જાપાનના વિદ્યાર્થીઓએ હિરોશિમા હુમલાનો વર્ચ્યુઅલ વીડિયો બનાવ્યો

ટોકિયો: જાપાનની ફુકુયામા ટેકનિકલ હાઇસ્કૂલના કેટલાક વિદ્યાર્થીઓએ ૭૩ વર્ષ પહેલાં હિરોશિમામાં થયેલા પરમાણુ હુમલાનો વર્ચ્યુઅલ વીડિયો બનાવ્યો છે. પાંચ મિનિટના આ વીડિયોમાં તેમણે સ્લોગન આપ્યું કે તસવીર જોશો તો અમારું દર્દ જાતે સમજી જશો.

આ પ્રોજેકટને પૂર્ણ થવામાં બે વર્ષ લાગ્યા છે. ડેટા એકત્ર કરવા માટે તેમણે હુમલાના પીડિતો સાથે વાત કરી. જૂની તસવીરો અને વીડિયોનો ઉપયોગ કર્યો. વીડિયો બનાવનારી ટીમમાં સામેલ મેઇ ઓકાદાએ જણાવ્યું કે તેમની સ્કૂલ હિરોશિમાથી લગભગ ૧૦૦ કિ.મી. દૂર છે.

તેઓ દુનિયાને બતાવવા ઇચ્છે છે કે ૭૩ વર્ષ પહેલાં તેમની સાથે કેવી રીતે અન્યાય થયો.૧૮ વર્ષના યુહી નાકાગવા કહે છે કે અમારી ટીમમાં સામેલ મોટા ભાગના વિદ્યાર્થીઓ પરમાણુ હુમલાના પ૦ વર્ષ બાદ આ દુનિયામાં આવ્યા. પ્રોજેકટ દરમિયાન અમે તે સમયના ઘણા ફોટા જોયા.

અમને મહેસૂસ થયું કે જે થયું તે સારું ન થયું. ડેટા એકત્ર કરતી વખતે અમે એવા લોકોને મળ્યા જે પરમાણુ હુમલામાં જીવતા બચી ગયા. તેમની હાલત આજે પણ વધુ સારી નથી. તેઓ ઘણી બીમારીઓ સામે લડી રહ્યા છે.

પાંચ મિનિટના આ વીડિયોમાં ૬ ઓગસ્ટ ૧૯૪પની સવારે હિરોશિમામાં ચમકતો પ્રકાશ બતાવાયો છે. શહેરની ઉપર અચાનક એક પ્લેન આવે છે. રોશની દેખાય છે અને તેજ ધડાકો થાય છે. બધીજ ઇમારતો ધરાશાયી થઇ જાય છે અને ચારે બાજુ કાળો ધુમાડો ફેલાઇ જાય છે. આગની જવાળાઓ આકાશ સુધી જોવા મળે છે.

આ હુમલામાં ૧,૪૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. તેના ત્રણ દિવસ બાદ અમેરિકાએ નાગાસાકી પર બીજો પરમાણુ બોમ્બ ફેંકયો હતો. જેમાં ૭૦,૦૦૦ લોકો મૃત્યુ પામ્યા હતા. બંને હુમલાના ૬ દિવસ બાદ જાપાને સમર્પણ કરી દીધું હતું અને બીજું વિશ્વયુદ્ધ પૂરું થઇ ગયું હતું.

You might also like