નશીલાં ડ્રગ્સના કેસમાં જાપાનની કોર્ટે નેસ વાડિયાને બે વર્ષની જેલની સજા ફટકારી

જાપાનની એક અદાલતે ભારતીય ઉદ્યોગપતિ નેસ વાડિયાને નશીલી અને કેફી ડ્રગ્સ રાખવાના આરોપસર બે વર્ષની જેલની સજા સંભળાવી છે. ભારતના સૌથી ધનાઢ્ય બિઝનેસમેન પરિવારોમાંના એક અગ્રણી બિઝનેસ પરિવારના સભ્ય નેસ વાડિયાને જાપાનમાં સ્કીઈંગના વિકેશન દરમિયાન ડ્રગ્સ રાખવા માટે આ સજા સંભળાવવામાં આવી છે.

૨૮૩ વર્ષ જૂના વાડિયા ગ્રૂપના એકમાત્ર વારસદાર અને કિંગ્સ ઈલેવન પંજાબ ક્રિકેટ ટીમના સહમાલિક નેસ વાડિયાની માર્ચના આરંભમાં ઉત્તર જાપાની દ્વીપ હોક્કાઈડોના ન્યૂ ચિટોઝ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. જાપાની મીડિયાના અહેવાલ અનુસાર ન્યૂ ચિટોઝ એરપોર્ટના કસ્ટમ અધિકારીઓએ ચેકિંગ દરમિયાન નેસ વાડિયા પાસેથી ૨૫ ગ્રામ ડ્રગ્સ જપ્ત કરી હતી.

આ અગાઉ સીએનબીસી-ટીવી ૧૮ દ્વારા એક મહિનો પૂર્વે વાડિયા ગ્રૂપને નેસ વાડિયાની ધરપકડ થઈ છે કે કેમ તે અંગે પૃચ્છા કરી હતી, પરંતુ એ વખતે વાડિયા ગ્રૂપે નેસ વાડિયાની ધરપકડ થઈ હોવાના અહેવાલને રદિયો આપ્યો હતો.

જ્યારે નેસ વાડિયાની ન્યૂ ચિટોઝ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી ત્યારે તેણે ગુનો કબૂલતાં જણાવ્યું હતું કે આ ડ્રગ્સ મારા અંગત ઉપયોગ માટે છે. એવું અદાલતના એક અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું. નેસ વાડિયાને ૨૦ માર્ચે અપરાધી જાહેર કર્યા ત્યાં સુધી તેણે અટકાયતમાં રહેવું પડ્યું હતું. સાપોરો ડિસ્ટ્રિક્ટ કોર્ટે નેસ વાડિયાને બે વર્ષની જેલની સજા નશીલાં ડ્રગ્સ રાખવાના ગુનામાં સંભળાવી છે.

જાપાનમાં આજકાલ નશીલાં અને કેફી દ્રવ્યો રાખવાના ગુના અંગેના કાયદામાં વધુ કડક જોગવાઈઓ કરવામાં આવી છે. ૨૦૨૦માં ટોકિયોમાં ઓલિમ્પિક રમતોત્સવ યોજાનાર છે તે સંદર્ભમાં તેમજ આ વર્ષ રગ્બી વર્લ્ડકપ યોજાનાર છે ત્યારે જાપાનનાં નશીલાં દ્રવ્યોને લગતા કાયદાઓ વધુ કડક બનાવવામાં આવ્યા છે અને તેનો સખતાઈથી અમલ થઈ રહ્યો છે એવું રિપોર્ટમાં જણાવાયું હતું.

નેસ વાડિયા વાડિયા ગ્રૂપના ચેરમેન નસલી વાડિયાના સૌથી મોટા પુત્ર છે અને તેમની નેટવર્થ સાત અબજ ડોલર જેટલી છે. વાડિયા ગ્રૂપનો ઈતિહાસ ખૂબ જૂનો છે. ૧૭૩૬માં વાડિયા ગ્રૂપે ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે જહાજના નિર્માણનો બિઝનેસ શરૂ કર્યો હતો અને હાલ તેના અનેક બિઝનેસ છે, જેમાં બિસ્કિટ કંપની બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગો-એર પણ વાડિયા ગ્રૂપની માલિકીની એરલાઈન્સ છે, જેનું કુલ માર્કેટ વેલ્યુએશન ૧૩.૧ અબજ ડોલર જેટલું થવા પામે છે.

You might also like