જમ્મુ-કાશ્મીર: બાલટાલ માર્ગ પર ભૂસ્ખલન, 3 અમરનાથ યાત્રીઓના મોત

કાશ્મીર ઘાટીમાં ભારે વરસાદના પગલે અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. તો બીજી તરફ બાલટાલ ટ્રેક પર બરારી ટોપની નજીક ભૂસ્ખલનમાં મંગળવારે ત્રણ યાત્રીઓના મોત નિપજ્યાં છે. જ્યારે ચાર અન્ય ઘાયલ થયા છે. મંગળવારે સવારથી પડી રહેલા વરસાદના કારણે ટ્રેકને ભારે નુકસાન પહોંચ્યું હતું.

રાહતકાર્ય જોરશોરથી ચલાવામાં આવી રહ્યું છે. સતત પડી રહેલા ભારે વરસાદના કારણે બાબા બર્ફાનીના દર્શન કરી પરત ફરી રહેલા યાત્રીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક મળતા અહેવાલ મુજબ બાલટાલ માર્ગ પર રેલપતરી તેમજ બરારીમાર્ગ વચ્ચે મંગળવારે સાંજે ભૂસ્ખલન થયું હતું.

જેમાં ત્રણ લોકોનાં મોત થયા હતા. જેની ઓળખ કરવામાં આવી છે જેમાં જ્યોતિ વિનોદ શર્મા જેઓ દિલ્હીના રહેવાસી ચે જ્યારે બીજા અશોક મહતો તેઓ પટના-બિહારના રહેવાસી છે. ત્રીજા મૃતકની હાલ ઓળખ થઇ નથી. જ્યારે ચાર લોકો ઘાયલ થયા છે તેમાં મનસુખ લાલ જેઓ જામનગર-ગુજરાતના રહેવાસી છે.

ઉલ્લેખનીય છે કે આ ગ્રુપ બાલટાલ માર્ગ પરથી અમરનાથ દર્શન કરવા જઇ રહ્યું હતું. તે દરમિયાન ભૂસ્ખલન થયું હતું. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. 28 જૂનથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે.

જેમાં એક દિવસ અમરનાથ યાત્રા સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે 60 દિવસની આ યાત્રા માટે અત્યાર સુધીમાં બે લાખથી વધારે શ્રધ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ અમરનાથ યાત્રા 26 ઓગસ્ટે પુરી થશે.

You might also like