કાશ્મીરી પંડિતોની વાપસી માટે જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ઠરાવ પસાર

જમ્મુ: જમ્મુ-કાશ્મીર વિધાનસભાએ એક મહત્ત્વપૂર્ણ ઘટનાક્રમમાં કાશ્મીરી પંડિતોની કાશ્મીર ખીણમાં વાપસી માટે એક સાનુકૂળ માહોલ સર્જવા ગુરુવારે સર્વાનુમતે એક ઠરાવને બહાલી આપી દીધી છે. રાજ્ય સરકારે એ વાત પર ભાર મૂક્યો છે કે તે વિસ્થાપિત સમુદાય માટે અસ્થાયી શિબિર સ્થાપિત કરવાના પોતાના પ્રસ્તાવ પર આગળ વધશે, જેનો અલગતાવાદીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે.

સવારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં પૂર્વ મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે પક્ષીય રાજકારણ પર રહીને વિધાનસભાએ કાશ્મીરી પંડિતો અને અન્ય વિસ્થાપિતોની વાપસી માટે એક ઠરાવ પસાર કરવો જોઈએ. ગુરુવારના દિવસે જ ૧૯૯૦માં કાશ્મીરી પંડિતોની મોટા પાયે હિજરત શરૂ થઈ હતી.

નેશનલ કોન્ફરન્સના કાર્યકારી અધ્યક્ષે જણાવ્યું હતું કે ૨૭ વર્ષ પૂર્વે કાશ્મીરમાં દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિએ કાશ્મીરી પંડિતો, શીખ સમુદાયના સભ્યો અને કેટલાક મુસ્લિમોને હિજરત કરવા ફરજ પાડી હતી. ઓમર અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે ગુરુવારે ૨૭ વર્ષ પહેલાં જ્યારે કાશ્મીરી પંડિતો અને કેટલાક શીખ અને મુસ્લિમો કાશ્મીર ખીણ છોડીને ચાલ્યા ગયા હતા અને હવે આપણે રાજકારણથી પર રહીને તેમની વાપસી માટે સદનમાં એક પ્રસ્તાવ પાસ કરવો જોઈએ.
http://sambhaavnews.com/

You might also like