કાશ્મીરમાં દોઢ કલાકમાં જ ત્રણ આતંકી હુમલાઃ બે જવાનને ઈજા

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી આતંકવાદી હુમલા થઈ રહ્યા છે ત્યારે ગઈ કાલે રાતે આ વિસ્તારમાં માત્ર દોઢ કલાકમાં જ ત્રણ આતંકી હુમલા થતાં તેમાં બે જવાનને ઈજા થઈ હતી. જ્યારે બીજી તરફ ફુલગામમાં આતંકીઓએ એક પોલીસ જવાન પર ફાય‌િરંગ કરતાં તેમને ગંભીર ઈજા થઈ હતી. બાદમાં શોપિયામાં પણ આતંકીઓએ પોલીસ મથક પર ફાય‌િરંગ કર્યું હતું. આ તમામ ઘટનામાં સંડોવાયેલા આતંકીઓને પકડવા સેનાએ આ વિસ્તારને નાકાબંધી કરી તપાસ કામગીરી હાથ ધરી છે.

સેના અને પોલીસની સંયુક્ત ટીમ શોપિયાના માત્રીબુગ વિસ્તારમાં એક આતંકવાદી વિરોધી અભિયાન ચલાવી તેમના કેમ્પ તરફ પરત આવી રહી હતી ત્યારે રાતના નવ વાગ્યે ચકોરા નજીક ટીમ પર આતંકીઓએ હુમલો કર્યો હતો, જોકે આ દરમિયાન સેનાએ પણ વળતો પ્રહાર કર્યો હતો, પરંતુ અંધારાનો લાભ ઉઠાવી આતંકીઓ ફરાર થઈ ગયા હતા. આ હુમલામાં સેનાના બે જવાનને ઈજા થઈ હતી. ત્યારબાદ બીજી ઘટનામાં ફુલગામમાં રજા પર આવેલા કોન્સ્ટેબલ પર આતંકીઓએ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે પોલીસ કર્મચારી સલીમ યુસુફને ગંભીર ઈજા થઈ હતી. તે બારામુલ્લામાં ફરજ બજાવતો હતો.

આ ઉપરાંત ત્રીજો બનાવ રાતના સાડા દસ વાગ્યે બન્યો હતો, જેમાં આતંકીઓએ શોપિયા પોલીસ મથક પર ફાય‌િરંગ કરતાં પોલીસ જવાનોએ વળતો જવાબ આપ્યો હતો, તેના કારણે આતંકીઓ પોલીસ મથકમાં ઘૂસી શક્યા ન હતા અને ફરાર થઈ ગયા હતા.
http://sambhaavnews.com/

You might also like