દિવાળી બોનસ : જામનગર પાલિકા દ્વારા સીટી બસ સેવાનો પ્રારંભ

જામનગર : શહેરીજનોની લાંબી આતુરતાનો અંત આજે આવ્યો. કારણકે શહેરમાં દોડતી સીટી બસ લગભગ છેલ્લા આઠ માસ કરતાં પણ વધુ સમયથી બંધ થઇ ચુકી હતી. તે આજે શરૂ થઇ અને આજથી શહેરના દસ રૂટ પર દસ મીની બસોનો પ્રારંભ શહેરના ધારાસભ્ય સહિતના પદાધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યો. લાભપાંચમ સુધી દરેક શહેરીજન આ બસનો ફીમાં લાભ લઇ શકશે તેવી જાહેરાત પણ કરવામાં આવી.

શહેરી વિસ્તારમાં આવશ્યક સેવાઓમાંની એક સેવા એટલે સીટી બસ સેવા. પરંતુ મનપાના અણધડ વહીવટને કારણે શહેરમાં સીટી બસનું સંચાલન ભૂતકાળમાં યોગ્ય રીતે ન થતા છેલ્લા દસ માસ જેટલા સમયથી સીટી બસ સેવા જામનગરમાં ખોરવાઈ જવા પામી હતી. આથી સ્થાનિકો માત્ર છકડા-રિક્ષાઓને સહારે થઇ ગયા હતા અને મનપા સામે સ્થાનિકોમાં પણ રોષ જોવા મળતો હતો. જેને લઈને અનેકવાર વિપક્ષ વિરોધપ્રદર્શન પણ કરી ચૂક્યું છે. શાશકોએ સીટી બસ અંગે અનેક લોલીપોપ આપ્યા બાદ આખરે આજે જામનગરના જીલ્લાપંચયાત સર્કલથી બપોરે 12:39 કલાકે વિજયમુહર્તમાં શહેરના ધારાસભ્ય વસુબેન ત્રિવેદી અને મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા શહેરની દસ સીટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો.

આજે મહત્વની બાબત એ રહી કે સીટી બસને મુદ્દે વિરોધ કરનાર વિપક્ષના સભ્યો પણ સીટી બસના પ્રારંભમાં જોડાયા. આજે શરૂ થયેલ 10 મીની બસો શહેરના દસ રૂટ પર દોડશે. અને આજથી લાભપાંચમ સુધી તમામ મુસાફરો આ બસમાં ફ્રિ મુસાફરી કરી શકશે. ત્યારબાદ નિયત ચાર્જ વસુલ કરવામાં આવશે. આજે શરૂ થયેલ બસો માટે રૂપિયા 2 કરોડની ગ્રાન્ટ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી આપવામાં આવી છે. તો આજે પણ વિપક્ષ દ્વારા નિવેદન કરતાં એવું જાણવામાં આવ્યું કે 30 સીટી બસો શહેરમાં શરૂ કરવાને બદલે માત્ર 10 સીટી બસો જ શરૂ કરવામાં આવી છે છતાં પણ વિપક્ષ તેને આવકારે છે.

આમ આજે સીટી બસ શરૂ તો થઇ ચુકી પરંતુ અગાઉના આયોજનોની જેમ ફરી એક વખત સીટી બસના પૈડાં થોડો સમય ચાલી અને થંભી ના જાય તે જોવાની મનપાની પણ ફરજ છે. બસમાં મુસાફરી કરનાર શહેરીજનો પણ બસો પોતાની છે તેમ માનીને તેને સાચવીને મનપાને સહયોગ કરશે તો શહેરમાં સીટી બસ યોગ્ય રીતે ચાલી શકશે.

You might also like