‘જનમિત્ર’ કાર્ડનો BRTS, રિવરફ્રન્ટ, કાંકરિયામાં ઉપયોગ કરી શકાશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી તા.૨૪ જૂનથી ‘કોમન મોબિલિટી પેમેન્ટ કાર્ડ’ જનમિત્રનો પ્રારંભ કરાશે.

ખાનગી બેન્ક આઈસીઆઈસીઆઈના સહયોગથી કોર્પોરેશને ‘જનમિત્ર’ કાર્ડનો સમગ્ર પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આશરે રૂ.૮૦ કરોડના આ પ્રોજેક્ટનો સઘળો ખર્ચ આ બેન્ક ઉઠાવી રહી છે. તેની સામે કોર્પોરેશન પ્રત્યેક ‘જનમિત્ર’ કાર્ડના ટ્રાન્જેકશનના ૧.૯૫ ટકા ફી પેટે બેન્કને ચૂકવશે. નાગરિકોને કોર્પોરેશનના સિવિક સેન્ટર, બીઆરટીએસ બસ સ્ટેન્ડ અને શહેરભરનાં ૨૭૫ આઉટલેટ પરથી જનમિત્ર કાર્ડ ઉપલબ્ધ કરાશે.

ઇ-ગવર્નન્સનો હવાલો સંભાળતા અાસિસ્ટન્ટ કમિશનર રમ્ય ભટ્ટ અા અંગે વધુ માહિતી અાપતા કહે છે કે ‘જનમિત્ર’ કાર્ડ માટે પ્રથમ વખત રૂ.૫૦ની ફી ચૂકવ્યા બાદ નાગરિક તેને રૂ.૫૦ના ગુણાંકમાં ચાર્જ કરાવી શકશે. દર મહિને રૂ.વીસ હજાર સુધીની ખરીદી કે બિલનું પેમેન્ટ થઈ શકશે. ત્યારબાદ વધુ રકમ માટે પાનકાર્ડ જેવા દસ્તાવેજ જરૂરી બનશે. ‘જનમિત્ર’ કાર્ડધારક નાગરિક અન્ય બેન્કના ડેબિટકાર્ડ કે ક્રેડિટકાર્ડની જેમ ‘જનમિત્ર’ કાર્ડનો ઉપયોગ કોઈ પણ શોપિંગ મોલમાં ખરીદી કે લાઈટબિલની ભરપાઈ વગેરેમાં કરી શકશે.

કોર્પોરેશનના પ્રોફેશનલ ટેક્સ અને પ્રોપર્ટી ટેક્સની ભરપાઈ પણ ‘જનમિત્ર’ કાર્ડથી શક્ય બનશે. ઓટો, ટેક્સી જેવી અન્ય ઉતારુ સેવામાં પણ જનમિત્ર કાર્ડથી ભાડું ચૂકવી શકાશે. એએમટીએસનું ભાડું ચૂકવવા પણ ‘જનમિત્ર’ કાર્ડનો ઉપયોગ થઈ શકશે, આ ઉપરાંત તા.૨૪ જૂને કોર્પોરેશન દ્વારા એએમસી સેવા એપનું ઉદ્ઘાટન કરાશે. આ મોબાઈલ એપ થકી નાગરિકોને પોતાના વોર્ડના કોર્પોરેટર અને વોર્ડમાં ઉપલબ્ધ મ્યુનિ. હોલ, લાઇબ્રેરી, જિમનેશિયન, સ્વિમિંગ પૂલ, અર્બન હેલ્થ સેન્ટર જેવી કોર્પોરેશનની જનલક્ષી સુવિધાઓની માહિતી મળશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે જનમિત્ર કાર્ડ અને એએમસી સેવા એપનું ઉદ્ઘાટન થવાનું છે.
http://sambhaavnews.com/

You might also like