જયા પાર્વતી વ્રત

જયા પાર્વતીનું વ્રત અષાઢ સુદ ૧૪થી અષાઢ વદ બીજ સુધી એટલે કે પાંચ દિવસનું હોય છે. આ વર્ષે આ વ્રત તા. ૦૮-૦૭-ર૦૧૭ થી તા. ૧૧-૦૭-૨૦૧૭ સુધી છે. આ વ્રત સળંગ ર૦ વર્ષ કરવાનું હોય છે. પ્રથમ પાંચ વર્ષ જુવાર, બીજા પાંચ વર્ષ જવ, ત્રીજા પાંચ વર્ષ ચોખા અને છેલ્લા પાંચ વર્ષ મગ ખાઇને કરવાનું હોય છે. તેવું શાસ્ત્રો જણાવે છે. આપણાં શાસ્ત્રોમાં વ્રતોનો મહિમા બહુ ગવાયો છે. વ્રતોનાં માધ્યમથી બાલિકાઓમાં સ્ત્રીઓમાં સંસ્કારનું સિંચન કરવામાં આવે છે. ઉત્સવો અને વ્રતોથી જીવન હર્યુંભર્યું અને ઉલ્લાસમય બને છે. આ વ્રત ઉપાસના માતા પાર્વતીએ શિવજીને વર તરીકે પ્રાપ્ત કરવા શરૂ કરેલ છે. માતા પાર્વતીએ જે જે વ્રતો શરૂ કર્યા તે વ્રતો સ્ત્રીઓ તથા બાલિકાઓ કરતા જોવા મળે છે. અષાઢ સુદ ૧૧ થી પૂનમ સુધી જે વ્રત બાલિકાઓ કરે છે. તે વ્રત ગૌરી વ્રત (ગોર્યો) કહેવાય છે. જ્યારે સૌભાગ્યવતી સ્ત્રીઓ તથા મોટી ઉંમરની સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતા આ વ્રતને જયા પાર્વતી વ્રત કહે છે.

આ વ્રત કરવાથી પતિ તથા બાળકોને સુખકારી મળે છે. સારો પતિ પણ આ વ્રત કરવાથી મળે છે. આ વ્રત અષાઢ સુદ તેરશથી અષાઢ સુદ બીજ એમ પાંચ દિવસનું હોય છે. સૌભાગ્યશાળી બહેનો તેરશના દિવસે વહેલાં ઊઠી, નાહી ધોઇ શિવાલયમાં જઇ શિવ પાર્વતીની પૂજા કરે છે. પાંચ દિવસ બહેનો ગળપણ તથા મીઠા વગરનું ભોજન લે છે. સાથે સૂકો મેવો તથા દૂધ લઇ શકે છે. એક માન્યતા પ્રમાણે આ વ્રત વીસ વર્ષ કરવાનું હોય છે.

અષાઢ વદ ૩ના દિવસે જાગરણ કરવાનું હોય છે. વ્રત કરનારે વ્રત પૂરું થયા બાદ બ્રાહ્મણ દંપતીને ભોજન અવશ્ય કરાવવું. શક્ય હોય તો તે જોડાંને દક્ષિણા તથા વસ્ત્ર પણ આપવાં સાથે સાથે સૌભાગ્યની અખંડિતતા માટે કંકુ, કાજળ, પણ દાનમાં આપવું જે ઘરમાં બાલિકાઓ તથા સ્ત્રીઓ આ વ્રત કરે છે. તે ઘર આનંદ તથા ઉલ્લાસથી છલકાઇ જાય છે. આ વ્રતનાં છેલ્લા દિવસે બહેનો જાગરણ કરે છે. જાગરણની મજા તો આવે છે. સ્ત્રીઓ તથા નાની બાલિકાઓ આખી રાત રમત, રાસ ગરબા, અંતાક્ષરી રમે છે. રાત ક્યાં પસાર થઇ જાય છે તેની ખબર પણ પડતી નથી.

આમ જયા પાર્વતીનું વ્રત કરનાર ઉપર શિવ પાર્વતીની કૃપા ઊતરે છે. આ વ્રત દરમિયાન ભગવાન શંકર પાર્વતીની પૂજા કરી તેમનાં નામ સ્મરણ કરવાં. સદ્દગુણી તથા સંસ્કારી પતિ મેળવવા કુંવારી યુવતીઓ આ વ્રત કરે છે. પતિનું આરોગ્ય તથા બાળકોની વૃદ્ધિ માટે સ્ત્રીઓ આ વ્રત કરે છે. આ વ્રત કરનાર શંકર પાર્વતીની કૃપાથી અપાર સુખ મેળવે છે. •
http://sambhaavnews.com/

You might also like