જયલલિતાને કોઈએ ધક્કો મારીને પાડી દીધા બાદ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં

ચેન્નઇ: એઆઇએડીએમકેના સિનિયર નેતા પી. એચ. પાંડિયને એવો દાવો કર્યો છે કે અમ્મા (જયલલિતા)ને તેમના પોએસ ગાર્ડન સ્થિત ઘરમાં કોઇએ ધક્કો મારીને પાડી દીધાં હતાં. તામિલનાડુ વિધાનસભાના પૂર્વ સ્પીકર પાંડિયનનું કહેવું છે કે આ ઘટના બાદ જયલલિતાને ગત સાલ રર સપ્ટેમ્બરે એપોલો હોસ્પિટલમાં દાખલ કરવાં પડ્યાં હતાં અને લાંબી સારવાર બાદ ગઇ સાલ
પ ડિસેમ્બરે અવસાન થયું હતું.

પાંડિયને એવો શક વ્યક્ત કર્યો છે કે પૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાનું મૃત્યુ કુદરતી સંજોગોમાં થયું નહોતું. પૂર્વ મુખ્યપ્રધાન ઓ.પનીરસેલવમના નિવાસસ્થાને મીડિયા સાથેની વાતચીતમાં પાંડિયને એવો દાવો કર્યો હતો કે ધક્કો મારવાથી અમ્મા પડી ગયાં હતાં અને ત્યારબાદ તેમની સાથે શું થયું તે કોઇને ખબર નથી.

એક પોલીસ અધિકારીએ એમ્બ્યુલન્સ બોલાવી હતી અને અમ્માને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં હતાં. અમ્મા ત્યાં પહોંચ્યા બાદ એપોલો હોસ્પિટલના ર૭થી વધુ સીસીટીવી કેમેરા હટાવી લેવામાં આવ્યા હતા. હોસ્પિટલ મેનેજમેન્ટે ખુલાસો કરવો જોઇએ કે સીસીટીવી કેમેરા શા માટે હટાવી લેવાયા હતા?

પાંડિયને જણાવ્યું હતું કે અમ્માનું મૃત્યુ ૪ ‌ડિસેમ્બરે સાંજે ૪-૩૦ કલાકે થયું હતું, પરંતુ હોસ્પિટલે પ ડિસેમ્બરના રોજ તેની જાણ કરી હતી. પરિવારના કયા સભ્યએ તેમની સારવાર બંધ કરવાનું જણાવ્યુું હતું તેનો પણ ખુલાસો થવો જોઇએ. પાંડિયનને જ્યારે પૂછ્યું કે આ માહિતી તમને ક્યાંથી મળી? ત્યારે તેમણે જણાવ્યું હતું કે મારા પોતાના સ્રોત છે. હું મારી રીતે તપાસ કરી રહ્યો છું.
http://sambhaavnews.com/

You might also like