જન ધન યોજનામાં ખાતાં વધ્યાં પણ…!

દેશની દરેક વ્યક્તિ પાસે પોતાનું બેંક એકાઉન્ટ હોય એ ઉદ્દેશ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી જન ધન યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના શરૂ થયાને બે વર્ષ જેવો સમય થવા આવ્યો છે ત્યારે એ જાણવું જરૂરી બને છે કે કરોડોની સંખ્યામાં ખાતાં તો ખૂલ્યાં પણ બેલેન્સ કેટલું છે? ઓગસ્ટ, ૨૦૧૪માં જન ધન યોજના અંતર્ગત જેટલાં ખાતાં ખૂલ્યાં હતાં તેનું સરેરાશ બેલેન્સ ૭૯૫ રૂપિયા હતું જે મે, ૨૦૧૬માં ૧૭૩૫ રૂપિયા થયું હતું. મતલબ કે બેલેન્સ એકાઉન્ટમાં ૧૧૮ ટકાનો વધારો થયો.

બેલેન્સમાં ૧૧૮ ટકાનો વધારો થયો તો ખાતાં ખૂલવાની સંખ્યામાં ૩૦૮ ટકાનો વધારો નોંધાયો છે. સપ્ટેમ્બર, ૨૦૧૪માં ૫૩ મિલિયન એકાઉન્ટ ખૂલ્યાં હતાં. મે, ૨૦૧૬ સુધીમાં ૨૧૯ મિલિયન એકાઉન્ટ સુધી આંકડો પહોંચ્યો છે. ઝીરો બેલેન્સવાળા એકાઉન્ટમાં ૫૦ ટકાથી વધારે ઘટાડો થયો છે. અત્યારે માત્ર ૨૫.૭ ટકા એકાઉન્ટ જ એવાં છે જેમાં એક પણ રૂપિયો જમા નથી. આ યોજના દ્વારા મનરેગા અને એલપીજીની સબસિડી સીધી ખાતામાં જમા થાય છે.

જન ધન યોજના એકાઉન્ટમાં કુલ મળીને ૩૮,૦૪૮ કરોડ રૂપિયા ડિપોઝિટ થયા છે. પ્રધાનમંત્રી જન ધન યોજનાના એડિશનલ મિશન ડિરેક્ટર ડૉ. આલોક પાંડેએ જણાવ્યું હતું કે, “ગરીબ લોકોનાં બેંક એકાઉન્ટ ખૂલે એ અમારો મુખ્ય ઉદ્દેશ હતો અને મોટાભાગનાં એકાઉન્ટ ઝીરો બેલેન્સથી જ ખૂલ્યાં હતાં. લોકોને પોતાનું બેંક એકાઉન્ટ હોવાનો ગર્વ છે. અમે બેંકોને દરેકને પાસબુક આપવા સમજાવી અને પરિણામ એ આવ્યું કે આજે ઝીરો બેલેન્સ એકાઉન્ટમાં માતબર ઘટાડો થયો છે.

You might also like