કાશ્મીર ખીણમાં ઓપરેશન ‘કામ ડાઉન’ શરૂઃ ૪,૦૦૦ સૈનિકોનેે ખીણમાં ઉતારાયા

શ્રીનગર: કાશ્મીર ખીણમાં ચાલી રહેલી હિંસા અને ઊથલપાથલ વચ્ચે ભારતીય લશ્કરે પોતાની એક સંપૂર્ણ બ્રિગેડ દક્ષિણ કાશ્મીરમાં મોકલી દીધી છે. ત્રાસવાદીઓનો સફાયો કરવા અને દેખાવકારો પર લગામ કસવા માટે ઓપરેશન ‘કામ ડાઉન’ હાથ ધરવા માટે ૪,૦૦૦થી વધુ સૈનિકો કાશ્મીર ખીણમાં ઉતારવામાં આવ્યા છે.

સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર કાશ્મીર ખીણમાં જંગલરાજ જેવી સ્થિતિ હોવાની ગુપ્તચર માહિતી મળ્યા બાદ સ્થિતિને સામાન્ય બનાવવા વધારાના ૪,૦૦૦ સૈનિકો ઉતારવામાં આવ્યા છે, જોકે તેમને સ્પષ્ટ નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ ઓછામાં ઓછો બળપ્રયોગ કરે.

જમ્મુ-કાશ્મીરમાં ૮ જુલાઇના રોજ હિઝબુલ કમાન્ડર બુરહાન વાનીના એન્કાઉન્ટરમાં થયેલા મોત બાદ ભડકી ઊઠેલી હિંસા અટકવાનું નામ લેતી નથી, એમાંય દ‌િક્ષણ કાશ્મીરના ચાર જિલ્લામાં સ્થિતિ સ્ફોટક બની ગઇ છે. અહીં સ્થિતિને કાબૂમાં લેવા આર્મીએ વધુ ૪,૦૦૦ જવાનોને તહેનાત કરી દીધા છે અને ઓપરેશન કામ ડાઉન શરૂ કરી દેવામાં આવ્યું છે. વણથંભી હિંસામાં અત્યાર સુધી ૮૦ કરતાં વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે ૧૦,૦૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

દક્ષિણ કાશ્મીરના ચાર જિલ્લા-પુલવામા, શોપિયા, અનંતનાગ અને કુલગામમાં ત્રાસવાદીઓને લોકો દ્વારા જબરદસ્ત સમર્થન આપવામાં આવી રહ્યું છે. આ લોકોએ નેશનલ હાઇવે સહિત મહત્ત્વના માર્ગો પર ચક્કાજામ કરી દીધો છે. રસ્તાઓ પર વૃક્ષો, મોટા પથ્થર અને વીજળીના થાંભલા મૂકીને રોડ બ્લોક કરી દીધા છે. લશ્કરને રોડ ક્લયર કરવાની સાથે-સાથે દેખાવકારોનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

૧૦૦થી વધુ ત્રાસવાદીઓનો આતંક
એજન્સીઓના જણાવ્યા પ્રમાણે દક્ષિણ કાશ્મીરના જંગલમાં ૧૦૦થી વધુુ ત્રાસવાદીઓ ઘૂસી ગયા છે અને અહીંના સ્થાનિક લોકો તેમને મદદ કરી રહ્યા છે. આર્મીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ હજુ સુધી કોઇ આતંકવાદી હાથ લાગ્યો નથી. એવું માનવામાં આવે છે કે હિંસાનો ફાયદો ઉઠાવીને આ આતંકીઓ ફરાર થઇ ગયા છે અને ક્યાંક છુપાઇ ગયા છે. મી‌ડિયાના અહેવાલો અનુસાર દ‌િક્ષણ કાશ્મીરમાં આતંકીઓના સમર્થકો સામાન્ય લોકોને ઘરની બહાર નીકળવા દેતા નથી. પુલવામાના કરીમાબાદ વિસ્તારને આર્મીઅે ક્લિયર કરી લીધો છે. હવે તેમની નજર શોપિયા અને કુલગામ પર છે.

શોપિયા, પુલવામા, ત્રાસ, પુલગામ, અનંતનાગ જેવા વિસ્તારોમાં ૧૦૦થી વધુ ત્રાસવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ચીનાર અને દેવદારનાં જંગલોમાં આતંકવાદીઓને નવા યુવાનોને ટ્રેનિંગ આપવા માટે અનુકૂળ માહોલ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. શોપિયા જિલ્લાના કમલા જંગલમાં નવા આતંકવાદીઓને તાલીમ આપવામાં આવી રહી છે.

You might also like