ક્રિકેટનાં મેદાનોને ધ્રુજાવવા અમદાવાદ એક્સપ્રેસ સજ્જ

ઓસ્ટ્રેલિયા સામે ઈન્ડિયન ટીમ દરેક મોરચે પરાસ્ત થઈ રહી હતી અને કોઈ એવી જડીબુટ્ટી હાથ નહોતી લાગતી કે ઓસ્ટ્રેલિયાના બલ્લેબાજોના પલડાને નમાવી દે. ભારતને જરૃર હતી ઓસ્ટ્રેલિયાના વિજયપથને રોકી શકે તેવા એક્સપ્રેસ બોલરની અને એ કામ કરી આપ્યું ગુજ્જુ જશપ્રીત બુમરાહે. જશપ્રીતના સંઘર્ષ અને ક્રિકેટની દીવાનગીની કથા તેની માતા દલજિતના શબ્દોમાં…

ભારતમાં ક્રિકેટની રમત હંમેશાં બીજા કોઈ પણ ખેલ કરતાં લોકપ્રિય રહી છે. ગલીથી લઈને ઈડન ગાર્ડનમાં બેટ-દડાની પ્રેક્ટિસ કરતાં કોઈ પણને પૂછો કે તારે શું બનવું છે તો વળતો જવાબ આવે સચીન તેંડુલકર પણ ભાગ્યે જ ક્યાંક એવું સાંભળવા મળે કે મારે ગ્લેન મેકગ્રા, શૉન પોલક કે ઝહીર ખાન બનવું છે પણ જશપ્રીત બુમરાહનું બાળપણથી જ લક્ષ્ય ક્રિકેટપીચ પર ઊભેલા ત્રણ સ્ટમ્પને બોલ્ડ કરવાનું હતું.

હા, એ જશપ્રીત જેણે ઓસ્ટ્રલિયાના વિજયરથને અટકાવ્યો છે. સિડનીના મેદાનમાં તેને ફુલ ઓન ફોર્મ કેપ્ટન સ્ટીવ સ્મિથને આઉટ કરીને ભારતના ખેલાડીઓમાં આત્મવિશ્વાસ જગાવ્યો અને ભારતની બોલિંગ લાઈનમાં કોન્ફિડન્સનો ડોઝ પૂર્યો. સિડનીની બેટિંગ પીચ પર તેને દસ ઓવરમાં માત્ર ચાલીસ રન આપીને એ સાબિત કરી આપ્યું કે બંદે મેં દમ હૈ. પરંતુ આ દમ, વિશ્વાસ અને સફળતાનો પાયો તેના સંઘર્ષથી મજબૂત થયો છે.

અમદાવાદમાં ઉછરેલો જશપ્રીત હજી પા પા પગલી માંડતો થાય ત્યાં તેના પિતાનું અવસાન થયું. તેની જવાબદારી તેની માતા દલજિત અને મોટી બહેન જુહીકાના માથે આવી. વટવામાં તેમનો કેમિકલ ફેક્ટરીનો ધંધો હતો પણ તેના પિતાનો સ્વર્ગવાસ થતાં નાણાકીય કટોકટી આવી પડી અને ધંધાની સાથે ઘર પણ છોડવું પડ્યું. જશપ્રીતની માતા પોતાના અભ્યાસનો ઉપયોગ કરીને પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકેની ફરજ બજાવવા લાગ્યાં અને બંને સંતાનોને મોટાં કરવાં લાગ્યાં.

બાળપણથી નવરાશની પળોમાં જશપ્રીત અગાસી પર જઈને બેસી જતો અને ત્યાં છોકરાંને ક્રિકેટ રમતાં નિહાળતો અને તેના હાથમાં દડો આવવા લાગ્યો અને તેની સાથે પ્રેમ થવા લાગ્યો. એ બોલની સાથે જનમોજનમના સંબંધ હોય તેમ તેને તેની સાથે લાગણી બંધાઈ. સવારે ઊઠે તો હાથમાં બોલ, સાંજે સૂવા જાય ત્યારે પણ તેના હાથમાં દડો જ હોય. એ દડાના કારણે તેના હાથમાં કરામત આવી અને તેની એક્શનમાં એક શ્રેષ્ઠ બોલરનાં લક્ષણો ઝળહળતાં હતાં. શરૃઆતમાં તેનું મન પણ બેટ્સમેન બનવાનું કહેતું હતું પણ તેના દિલનો અવાજ તેને કહેતો હતો કે, યુ આર પરફેક્ટ ફોર ધ બેસ્ટ બોલર.

દલજિત બુમરાહ કહે છે, “ભણવામાં તે ઠીકઠાક હતો પણ ક્રિકેટમાં તે હંમેશાં અવ્વલ રહેતો. ક્રિકેટ માટે થઈને તે અનેક વખત ક્લાસ બંક કરીને આવતો રહેતો અને એક શિક્ષક તરીકે મને ગુસ્સો પણ આવતો, પરંતુ તેની ક્રિકેટ પ્રત્યેની સાધના જોઈને હું તેને કંઈ ન કહેતી. મને એ ખ્યાલ ન હતો કે મારો દીકરો એક દિવસ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમશે પણ અંડર-૧૮માં તેણે સાત વિકેટ લઈને કરેલી કમાલે અમારો આત્મવિશ્વાસ વધારી દીધો.”

શાળામાં ગુલ્લી અને ક્રિકેટમાં તલ્લીન
તેનો મિત્ર રુદ્રદેવ કક્કડ વર્ગખંડનાં સંસ્મરણો તાજાં કરતાં કહે છે કે જશપ્રીતે એક વખત આખું અઠવાડિયું સ્કૂલમાંથી ગુલ્લી મારી અને બરોબર એ જ સમયે અમારા સર રજા પર ગયા. તેની જગ્યાએ એક મેડમને મૂકવામાં આવ્યાં અને મેડમને દરરોજ હાજરી પૂરવાની ટેવ. સાત દિવસ સુધી જશપ્રીત નામ બોલવામાં આવે પણ કોઈ જવાબ ન મળે અને એક દિવસ જવાબ આવ્યો કે “યસ મેમ.” તો મેડમે કહ્યું કે નવું એડમિશન લીધું લાગે છે ત્યારે તેના ક્લાસના વિદ્યાર્થીઓ હસતાહસતાં કહેવા લાગ્યા કે એ ક્રિકેટમાં તલ્લીન છે અને એટલે અમારા ક્લાસનો નંબરવન ગુલ્લીમાર છે.

ડ્રેસિંગ રૃમની મસ્તીઃ બુમરાહને કિયા ગુમરાહ
જુહીકા કહે છે “આઈપીએલના ડ્રેસિંગ રૃમમાં સાથી ખેલાડીઓ તેની પજવણી કરતાં. તેને તેના નામ સાથે જોડીને કહેતાં કે બુમરાહને કર દિયા ગુમરાહ. ઘરે મને પણ જ્યારે ટીવીનું રિમોટ ન આપે ત્યારે હું પણ તેને આ વાત કહીને જ ચીડવતી. આવતા મહિને મારાં લગ્ન છે અને આશા રાખું છું કે મારો ભાઈ શાનદાર પ્રદર્શન કરીને ભારતને વિજય અપાવે.”

ગૌતમ શ્રીમાળી

You might also like