ઓવૈસીને જાવેદ અખ્તરે ત્રણ વખત ભારત માતાની જય કહ્યું

નવી દિલ્હી: એમઆઈએમના સાંસદ અસદુદીન ઓવૈસીના ભારત માતાની જય નહિ બોલવાના નિવેદનનો જવાબ આપતાં જાવેદ અખ્તરે ત્રણ વખત ભારત માતાની જય કહીને ભાજપ સરકારને તેમના નેતાઓ, સાંસદો અને ધારાસભ્યોને નફરત ફેલાવતાં નિવેદન આપતાં રોકવા અપીલ કરી છે.

ઓવૈસીનું નામ લીધા વિના જાવેદ અખ્તરે જણાવ્યું કે તેમને અભિમાન આવી ગયું છે કે તેઓ એક રાષ્ટ્રીય નેતા છે, જોકે તેમની એક મહોલ્લાના નેતાથી વિશેષ હેસિયત નથી. તેમણે જણાવ્યું કે તેઓ કહે છે કે કોઈ પણ ભોગે તેઓ ભારત માતાની જય નહિ બોલે, કારણ આવું બંધારણમાં લખ્યું નથી. તેમણે એમ પણ જણાવ્યું હતુ કે બંધારણમાં તો શેરવાની અને ટોપી પહેરવાનું પણ લખ્યું નથી. તેમના આવા નિવેદન બદલ રાજ્યસભાના બીજા સભ્યોએ પાટલી થપથપાવી અને તાળીઓ પાડી સ્વાગત કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ઓવૈસી મોટા ભાગે શેરવાની અને ટોપી પહેરેલા જોવા મળે છે. જાવેદ અખ્તરે જણાવ્યું કે બંધારણમાં ભારત માતાની જય બોલવાનું લખ્યું છે કે નહિ કે એ વાત મહત્ત્વની નથી.

તેમણે વધુમાં જણાવ્યું કે અહીં એ વાત નથી કે આ મારી ફરજ છે કે નહિ, પરંતુ ભારત માતાની જય બોલવું એ મારો અધિકાર છે. આમ કહી તેમણે ત્રણ વખત ભારત માતાની જય કહ્યું હતું. અગાઉ ઓવૈસીએ આરએસએસના પ્રમુખ મોહન ભાગવતને જવાબ આપતાં જણાવ્યું હતું કે કોઈ તેમની ગરદન પર છરી રાખશે તો પણ તેઓ ભારત માતાની જય નહિ બોલે તેમ જણાવતાં વિવાદ થયો હતો.

You might also like