રમતમાં હાર-જીત એ સામાન્ય બાબત છે.

અા અંગે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીઅે કહ્યું હતું કે પાકિસ્તાનની જીત માટે લાગણી ન થવી જોઈઅે. ભારતીય સૈનિકોનાં માથાં વાઢ્યાં હોય તેવા દેશ સાથે અા મેચ ન રમાવી જોઈઅે. અા બાબતે અમારો પહેલેથી જ વિરોધ હતો.

http://sambhaavnews.com/

You might also like