પ્રશંસકો માટે તીર્થ બની જયલલિતાની સમાધિ

ચેન્નઈ: પ્રશંસકોની અાંખોમાં અાસું છે અને હાથમાં ફૂલ લઈને પોતાના પ્રિય નેતાને શ્રદ્ધાંજલિ અાપવા અાવ્યા છે. તમિલનાડુના સ્વર્ગસ્થ મુખ્યપ્રધાન જયલલિતા જયરામનાં નિધનને હજુ માત્ર બે દિવસ થયા છે. મંગળવારે તેમના અંતિમ સંસ્કાર થયા અને બુધવારે પ્રશંસકો માટે તેમની સમાધિ તીર્થ સ્થળ બની ચૂકી છે.

રાજ્યના ખૂણે ખૂણેથી લોકો તેમને શ્રદ્ધાંજલિ અાપવા પહોંચી ચૂક્યા છે. જયલલિતાને તેમના પ્રશંસકો પ્રેમથી અમ્મા કહેતા હતા. પોતાના પ્રિય નેતાના નિધન બાદ અા લોકોમાં તેવો જ માતમ છવાયેલો છે જેવો ઘરના કોઈ સભ્યના મૃત્યુ બાદ હોય. તેમની યાદમાં લોકો મુંડન કરાવી રહ્યા છે. તેમાં મહિલાઅો પણ સામેલ છે.

કોઈ નજીકના સંબંધી મૃત્યુ પામતાં જેવી હાલત થાય તેવી અા લોકોની થઈ છે. અન્ના દ્રમુકના અેક કાર્યકર્તાઅે જણાવ્યું કે અમ્મા મારા માટે માતા જેવાં હતાં તેથી અમે અમારા વાળ ઊતરાવ્યા છે. તેમણે મારાં બે બાળકોનું નામ પણ રાખ્યું હતું. હું એ માનવા માટે તૈયાર નથી કે તેઅો અા દુનિયામાં નથી. એમજી રામચંદ્રન બાદ અન્ના દ્રમુકની બાગડોર સંભાળનાર જયલલિતાને મંગળવારે મરિના બીચ પર દફનાવાયાં. અેમજીઅારની સમાધિની બાજુમાં જ લાખો લોકો તેમને અંતિમ વિદાય અાપવા અાવ્યા હતા.

અમ્મા પ્રત્યે શ્રદ્ધા પ્રગટ કરવા માટે લોકો હજુ પણ લાંબી લાંબી લાઈનોમાં ઊભા છે. એક મહિલાઅો પોતાની અંગૂઠીમાં જયલલિતાની તસવીર લગાવી રાખી છે. ખૂબ જ ગમગીન સ્વરે તે કહે છે કે અમ્મા લોકોનાં દિલમાં હંમેશાં જીવિત રહેશે. રાજ્યના કેટલાક ભાગોમાં અાવેલા અન્ના દ્રમુક કાર્યકર્તા જયાના અાવાસ પોઅેસ ગાર્ડન પર પણ ગયા. તેમણે ઇચ્છા વ્યક્ત કરી કે હવે તેમનાં પ્રિય નેતાના સ્મારકમાં અા જગ્યા ફેરવાઈ જવી જોઈઅે.

પ્રખ્યાત તામિલ અભિનેતા અજિતકુમાર વિદેશમાં શૂટિંગમાં વ્યસ્ત હોઈ અંતિમ સંસ્કારમાં પહોંચી શક્યા ન હતા. બુધવારે તેઅો પણ તેમની પત્નિ શાલિની સાથે અમ્માને શ્રદ્ધાંજલિ અાપવા સમાધિ પર પહોંચી ગયા.
http://sambhaavnews.com/

You might also like