જાન્યુઆરીથી સેન્સેક્સ ૨,૨૦૦ પોઈન્ટ ઊછળ્યો

અમદાવાદ: જાન્યુઆરીથી પાછલાં સપ્તાહ સુધીમાં સેન્સેક્સમાં ૨,૨૦૦ પોઇન્ટથી વધુનો ઉછાળો જોવાઇ ચૂક્યો છે. નોંધનીય છે કે પાછલાં સપ્તાહે બીએસઇ સેન્સેક્સ ૨૮,૮૩૨ની સપાટીએ બંધ જોવાયો છે. ચાલુ સપ્તાહમાં શનિવારે પાંચ રાજ્યની ચૂંટણીનાં પરિણામો આવનાર છે. આ પરિણામ પૂર્વે શેરબજારમાં એક તરફી જોવાયેલી તેજી ઘણી સૂચક છે. બજારની નજર ચૂંટણીનાં પરિણામ ઉપર મંડાયેલી છે.
શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે નોટબંધી બાદ પાંચ રાજ્યની ચૂંટણીનાં પરિણામ આવી રહ્યાં છે ત્યારે સરકારના નોટબંધીના નિર્ણયની અસર જનમત ઉપર કેવી જોવાઇ છે તેના સ્પષ્ટ સંકેતો આપશે, જોકે બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ચૂંટણીનાં પરિણામ કેન્દ્ર સરકારની તરફેણમાં હોય કે વિરુદ્ધમાં હોય તો પણ મુશ્કેલી ઊભી કરી શકે છે.

ચૂંટણી પૂર્વે બજારમાં એકતરફી તેજી જોવાઇ ચૂકી છે અને નિફ્ટી ૮,૮૫૦ની ઉપર ૮,૮૯૭ની સપાટીએ પાછલાં સપ્તાહે છેલ્લે બંધ જોવાઇ છે. જો કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં એટલે કે નકારાત્મક પરિણામો આવે તો શેરબજારમાં આઠથી દશ ટકાનો ઘટાડો નોંધાઇ શકે છે.
તો બીજી બાજુ એથી ઊલટું પોઝિટિવ પરિબળો આવે તો શેરબજાર નવી ઊંચાઇએ જોવાઇ શકે છે.

કેટલાક નિષ્ણાતો એવો પણ મત વ્યક્ત કરી રહ્યા છે કે ઉત્તર પ્રદેશની ચૂંટણીનાં પરિણામ સકારાત્મક આવે કે નકારાત્મક આવે, ૧૪મી માર્ચે શેરબજાર ખૂલતાં મોટી વધઘટ જોવાઇ શકે છે. નોંધનીય છે કે ૧૧ માર્ચે શનિવારે ચૂંટણીનાં પરિણામ બાદ રવિવાર અને સોમવારે હોળીને કારણે શેરબજાર બંધ રહેશે.

http://sambhaavnews.com/

You might also like