જાપાનમાં શિંજોનો શાનદાર વિજયઃ બહુમતીથી ચૂંટાયા

ટોકિયો: જાપાનના વડા પ્રધાન તરીકે શિંજો આબે ફરી વાર ચૂંટાઈ જતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. જાપાનમાં યોજાયેલ મધ્યવર્તી ચૂંટણીમાં વડા પ્રધાન શિંજો આબેની શાનદાર જીત થઈ છે. એનાથી વડા પ્રધાન શિંજો આબેને વિશ્વના ત્રીજા નંબરના સૌથી મોટા અર્થતંત્રને પાટા પર લાવવામાં અને ઉત્તર કોરિયા સામે તેમના કડક વલણને વધુ મજબૂત થવામાં મદદ મળશે. પ્રાઈવેટ બ્રોડકાસ્ટર ટીબીએએસના અનુમાન અનુસાર શિંજો આબેના કોન્ઝર્વેટિવ એલાયન્સને સંસદની ૪૬૫માંથી ૩૧૧ બેઠકો મળી રહી છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જાપાની સમકક્ષ શિંજો આબેને ફરીથી વડા પ્રધાન તરીકે ચૂંટાવવા બદલ અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે બંને દેશોના સંબંધો વધુ મજબૂત કરવા માટે તેઓ ઉત્સુક છે. રવિવારે યોજાયેલી મધ્યવર્તી ચૂંટણીમાં શિંજો આબેનો અભૂતપૂર્વ વિજય થયો છે. શિંજો આબેના એલડીએફ નેતૃત્વવાળા ગઠબંધનને સંસદના નીચલા ગૃહમાં બેતૃતીયાંશ બહુમતી પ્રાપ્ત થઈ છે.

શિંજો આબેના શાનદાર વિજય પર મોદીએ ટ્વિટ કર્યું હતું કે મારા પ્રિય મિત્ર શિંજો આબેને ચૂંટણીમાં અભૂતપૂર્વ જીત બદલ હાર્દિક અભિનંદન તેમની સાથે મળીને ભારત-જાપાન સંબંધોને વધુ મજબૂત બનાવવા હું ઉત્સુક છું. મોદી અને શિંજો આબે વચ્ચે ખુબ જ સારા સંબંધો છે અને છેલ્લા ત્રણ વર્ષમાં બંને વચ્ચે અનેક વખત મુલાકાત થઈ છે. ગુજરાતમાં તાજેતરમાં આયોજિત એક વાર્ષિક સંમેલનમાં શિંજો આબેએ મોદી સાથે ભાગ લીધો હતો.

જાપાનમાં ૩૧૦ બેઠકો જીતવાથી બેતૃતીયાંશ બહુમતી પ્રાપ્ત થાય છે. જેની સામે શિંજો આબેને ૩૧૧ બેઠકો મળી છે. ચૂંટણીમાં આ જીતથી ઉત્તર કોરિયાના પરમાણું ખતરા સામે કામ લેવા શિંજો આબેના સંકલ્પને વધુ તાકાત મળી શકે છે. જાપાન અમેરિકાનો મુખ્ય પ્રાદેશિક સહયોગી દેશ છે અને એશિયાની સૌથી પ્રભાવશાળી અર્થવ્યવસ્થા છે. આ અગાઉ જાપાનમાં ભારે વરસાદ હોવા છતાં ચૂંટણીમાં લોકો મતદાન કરવા ઊમટી પડ્યા હતા.

શિંજો આબેના લિબરલ ડેમોક્રેટિક પાર્ટીને નબળા વિપક્ષનો ફાયદો થયો છે. તેમની સામે ઊભેલા બે પક્ષોની હજુ થોડા સપ્તાહ પહેલા રચના થઈ હતી. થોડા અઠવાડિયા પહેલા જ ટોકિયોના ગવર્નર યુરિકો કોઈકેએ પાર્ટી ઓફ હોપની રચના કરી હતી. આ પાર્ટીને ૫૦ બેઠકો મળવાનું અનુમાન છે.

You might also like