જન્માષ્ટમી નિમિત્તે દ્રારકા સહિત દેશભરમાં ધામધૂમ ઉજવણી, અનેક ભક્તોનું ઉમટ્યું ઘોડાપૂર

જન્માષ્ટમીને લઇને વહેલી સવારથી જ ભક્તોનો ભારે ધસારો શ્રી કૃષ્ણ મંદિરે જોવાં મળ્યો હતો. ડાકોર, દ્વારકા અને શામળાજીમાં ભક્તોએ સવાર સવારમાં મંગળા આરતીનો લ્હાવો લીધો હતો. અનેક ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યાં હતાં. આજનાં દિવસે શ્રીકૃષ્ણનાં દર્શન કરવાનું અનેરું મહત્વ હોય છે.

જન્માષ્ટમીનાં પર્વને લઈને આજે શ્રી કૃષ્ણ ભગવાનની નગરી દ્વારકામાં ભક્તોનો સવારથી જ ધસારો જોવાં મળી રહ્યો છે. ત્યારે દ્વારકામાં આજે વિશેષ પૂજન, અર્ચન અને નૈવૈધ પણ ધરાવવામાં આવી રહ્યાં છે. ત્યારે બીજી બાજુ દ્વારકા મંદિરની ધજા બદલવાની વિધિ પણ સંપન્ન થઈ ગઇ છે. મહત્વનું છે કે આજે દિવસમાં પાંચ વખત ધ્વજા બદલવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે આજે સમગ્ર વિશ્વભરમાં કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમીની ઉજવણી થવા જઇ રહી છે. ત્યારે ગુજરાતમાં આજે દ્વારકા, ડાકોર અને શામળાજીમાં અનેક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. દ્વારકામાં લોકો ક્યાંય ક્યાંયથી ભક્તો શ્રીકૃષ્ણનાં દર્શને ઉમટી પડ્યાં છે.

ભક્તોમાં જન્માષ્ટમી એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનનાં જન્મને લઇ એક પ્રકારનો અનેરો ઉત્સાહ જોવાં મળી રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારમાં મંગળા આરતી અને બાદમાં મંગળા દર્શનનો લાભ લઈને કેટલાંય ભક્તોએ ભારે ધન્યતા અનુભવી હતી. જેથી આજે સમગ્ર દ્વારકાધીશ મંદિર જય શ્રી કૃષ્ણનાં નાદથી ગુંજી ઉઠ્યું છે.

દ્વારકા એ ભગવાન શ્રી કૃષ્ણની નગરી છે. ભગવાન અહીં દ્વારકામાં સાક્ષાત સ્વરૂપે છે. શ્રી કૃષ્ણ ભગવાનનાં જન્મને લઇ અહીં વિશેષ પૂજા-અર્ચના અને શૃંગાર ભોગ ધરાવવામાં આવી રહેલ છે. તેમજ દ્વારકામાં મંગળા આરતી, ભગવાનને સ્નાન કરાવાની વિધિ, દુધ-દહી સહિતનો પંચામૃત અભિષેક પણ કરાવવામાં આવ્યો.

બાદમાં ધ્વજારોહણની પણ વિધિ થઈ હતી. આ ઉપરાંત દ્વારકા નગરીએ આવેલાં ભક્તો ગોમતી તટે સ્નાન કરીને પોતાનાં પુણ્યનું ભાથું બાંધી રહ્યાં છે. મહત્વનું છે કે અહીં જન્માષ્ટમી નિમિત્તે જોવા મળી રહેલી ભક્તોની ભીડનાં ધસારાને ધ્યાને રાખી કૃષ્ણ ભગવાનનાં અનેક મંદિરોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

You might also like