તમિલનાડુના સીએમ જયલલિતાનું નિધન, પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાજાજી હોલમાં રખાયો

ચેન્નઇઃ  તામિલનાડુનાં મુખ્યપ્રધાન અને એઆઈએડીએમકેનાં સુપ્રીમો જય જયલલિતાને રવિવારે એકાએક હાર્ટએટેક આવતાં તેમની સ્થિતિ અતિ ગંભીર થઇ હતી. જયલલિતાને ચેન્નઈ સ્થિત એપોલો હોસ્પિટલમાં એકસ્ટ્રા-કોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજેનેશન (ઈસીએમઓ) ડિવાઈસ પર રાખવામાં આવ્યા હતા કે જેથી તેમના શ્વાસોચ્છ્વાસ ચાલી શકે. જો કે મોડી રાત્રે એપોલો હોસ્પિટલ ખાતે જયલલિતાએ અંતિમ શ્વાસ લીધા હતા.

જયલલિતાને શ્રધ્ધાંજલી આપવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચેન્નાઇ જશે. વડા પ્રધાન અને રાષ્ટ્રપતિએ જયલલિતાના નિધન પર દુઃખ વ્યકત કર્યું હતું. આજે તમિલનાડુના સીએમ જયલલિતાના અંતિમ સંસ્કાર કરાશે. તમિલનાડુમાં સાત દિવસનો શોક જાહેર કરાયો છે. જયલલિતાના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાજાજી હોલમાં રખાયો.  જયલલિતાના નિધન પર તમામ રાજકીય પક્ષોએ શ્રધ્ધાંજલી પાઠવી. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અંતિમ દર્શન માટે જાય તેવી શક્યતા છે. જયલલિતાનું અપોલો હોસ્પિટલમાં લાંબી સારવાર બાદ નિધન થયું હતું. જયલલિતાના નિધન પર સમગ્ર દેશમાં શોકનો માહોલ જોવા મળ્યો.

વાસ્તવમાં ઈસીએમઓ એક લાઈફ સપોર્ટ સિસ્ટમ છે જે શરીરને એવા વખત ઓક્સિજન પૂરો પાડવામાં મદદ કરે છે જ્યારે દર્દીના ફેફસા કે હૃદય કામ કરતા ન હોય. નિષ્ણાતોનું કહેવું છે કે આ ડિવાઈસના પ્રયોગ માટે શરીરની એક નસમાંથી લોહી ખેંચીને તેને ઓક્સિજિનેટર મશીન સાથે જોડી દેવામાં આવે છે કે જેથી હૃદય અને ફેફસા સુધી બાયપાસ દ્વારા લોહીનો પુરવઠો પહોંચી શકે. સોમવારે વહેલી પરોઢિયે ૩.૪૦ કલાકે જયલલિતાની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ડોક્ટરોએ આગામી ૨૪ કલાક જયલલિતા માટે ઘણા મહત્ત્વના ગણાવ્યા હતા.

હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર હૃદયરોગના નિષ્ણાતો, પલ્મોનરી રોગના નિષ્ણાતો અને ઈમર્જન્સી સ્થિતિમાં કેર લેતા નિષ્ણાતોની એક ટીમ જયલલિતાની સારવાર કરી રહી છે અને તેમના સ્વાસ્થ્યનું મોનટરિંગ કરી રહી છે. એપોલો હોસ્પિટલે એવું પણ જણાવ્યું છે કે લંડનથી ડો. રિચર્ડ બિયોલેની સલાહ લેવામાં આવી છે અને તેમણે હૃદયરોગ નિષ્ણાતો અને પલ્મોનોલોજિસ્ટની સારવારને સંમતિ આપી છે.

દરમિયાન જયલલિતાને હાર્ટએટકે આવ્યો હોવાના સમાચાર મળતા એપોલો હોસ્પિટલની બહાર મોટી સંખ્યામાં લોકો અને પક્ષના કાર્યકરો એકત્ર થઈ ગયા હતા. હોસ્પિટલની આસપાસ જડબેસલાકપોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હોસ્પિટલ જતા તમામ રસ્તાઓ પર બેરિકેડ લગાડી દેવામાં આવ્યા છે. રાજ્યભરમાં પોલીસને હાઈ એલર્ટ પર મુકવામાં આવી છે. લંડનથી ડોક્ટર રિચર્ડ જ્યોન બેલેને રૂબરૂ પણ બોલાવવામાં આવ્યા છે. સિંગાપુરથી પણ ડોક્ટરોની ટીમ આવી પહોંચી છે.

એપોલો હોસ્પિટલે પ્રથમ વાર બહારથી નિષ્ણાતોને બોલાવ્યા છે. જયલલિતાની દેખરેખમાં ૧૮ ડોક્ટરોની ટીમ તહેનાત છે. આ ડોક્ટરોને રાઉન્ડ ધ ક્લોક રહેવાની સૂચના આપવામાં આવી છે. જયલલિતાના ક્રિટિકલ કેર ગ્રૂપ ડોક્ટરોમાં ડો. રમેશ વેંકટરમન, ડો. આર. સેન્થીલકુમાર, ડો. બાબુ અબ્રાહમ અને કાર્ડિયોલિજસ્ટ વાય. સી. રેડ્ડીનો સમાવેશ થાય છે. ટીમના કેટલાય ડોક્ટરો આઈસીયુની આસપાસ બનેલા વીવીઆઈપી વોર્ડમાં ફરજ પર ખડેપગે હાજર છે. નવ નર્સ શિફ્ટમાં ડ્યૂટી પર છે. નર્સોના ફોન પણ લઈ લેવામાં આવ્યા છે અને કોઈની સાથે વાત કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

ડોક્ટર અને સ્ટાફના ફોન પણ ઈન્ટેલિજન્સના સર્વેલન્સ પર છે. જયલલિતાના ગળામાં ટ્રાયકોની નળી લગાવવામાં આવી છે તેનાથી તેઓ ફ્લુડ અને ઓક્સિજન લઈ રહ્યા છે. નળીના કારણે જયલલિતા બોલી શકે તેવી સ્થિતિમાં નથી. જયલલિતા પેશિવ ફિઝિયોથેરપી પર પણ છે. તેઓ હાથપગ હલાવી શકતા નથી. હોસ્પિટલની બહાર જમા થઈ રહેલી ભારે ભીડ અને જયલલિતાના ચાહકોની ચિંતાને ધ્યાનમાં રાખીને રેપિડેકશન ફોર્સને તૈયાર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. એપોલો પર બસ્સોથી વધુ પોલીસ દળો તહેનાત કરી દેવામાં આવ્યા છે. ગૃહપ્રધાન રાજનાથસિંહે રાજ્યપાલ સી. વિદ્યાસાગર રાવ સાથે વાત કરી હતી અને જયલલિતાના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી. એપોલો હોસ્પિટલ ખાતે તામિલનાડુ સરકારની કેબિનેટની ઈમર્જન્સી બેઠક મળી હતી.

આ બેઠકમાં સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા. એઆઈએડીએમકે તરફથી તમામ સાંસદોને દિલ્હીથી ચેન્નઈ પહોંચી જવા સલાહ આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ ટ્વિટ કરીને જયલલિતાની તબિયત સારી થઈ જાય તેવી શુભકામના પાઠવી છે. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજ્યપાલ વિદ્યાસાગર રાવને મુંબઈથી ચેન્નઈ તાત્કાલિક પહોંચી જવા જણાવ્યું હતું. જયલલિતાને ૨૨ સપ્ટેમ્બરના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને કેટલાય ડોક્ટરોએ તેમનો ઈલાજ કર્યો હતો. જેમાં બ્રિટનથી આવેલા નિષ્ણાત ડોક્ટરોનો સમાવેશ થતો હતો. સપ્તાહો સુધી આઈસીયુમાં રહ્યા બાદ થોડા િદવસ પહેલા તેમણે સ્પેશિયલ વોર્ડમાં રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ જયલલિતાએ સ્વયં પોતાની તબિયતમાં થયેલા સુધારાને પુનર્જન્મ ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે તેઓ જેમ બને તેમ સ્વસ્થ્ય થઈને કામ પર આવી જવા માંગે છે.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી ઉપરાંત ડીએમકેના અધ્યક્ષ એમ. કરુણાનિધિ, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને વિવિધ રાજ્યના મુખ્યપ્રધાનોએ જયલલિતાના સ્વાસ્થ્ય પર ચિંતા વ્યક્ત કરીને તેઓ જલદી સ્વસ્થ થઈ જાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. કેન્દ્રીય પ્રધાન વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે સીએમ જયલલિતાની ગંભીર સ્થિતિને જાણીને હું ખૂબ જ દુઃખી છું અને પ્રાર્થના કરું છું કે તેઓ જલદી સ્વસ્થ થઈ જાય. પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ પણ જણાવ્યું હતું કે તેઓ જયલલિતાના સ્વાસ્થ્ય અંગે ચિંતિત છે અને તેમના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરે છે. રાજદના પ્રમુખ લાલુ યાદવે પણ જયલલિતા જલદી સ્વસ્થ્ય થઈ જાય તેવી પ્રાર્થના કરી હતી.

જયલલિતાના સમાચાર સાંભળતાં જ AIADMKના સભ્યનું મોત
જયલલિતાને હાર્ટએટેક આવ્યો છે એવા સમાચાર ટીવી પર જોયા બાદ કુડ્ડાલોર જિલ્લાના એઆઈએડીએમકેના એક સભ્યને ઊંડો આઘાત લાગતા તેમનું રાત્રે જ મોત થયું હતું.

home

You might also like