કાશ્મીરમાં બે આતંકી હુમલા, પુલાવામાં 2 પોલીસકર્મી શહીદ, અનંતનાગમાં 10 જવાન ઇજાગ્રસ્ત

દક્ષિણ કાશ્મીરમાં આજે સવારે આતંકીએ બે અલગ-અલગ જગ્યા પર હુમલો કર્યો છે. જેમાં એક પુલવામા અને બીજો અનંતનાગમાં કરવામાં આવ્યો છે. આ ડબલ એટેકમાં પુલવામામાં બે પોલીસકર્મીઓ શહીદ થયા છે જ્યારે અનંતનાગમાં 10 સીઆરપીએફ જવાન ઇજાગ્રસ્ત થયા છે.

ઇજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા છે. એક મળતાં અહેવાલ મુજબ પુલવામામાં કોર્ટ પરિસરમાં બેનલા પોલીસ ગાર્ડ પોસ્ટ પર આજે સવારે આતંકીઓએ હુમલો કરી દીધો છે. આ હુમલામાં બે પોલીસકર્મી શહીદ થયા છે.

જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યાં છે. આતંકીઓ પોલીસકર્મીઓના હથિયાર લઇ ફરાર થઇ ગયા છે. હાલમાં સેના દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.

જ્યારે અનંતનાગમાં પણ આતંકીઓએ સીઆરપીએફની ટુકડી પર હુમલો કરી દીધો છે. આતંકીઓએ અનંતનાગના જંગલાત મંડીમાં પેટ્રોલિંગ કરી રહેલી સીઆરપીએફ કંપની પર ગ્રેનેડથી હુમલો કર્યો છે. આ હુમલામાં સીઆરપીએફના 10 જવાનને ઇજા પહોંચી છે.

ઇજાગ્રસ્ત જવાનોને હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યાં છે જેમાંથી એક જવાનની તબિયત નાજૂક બતાવવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કેન્દ્ર સરકારે રમજાન માસને લઇને જાહેરાત કરી છે કે આતંકીઓ વિરુધ્ધ ઓપરેશન ચલાવવામાં આવશે નહીં. ભારત સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે આતંકીઓ તરફથી હુમલો કરવાના સમયે સુરક્ષાદળ જવાબી કાર્યવાહી કરી શકે છે.

You might also like