કાશ્મીરની નવી પેઢીનું ભવિષ્ય કોણ બરબાદ કરે છે?

ઈલેક્ટ્રોનિક્સ મીડિયા કે પ્રિન્ટ મીડિયાના અહેવાલો જમ્મુ-કાશ્મીરની વાસ્તવિક સ્થિતિને સંપૂર્ણપણે કે સમગ્રતામાં દર્શાવતા નથી. ત્યાં કામ કરતા મીડિયાકર્મીઓ દેશ-દુનિયાથી કશુંક છુપાવી રહ્યા છે અથવા તેમને એ માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. તેમના અહેવાલોમાં અર્ધસત્ય જ ઉજાગર થાય છે. જે ઢંકાયેલું રહે છે એ વધુ ખતરનાક હોય છે. જો એવું ન હોત તો કાશ્મીરના ખીણપ્રદેશમાં છેલ્લા બે-ત્રણ મહિનામાં, એટલે કે ત્રાસવાદી બુરહાન વાની પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો એ પછીના સમયગાળામાં ત્યાંની ત્રીસથી વધુ શાળઓને આગ ચાંપીને બાળી નાખવામાં આવી તેની વિગતો છેક ત્રણ મહિના પછી આપણી સમક્ષ આવી ન હોત. આ બધી શાળાઓને યોજનાપૂર્વક, ત્રાસવાદી ષડ્યંત્રના એક ભાગરૂપે બાળી નાખવામાં આવી છે. એ બધી કાંઈ એક દિવસમાં જલાવી દેવાઈ નથી. તેમ એ શાળાઓમાં આકસ્મિક રીતે આગ લાગી ન હતી. તેને હેતુપૂર્વક બાળી નાખવામાં આવી છે.

ત્રાસવાદી બુરહાન વાની માર્યો ગયો એ પછી કાશ્મીરમાં ફાટી નીકળેલી હિંસાના, પોલીસ પર પથ્થરમારો કરતાં યુવાનો-બાળકો અને પોલીસની પેલેટ-ગનથી ઈજા પામેલા યુવાનોની તસવીરો જ આપણને દર્શાવવામાં આવી. આજ સુધી એક પણ શાળાની આગમાં જલતી તસવીર દર્શાવાઈ નહીં. કાશ્મીરીઓ પર પોલીસના અત્યાચારોની ઇમેજ ઊભી કરવામાં આવી. બાળકો અને યુવાનોના હાથમાં પથ્થરો પકડાવી દેતા પડદા પાછળના અદૃશ્ય હાથની વિગતો પણ બહુ મોડી ઉજાગર થઈ. હવે એવું માનવાને મન થાય છે કે એ બધી ઘટનાઓ સંપૂર્ણપણે કાશ્મીરીઓના સ્વાભાવિક રોષની અભિવ્યક્તિ ન હતી, બલકે પ્રાયોજિત ઘટનાઓ હતી.

ચોક્કસ ઉદ્દેશથી પ્રેરિત હતી. શાળા-કૉલેજોમાં અભ્યાસ કરવાની ઉંમરનાં બાળકો-યુવાનો દિવસો અને સપ્તાહો સુધી અવિરત રીતે કોઈ પણ કારણ વિના નિર્દોષ પોલીસ જવાનો પર પથ્થરમારો કર્યાં કરે એ ત્યારે પણ વિચિત્ર લાગતું હતું. આજે હવે શાળાઓને બાળી મૂકવાની ઘટનાઓ પછી નિશ્ચિતપણે એવું માની શકાય કે કાશ્મીરનાં બાળકો-યુવાનો અભ્યાસથી વંચિત રહે એવું ઇચ્છનારાઓનો જ તેમાં હાથ છે. પથ્થરમારા માટે નાનાં બાળકોનો ઉપયોગ કરવામાં અને શાળાઓનાં મકાનો જલાવી દેવામાં એક જ પ્રકારના અલગાવવાદી અને ત્રાસવાદી માનસિકતા ધરાવનારાઓનો હાથ છે. કાશ્મીરનાં બાળકો અને યુવાપેઢીના ભવિષ્યની તેમને કોઈ પરવા નથી. બલકે તેમને શિક્ષણથી વંચિત રાખીને તેમના જીવનને બરબાદ કરવામાં તેઓ રસ ધરાવે છે. એવા યુવાનોને જ સહેલાઈથી ગેરમાર્ગે દોરી શકાય. પોલીસ અત્યાચાર કે કાશ્મીરની આઝાદી એ તો માત્ર બહાનાં છે.

કાશ્મીરમાં જે બની રહ્યું છે તેની સાથે તેને કોઈ નિસબત નથી. કાશ્મીરના લોકો પર ખરા અર્થમાં પોલીસ કે અર્ધલશ્કરી દળના જવાનો કરતાં વધુ અત્યાચાર તેમના પોતાના કહેવાતા લોકોએ કર્યા છે. શાળાઓને બાળવાનો આસાન નુસખો અલગાવવાદીઓ અને આતંકીઓ સર્વત્ર અજમાવતા રહ્યા છે. પાકિસ્તાનના સ્વાત ખીણપ્રદેશમાં તાલિબાનોએ ર૦૦૭થી ર૦૦૯ની સાલ સુધીમાં બસોથી વધુ શાળાઓને આગ ચાંપી હતી. અફઘાનિસ્તાનમાં પણ તાલિબાનોએ આવું જ કર્યું હતું. બોકો હરામની બર્બરતાને કારણે નાઈજિરિયામાં દસ લાખ બાળકો શાળાએ જઈ શક્યાં ન હતાં. બોકો હરામ એટલે પશ્ચિમનું શિક્ષણ હરામ છે. આ ઉપદેશ અન્યો માટે છે. કાશ્મીરના બધા અલગાવવાદી નેતાઓનાં બાળકો વિદેશમાં પશ્ચિમનું શિક્ષણ લઈ ચૂક્યાં છે અથવા લઈ રહ્યાં છે. પાકિસ્તાન પ્રેરિત ત્રાસવાદી સંગઠનો અને હુર્રિયતના નેતાઓ કાશ્મીરીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

કાશ્મીર ખીણની શાળાઓમાં અપાતા શિક્ષણનો અભ્યાસક્રમ કાશ્મીરી નેતાઓએ જ નક્કી કરેલો છે, પરંતુ પાકિસ્તાનના ઈશારે કામ કરતા આતંકીઓને એ મંજૂર નથી. કાશ્મિરિયત અને ઈન્સાનિયત તો એક બહાનું છે. વાસ્તવમાં તેઓ જ કાશ્મિરિયતના હત્યારા છે. બાળકોને શાળાએ જતાં રોકી શકાય તો જ અલગાવવાદીઓ તેમનો મનવાંછિત ઉપયોગ કરી શકે. શાળાઓને બાળી નાખવાની ઘટનાઓએ અલગાવવાદીઓની અસલિયતને ઉઘાડી પાડી છે. કાશ્મીરના નેતાઓ અને સંતાનોના વાલીઓએ આવી વિકૃત માનસિકતા સામે જાગ્રત અને સક્રિય થવું પડશે. કાશ્મીરનાં બાળકો તો શાળાના મકાનના અભાવે ખુલ્લા આકાશ નીચે પણ ભણવા તૈયાર થયાં છે. સરકારે પરીક્ષા લેવાનો નિર્ધાર જાહેર કર્યો છે. કાશ્મીરની નવી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય વિશે નવેસરથી વિચારવાનો તકાજો સમજવો પડશે.

You might also like