જાપાનનો નિક્કી ઈન્ડેક્સ વધુ તૂટ્યોઃ બેન્કના શેરમાં ગાબડાં

અમદાવાદ: જાપાનના શેરબજારમાં આજે વધુ ઘટાડો નોંધાયો હતો. જાપાનની બેન્કોના શેરમાં ઘટાડાથી શેરબજારમાં ચિંતા વધુ વધી છે. આજે શરૂઆતે જાપાનનો નિક્કી ઇન્ડેક્સ ૪૦૦ પોઇન્ટ તૂટ્યો હતો. વૈશ્વિક મંદીની આશંકાએ જાપાનનું શેરબજાર વધુ તૂટ્યું હતું. દરમિયાન વૈશ્વિક વિકાસદરની ચિંતાએ યુરોપીય બજાર પણ પાછાં એક સપ્તાહથી તૂટી રહ્યાં છે. ચીનના નવા વર્ષની ઉજવણીના કારણે શાંઘાઇ સહિત હેંગસેંગ, તાઇવાન શેરબજાર બંધ છે.

અમેરિકી શેરબજારમાં ઝડપથી ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. હવે બજારની નજર યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેનેટ યેલેન પર ટકેલી છે. તો વળી માગ ઘટવાની આશંકાએ ક્રૂડમાં ઘટાડો જોવા મળ્યો છે. ગઇ કાલે ક્રૂડમાં આઠ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ આજે ફરી તેમાં રિકવરી જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડ ૩૧.૦૨ ડોલર પ્રતિબેરલની સપાટીએ જોવા મળ્યું છે, જ્યારે નાયમેક્સ ક્રૂડ પણ ૧.૮૮ ટકાના સુધારે ૨૮.૪૬ ડોલર પ્રતિબેરલની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળ્યું છે.

You might also like