કાશ્મીરમાં બરફવર્ષાના પગલે અમદાવાદમાં શિયાળુ માહોલ

અમદાવાદ: અમદાવાદીઓ માટે આજની સવાર શિયાળા જેવી આહ્લાદક બની હતી. ચૈત્ર મહિનામાં નાગરિકોએ કાશ્મીરમાં બરફવર્ષા થવાથી વાતાવરણમાં ઠંડક અનુભવી હતી, જોકે સ્થાનિક હવામાન વિભાગે એક-બે દિવસમાં માહોલ રાબેતા મુજબ બનવાની આગાહી કરી છે.

અત્યાર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તેમજ અરબી સમુદ્રમાંથી પૂર્વ દિશા ધરાવતા ભેજવાળા પવનથી અમદાવાદમાં વાતાવરણમાં ઠંડક વરતાતી હતી. બદલાયેલા માહોલથી બુધવારની સાંજે પાલનપુરમાં અને ગઇ કાલે બનાસકાંઠામાં માવઠું પડ્યું હતું, જ્યારે આજે કાશ્મીરમાં બરફ પડતાં અચાનક જ વાતાવરણ શિયાળા જેવું ઠંડુંગાર બન્યું હતું.

આજ સવારથી શહેરમાં ઠંડા પવન ફુંકાયા હતા. વાદળોથી સૂરજ ઢંકાઇ જતાં છેક ૧૧ વાગ્યા સુધી ગરમીનું નામોનિશાન જોવા મળ્યું ન હતું, જોકે બપોરે પણ હવામાનમાં ગરમીની તીવ્રતા સરેરાશ કરતાં ઓછી રહેશે. આની સાથે-સાથે હવામાન વિભાગે કાશ્મીરના બદલાયેલા વાતાવરણની અસર અમદાવાદમાં પડવાની શક્યતાને ફગાવી દીધી છે. સ્થાનિક હવામાન વિભાગનાં સૂત્રો કહે છે કે અમદાવાદમાં વરસાદ લાવે તેવી કોઇ સિસ્ટમ ઉદ્ભવી નથી. ગુજરાતમાં પણ વરસાદ પડે તેવી શક્યતા નથી. એક-બે દિવસમાં ફરીથી વાદળો વિખરાઇ જતાં હવામાન સામાન્ય થઇ જશે.
http://sambhaavnews.com/

You might also like