ભગવાન શ્રીકૃષ્ણનો પ્રાદુર્ભાવ: જન્માષ્ટમી

અષ્ટમી બે પ્રકારની છે-પહેલી અષ્ટમી અને બીજી જયંતી. આમાંથી ફક્ત પહેલી અષ્ટમી છે. સ્કન્દ પુરાણ અનુસાર જે વ્યક્તિ જાણતાં હોવા છતાં પણ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત નથી કરતી તે વ્યક્તિ જંગલમાં સાપ અને જંગલી પશુ બને છે.

બ્રહ્મપુરાણનું કથન છે કે કળિયુગમાં શ્રાવણ વદની અષ્ટમીમાં અઠ્ઠાવીસમા યુગમાં દેવકીના પુત્ર શ્રીકૃષ્ણ જન્મ્યા હતા. જો દિવસ કે રાત્રિમાં કલામાત્ર પણ રોહિણી ન હોય તો વિશેષકર ચંદ્રમા સાથે મળેલી રાત્રિમાં આ વ્રત કરો.

ભવિષ્યપુરાણનું વચન છે. શ્રાવણ મહિનાની વદમાં કૃષ્ણ જન્માષ્ટમી વ્રતને જે કોઈ મનુષ્ય નથી કરતો તે ક્રૂર રાક્ષસ હોય છે. ફકત અષ્ટમી તિથિમાં જ ઉપવાસ કરવાનું કહેવામાં આવ્યું છે. જો તે જ તિથિ રોહિણી નક્ષત્રથી સંબંધીત હોય તો જયંતીના નામથી ઓળખવામાં આવે છે.

વહ્નિપુરાણનું વચન છે કે કૃષ્ણ પક્ષની જન્માષ્ટમીમાં જો એક કળા પણ રોહિણી નક્ષત્ર હોય તો તેને જયંતી નામથી જ સંબોધીત કરાશે. જેથી કરીને આમાં પ્રયત્ન દ્વારા ઉપવાસ કરવો જોઈએ. વિષ્ણુરહ્સ્યાદિ વચનથી, કૃષ્ણ પક્ષની અષ્ટમી રોહિણી નક્ષત્રથી યુક્ત શ્રાવણ માસમાં હોય તો તે જયંતી નામાવલિ જ કહેવાશે.

વસિષ્ઠ સંહિતાનો મત છે કે, જો અષ્ટમી કે રોહિણી આ દિવસોનો યોગ અહોરાત્રમાં અસંપૂર્ણ પણ હોય તો મુહૂર્ત માત્રમાં પણ અહોરાત્રના યોગમાં પણ ઉપવાસ કરવો જોઈએ. મદનરત્નના સ્કન્દ પુરાણનું વચન છે કે જે ઉત્તમ પુરુષ છે તે ચોક્કસરૂપે જન્માષ્ટમીનું વ્રત કરે છે. તેમની પાસે હંમેશાં સ્થિર લક્ષ્મી હોય છે. આ વ્રત કરવાથી તેમના પ્રભાવ દ્વારા બધાં જ કાર્યો સિદ્ધ થાય છે.

વિષ્ણુ ધર્મ અનુસાર જન્માષ્ટમી રોહિણી અને શિવરાત્રિ પૂર્વ વિદ્ધા જ કરવી જોઈએ તેમજ નક્ષત્રના અંતમાં પારણાં કરો. આમાં ફકત રોહિણી ઉપવાસ પણ સિદ્ધ છે.

આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે પૃથ્વીને એક અલૌકિક ઘટના એટલે વિશ્વની એક મહાન વ્યક્તિ ભગવાન શ્રીકૃષ્ણનું પ્રાગટ્ય. આ મહાન આત્માએ ધર્મ, ન્યાય અને નીતિ માટે જીવનભર ઝઝૂમીને વિશ્વને પ્રેરણા આપી.

પાંચ પાંચ હજાર વર્ષથી માનવીનાં હૃદય ઉપર જેણે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે એવા અવતારી ભગવાન શ્રીકૃષ્ણ પોતે એવા યુગપુરુષ હતા કે જેમના ઉપર લોકોને વિશ્વાસ, પ્રેમ અને આદર છે.

વિશ્વમાં આટલો પ્રેમ સંપાદન કરનાર અને લોકપ્રિય યુગપુરુષ હજુ સુધી કોઇ પ્રગટ થયા નથી. તેઓએ પોતાના સમગ્ર જીવનમાં નાનામાં નાની વ્યક્તિથી લઇને મોટા, અબાલ વૃદ્ધ કે વિદ્વાન દરેક પ્રત્યે આત્મીય સંબંધ બાંધ્યો હતો.

ભગવાન શ્રીકૃષ્ણે પોતાના અંત સમય સુધી નિઃસ્વાર્થપણે સેવા કરી, તેમાં એક જ સ્વાર્થ હતો કે સમાજમાં એક વ્યવસ્થા ઊભી કરવી.  જે વ્યવસ્થા વર્ષો સુધી ચાલ્યા કરે. તેમનું જીવન સાહસ અને પરાક્રમો ભરેલું હતું. છતાં ક્યાંક સ્વાર્થ જોવા મળતો નથી. તેમનું સમગ્ર જીવન આપણને મુક્તિ આપનારું છે. તેમજ નિરાશાવાદીને આશા આપનારું છે.

તેમના આગવા ગુણો
નિર્ણયશક્તિ: મહાભારતની લડાઇ ચાલુ છે. દુર્યોધને યુધિષ્ઠિર મહારાજને થકવી દીધા છે. યુધિષ્ઠિર મહારાજ હતાશાથી રણ સંગ્રામમાંથી ભાગીને તંબુમાં સંતાઇ ગયા છે. હથિયાર તમામ ભાંગી ગયાં છે. રથ ભાંગી ગયો છે. અર્જુન અને ભગવાન શ્રીકૃષ્ણ મોટાભાઇની ખબર કાઢવા જાય છે. બંનેને જોતાં એમ લાગ્યું કે બેય કર્ણને મારીને પાછા આવે છે. પણ જાણવા મળ્યું કે કર્ણ તો જીવે છે.

આ સાંભળીને યુધિષ્ઠિર મહારાજ અર્જુનને ન કહેવાનાં વચનો કહેવા લાગ્યા અને છેવટે અર્જુનના ધનુષ્યનું અપમાન કર્યું. તેથી અર્જુન ખીજાઇને મોટાભાઇને તલવારથી મારવા તૈયાર થયો, ભગવાને તેને રોક્યો ને કહ્યું કે તું તારા ભાઇનું અપમાન કર, એ મારવા બરાબર છે એમ જાણી અપમાન કરે છે, મોટા ભાઇ પણ મરવા તૈયાર થઇ જાય છે આવા કટોકટીના પ્રસંગે ભગવાન વચ્ચે પડીને સમાધાન કરાવે છે આ રીતે ભગવાનની નિર્ણય શક્તિએ બેયને બચાવી દીધા.

ત્યાર પછી ભીષ્મના કહેવાથી દુર્યોધન તેની માતા પાસે પોતાને વજ્રનો બનાવી દે તે માટે જાય છે પરંતુ ભગવાન તેમાં વચ્ચે પડી તેને ફૂલની માળા પહેરાવી દે છે. ને દુર્યોધનને લડાઇમાં મરવાનો માર્ગ કરી દે છે.

અને છેવટે ભીમ અને દુર્યોધનના ગદા યુદ્ધમાં ભગવાને ભીમને ઇશારો કરતાં તેની જાંઘ તોડી મારી નાંખે છે. યુદ્ધના પ્રારંભ પહેલાં ભગવાન અર્જુનના પક્ષમાં ભળી જઇને તેનું રક્ષણ કરે છે.

સ્થિતપ્રજ્ઞતા: ભગવાન શ્રીકૃષ્ણની સ્થિતપ્રજ્ઞતા અદ્ભુત હતી. ભગવાને બાળપણમાં લીલા કરી, ગોપીઓ સાથે રાસલીલા કરી, પોતાની સમક્ષ કૌરવોનો સંહાર અને અંતે સમસ્ત યાદવકુળનો સંહાર એ ભગવાનની સ્થિતપ્રજ્ઞતા છે.•

You might also like