જયલલિતાના સલાહકાર અને પત્રકાર ચો રામાસ્વામીનું નિધન

ચેન્નઈ: ચો રામાસ્વામી નામથી મશહૂર એક્ટર, એડિટર, રાજકીય વિશ્લેષક અને જયલલિતાના નિકટના સલાહકાર શ્રીનિવાસ ઐયર રામાસ્વામીનું આજે દુઃખદ અવસાન થયું હતું. તામિલનાડુના મુખ્યપ્રધાન અને એઆઈએડીએમકેના સુપ્રીમો જયલલિતાના અવસાનના બે િદવસ બાદ જ તેમના જ સલાહકાર રામાસ્વામીએ પણ અપોલો હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધા હતા.

૮૨ વર્ષના ભાજપના રાજ્યસભાના પૂર્વ સભ્ય રામાસ્વામી લાંબા સમયથી હોસ્પિટલમાં બીમાર હતા. તેઓ પરિવારમાં પત્ની, એક પુત્ર અને એક પુત્રીને વિલાપ કરતા છોડી ગયા હતા. તેઓ પોલિટિકલ મેગેઝિન ‘તુગલક’ના સંસ્થાપક અને સંપાદક હતા. રાજ્ય હોય કે કેન્દ્ર સરકાર તેમણે હંમેશાં નીડર બનીને અન્યાય અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.

દેશના કેટલાય નેતાઓ સાથે રામાસ્વામીને સારા વ્યક્તિગત સંબંધો હતા. તામિલનાડુના પૂર્વ મુખ્યપ્રધાન જયલલિતા સાથે તેમને સારા મૈત્રીપૂર્ણ સંબંધો હતા. આ વર્ષે રામાસ્વામી ગંભીર રીતે બીમાર થતાં જયલલિતા ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમને મળવા હોસ્પિટલ ગયા હતા. રામાસ્વામીને શાનદાર પત્રકારત્વ માટે બી.ડી. ગોયન્કા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. વાજપેયી સરકારમાં રાજ્યસભા માટે તેમને નોમિનેટ કરવામાં આવ્યા હતા.

નરેન્દ્ર મોદી ઉપરાંત તેઓ કે. કામરાજ, જયપ્રકાશ નારાયણ, લાલકૃષ્ણ અડવાણી, આરએસએસ નેતા બાલા સાહેબ દેવરસ, ચંદ્રશેખર, જી.કે. મુપનાર જેવા નેતાઓની તેઓ ખૂબ નજીક હતા. તેમણે કેટલાંય નાટકો લખ્યાં હતાં અને તેમનાં નાટકોની કહાણીના આધારે કેટલીય મોટી સફળ ફિલ્મ બની હતી. તેઓ ધર્મ અને સંસ્કૃતિ જેવા મુદ્દાઓ પર લખતા હતા.
http://sambhaavnews.com/

You might also like