રમજાનમાં અહીં હિંદુ અધિકારી રાખે છે રોજા , દુર્ગાપૂજામાં મૌલવી કરાવે છે આરતી

શ્રીનગર: આપણા દેશમાં એક જ રેજિમેન્ટ એવી છે, જે કોઈ એક જ રાજ્યના જવાનોની બનેલી છે. જમ્મુ-કાશ્મીર લાઈટ ઈન્ફેન્ટ્રી રેજિમેન્ટને આ વર્ષે ૭૦ વર્ષ પૂરાં થયાં. રેજિમેન્ટના તમામ ૧પ,૦૦૦ જવાન જમ્મુ-કાશ્મીરના જ છે. આ દેશની એકમાત્ર એવી રેજિમેન્ટ છે, જેને અહીંના સ્થાનિક લોકોએ મળીને જ બનાવી છે.

૧૯૭રમાં ભારતીય સેનાનો હિસ્સો બનેલી આ રેજિમેન્ટ ૧૯૪૭માં કબાલી આક્રમણખોરોને ખદેડવા માટે તૈયાર કરવામાં આવી હતી. એ વખતે તેનું જમ્મુ એન્ડ કાશ્મીર મિલિશિયા એવું નામ હતું. ૧૯૭૬માં નવું નામ આપવામાં આવ્યું-જમ્મુ-કાશ્મીર લાઈટ ઈન્ફેન્ટ્રી રેજિમેન્ટ.

સેનામાં સર્વધર્મ સ્થળની શરૂઆત પણ આ રેજિમેન્ટે જ કરી હતી. સર્વધર્મ સ્થળ એટલે જ્યાં મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારા સાથે હોય એવી જગ્યા. તમામ ધર્મના જવાનો-અધિકારીઓ એકસાથે પૂજા, નમાજ કે અરદાસ કરે છે. રેજિમેન્ટમાં પ૦ ટકા મુસલમાન અને પ૦ ટકા બાકીના ધર્મના લોકો સામેલ છે, જેમાં ડોગરા અને બૌદ્ધ મુખ્ય છે, સાથે મળીને રહેવાનો એક અનોખો રિવાજ પણ અહીં છે.

મંગળવારે અહીં કોઈ માટે નોનવેજ રસોઈ બનતી નથી, કેમ કે ડોગરા આ દિવસે નોનવેજ ખાતા નથી. તમામ અધિકારીઓ રમજાનમાં રોજા પણ રાખે છે, પછી તે કોઈ પણ ધર્મના કેમ ન હોય. દુર્ગાપૂજામાં જો પંડિતજી રજા ઉપર હોય તો મૌલવી સાહેબ આરતી કરાવે છે.

દીપાવલી પર્વમાં મુસલમાન જવાનો તમામ કામની જવાબદારી લઈને હિંદુ સાથીઓને રજા ઉપર મોકલે છે. લેફ્ટનન્ટ જનરલ સતીશ દુઆ જે.કે. લાઈટ ઈન્ફેન્ટ્રી રેજિમેન્ટના કર્નલ ઓફ રેજિમેન્ટ છે. લે. જનરલ દુઆ પહેલા અધિકારી છે, જે કોર કમાન્ડર અને આર્મી કમાન્ડર બન્યા છે. બુરહાન વાણી એન્કાઉન્ટર બાદ કથળેલી હાલતને કાબૂમાં લેવા અને સફળ સર્જિકલ સ્ટ્રાઈક કરવી એ તેમની મુખ્ય સિ‌દ્ધિ રહી છે.

એક ઓપરેશન-બે વીરતા પદકઃ એક હિંદુને-એક મુસલમાનને
ગયા વર્ષે ૬-૭ જૂને જે.કે. લાઈટ ઈન્ફેન્ટ્રીની ચોથી બટાલિયન ઉરીમાં તહેનાત હતી. લાન્સ નાયક બાથર હુસેને કેટલાક આતંકવાદીઓ જોયા. મેજર વિજયંત બિશ્ટ ટીમ લીડર હતા. આતંકીઓ અને સેના વચ્ચે એન્કાઉન્ટર થયું, જેમાં એક જવાન ઘાયલ થયો.

લાન્સ નાયક હુસેનના કવર ફાયરમાં મેજર વિજયંત જમીન પર સૂઈને ઘાયલ જવાનને સુરક્ષિત રીતે લઈ આવ્યા. આતંકીઓ નાસી છૂટ્યા પણ મેજર બિશ્ટે ૪૮ કલાક સુધી સર્ચ ઓપરેશન જારી રાખ્યું. આખરે બિશ્ટ અને બાથરની ટીમે બંને આતંકીઓને ઠાર માર્યા. આ વીરતા માટે મેજર વિજયંત બિશ્ટને કી‌િર્તચક્ર અને લાન્સ નાયક બાથર હુસેનને શૌર્યચક્ર એનાયત કરવામાં આવ્યાં હતાં.

You might also like