કોંગ્રેસ શાસન દરમિયાન થયેલા જમીન કૌભાંડની તપાસ કરશે મહેબૂબા સરકાર

જમ્મુ : જમ્મુ-કાશ્મીરની મહેબૂબા સરકારે પૂર્વ મુખ્યમંત્રી ગુલાબનબી આઝાદના સમયમાં અમલમાં આવેલ રોશની સ્કીમ હેઠળ જમીન ફાળવણીમાં અનિયમિતતાઓની તપાસ કરાવશે. રાજ્ય સરકાર તરફથી વિધાનસભામાં આ અંગેની જાણકારી આપવામાં આવી હતી.

રોશની સ્કીમ હેઠળ રાજ્ય સરકારની હજારો એકર જમીન ગેરકાયદેસર રીતે ઓછી કિંમતમાં ફાળવવામાં આવી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. આ ફાળવણીથી વર્તમાન સરકારના મોટા મંત્રી, પૂર્વ મંત્રી, રાજનેતા, પોલીસ અધિકારી તેમજ અન્ય સરકારી કર્મચારીઓને ફાયદો થયો હોવાનો આરોપ છે.

પ્રદેશના મહેસુલ પ્રધાન સૈયદ બુખારીએ વિધાનસભામાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારે આ સ્કીમ હેઠળ 25 હજાર કરોડ રૂપિયની જગ્યાએ ફકત 78.47 કરોડ રૂપિયા એકઠા કરવાના મામલાને ગંભીરતાથી લઇને આ અંગે તપાસ કરવાનો નિર્ણય કર્યો છે. 2014માં પ્રિન્સિપલ એકાઉન્ટ જનરલ (પીએજી)એ રોશની એક્ટ હેઠળ 25 હજાર કરોડ રૂપિયાની હેરાફેરીની વાત કરી હતી. પીએજીએ રોશની એક્ટને રાજ્યનું સૌથી મોટુ જમીન કૌભાંડ બતાવ્યું હતું.

જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ભાજપ અને પીડીપી ધારાસભ્યોએ આ મામલ હંગામો કર્યો હતો. અનિયમિતતામાં શામેલ નેતાઓ અને અધિકારીઓની તપાસ કરવાની માગણી કરી હતી. ત્યારબાદ મંત્રીએ જણાવ્યું કે 25 હજાર કરોડ રૂપિયા મહેસુલીના લક્ષ્ય સાથે શરૂ કરાયેલી યોજનામાં માત્ર 78.47 કરોડ એકઠા કરી શકાયા. સરકાર આ પુરી અનિયમિતતાની તપાસ કરશે.

You might also like