કાશ્મીરમાં આતંકીઓના સફાયાનો ‌સિલસિલો જારીઃ વધુ બે આતંકી ઠાર

શ્રીનગર: સુરક્ષા દળોએ આતંકી સમર્થકોના ભારે પથ્થરમારા વચ્ચે પુુલવામાના સંબુરા સેકટરમાં એક અથડામણમાં લશ્કર-એ-તોઇબાના કમાન્ડર ઐયુબ લલહારી સહિત બે આતંકીને ઢાળી દીધા હતા. અહેવાલો અનુસાર હજુ પણ એક આતંકી છુપાયો હોવાનું માનવામાં આવે છે અને સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન જારી છે.

સંબુરામાં લલહારીનો પાકિસ્તાની સાગરીત રહેમાન અને અન્ય આતંકી મોડી રાત સુધી સુરક્ષા દળોના ઘેરામાં ફસાયેલા હતા. આ સાથે જ આ વર્ષે સાત મહિનામાં માર્યા ગયેલા આતંકીઓની સંખ્યા ૧ર૮ પર પહોંચી ગઇ છે. દરમિયાન પ્રશાસને તકેદારીનાં પગલાંરૂપે પુલવામામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.

આ ઉપરાંત ત્રાલમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં એક ગ્રામીણ ઘાયલ થયો હતો. અનંતનાગમાં પણ મોડી રાત્રે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બપોર બાદ સુરક્ષા દળોને પામ્પોર નજીક આવેલા સંબુરામાં આતંકીઓ છુપાયા હોવાના ઇન્ટેલિજન્ટ ઇનપુટ મળ્યા બાદ રવિવારે મોડી રાત્રે પ૦ રાષ્ટ્રીય રાઇફલ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)ના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સમગ્ર વિસ્તારને ખાલી કરાવીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

સુરક્ષા દળોએ સૌ પ્રથમ આતંકીઓને ઘેરી લીધા હતા. દરમિયાન આતંકીઓએ જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. સુરક્ષા દળોએ પણ જવાબી ફાયરિંગ શરૂ કરી દેતાં આતંકવાદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જવાનોએ તેમને એન્કાઉન્ટરમાં ગુંચવી નાખ્યા હતા. દરમિયાન સ્થાનિક આતંકી સમર્થક ટોળાંઓએ સુરક્ષા દળો પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. આથી સુરક્ષા દળોએ ટોળાંને વિખેરવા માટે બળ પ્રયોગ શરૂ કર્યો હતો. દરમિયાન આતંકીઓ વિરુદ્ધ અભિયાન જારી રાખ્યું હતું. પહેલાં લશ્કર-એ-તોઇબાનો ઐયુબ લલહારી ઠાર મરાયો હતો અને પાછળથી અબુ ઇસ્માઇલ ગ્રૂપનો આતંકી ઉમર પણ ઠાર મરાયો હતો. આમ સુરક્ષા દળોએ છેલ્લા ચાર દિવસમાં આઠ આતંકીઓનો ખાતમો બોલાવી દીધો છે. આ ઉપરાંત બીજ બિહાડા વિસ્તારમાં તોફાનીઓએ સુરક્ષા દળો પર સળગતા ફટાકડા ફેંક્યા હતા.
http://sambhaavnews.com/

You might also like