કાશ્મીરમાં સેનાને મોટી સફળતા, લશ્કરનો ટોચનો કમાન્ડર અબુ દુજાના માર્યો ગયો

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પુલવામાના કાકાપોરામાં સુરક્ષાદળોને લશ્કર-એ-તોઇબાના ટોચના કમાન્ડર આતંકી અબુ દુજાનાને ઠાર મારવામાં મોટી સફળતા મળી છે. અહેવાલો અનુસાર સુરક્ષા દળોને આ વિસ્તારમાં લશ્કરના કમાન્ડર અબુ દુજાના અને આરિફ નબી દાર સહિત ત્રણ આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી. અબુ દુજાનાના માથા માટે રૂ.૩પ લાખનું ઇનામ હતું. પુલવામાના હાકરીપોરામાં સુરક્ષા દળોએ આજે વહેલી સવારે ૪-૩૦ કલાકે એક ઘરમાં છુપાયેલા આતંકીઓને ઘેરી લીધા હતા. સુરક્ષા દળોએ આતંકીઓ વિરુદ્ધ સંયુકત ઓપરેશન શરૂ કરતાં અથડામણ શરૂ થઇ હતી અને ઘરની અંદર છુપાયેલા આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર સુરક્ષા દળોએ જે ઘરમાં આતંકીઓ છુપાયા હતા તેને વિસ્ફોટકોથી ફૂંકી મારતાં લશ્કરના કમાન્ડર અબુ દુજાના સહિત બે આતંકીઓ માર્યા ગયા હતા અને એ દ્વારા સુરક્ષા દળોને મોટી સફળતા મળી હતી. હજુ ત્રીજા આતંકીની તલાશ જારી છે. આ અગાઉ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે સામસામા ગોળીબાર જારી હતા, પરંતુ વિસ્ફોટકોથી ઘર ફૂંકી માર્યા બાદ આતંકીઓ દ્વારા ફાયરિંગ બંધ થઇ ગયું છે. જોકે સુરક્ષા દળોએ હાકરીપોરામાં સર્ચ ઓપરેશન જારી રાખ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે લશ્કરનાે કાશ્મીરી કમાન્ડર અબુ દુજાના સુરક્ષા દળોના હુમલામાં ઘાયલ થયાની જાણકારી મળી હતી. આજે વહેલી સવારે અબુ દુજાના સહિત ત્રણ આતંકીઓ એક ઘરમાં છુપાયા હોવાના ઇનપુટસ મળ્યા બાદ પોલીસ અને સુરક્ષા દળોએ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં અબુ દુજાના ઉપરાંત સ્થાનિક આતંકી આરિફ લલહારી પણ માર્યો ગયો હોવાના અહેવાલ છે.

સીઆરપીએફની ૧૮ર બટાલિયન, ૧૮૩ બટાલિયન, પપ રાષ્ટ્રીય રાઇફલ અને એસઓજીની એક ટીમે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ૧૯ જુલાઇએ પણ પુલવામાનાં બંદેરપુરા ગામમાં અબુ દુજાનાને પકડવા માટે લશ્કર અને એસઓજીના જવાનોએ જાળ બિછાવી હતી, પરંતુ અબુ દુજાના સુરક્ષા દળોને થાપ આપીને છટકી ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે લશ્કરે કાશ્મીરમાંથી આતંકીઓનો સફાયો કરવા ઓપરેશન ઓલઆઉટ અભિયાન શરૂ કર્યું છે અને તે હેઠળ આતંકીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે. જેના આધારે અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધરીને એક પછી એક આતંકીનો સફાયો કરવામાં આવી રહ્યો છે. આ ઓપરેશન હેઠળ અત્યાર સુધી ૧૦૦ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે.

http://sambhaavnews.com/

You might also like