જમ્મુ યુનિ.માં રાષ્ટ્રગીતના અપમાન પર તંગદિલીઃ ABVPના ઉગ્ર દેખાવો

જમ્મુ: જમ્મુ અને કાશ્મીરમાં રાષ્ટ્રગીતને લઈને એક વિવાદ છેડાયો છે. જમ્મુ યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)એ કાશ્મીર ખીણના કેટલાક વિદ્યાર્થીઓ પર રાષ્ટ્રગીતનું અપમાન કરવાનો આરોપ મૂક્યો છે. એબીવીપીના વિદ્યાર્થીઓએ આ મુદ્દે રાજ્યની પ્રથમ ઈન્ટર યુનિવર્સિટી સ્પોર્ટ્સ ચેમ્પિયન‌િશપની કેટલીક મેચમાં ખલેલ પહોંચાડ્યો હતો, જોકે યુનિવર્સિટી પ્રશાસન સાથે કાશ્મીરના વિદ્યાર્થીઓ આ આક્ષેપને રદિયો આપી રહ્યા છે.

એબીવીપીના વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલ એક તસવીરને લઈને ભડકી ઊઠ્યા છે. આ તસવીર ૩ એપ્રિલના રોજ ચેમ્પિયન‌િશપના ઉદ્ઘાટન પ્રસંગે લેવામાં આવી હતી. આ અંગે એવો આક્ષેપ થઈ રહ્યો છે કે આ તસવીરમાં કેટલાક વિદ્યાર્થીઓ રાષ્ટ્રગીત દરમિયાન અંદરોઅંદર વાતચીત કરી રહ્યા હતા અને આ રીતે કાશ્મીર ખીણના વિદ્યાર્થીઓએ જ્યારે રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું ત્યારે વાતચીત કરીને તેનું અપમાન કર્યું હતું.

આ ઘટનાના વિરોધમાં એબીવીપીના વિદ્યાર્થીઓ જમ્મુ યુનિવર્સિટી અને ઈસ્લામિક યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી વચ્ચે ચાલી રહેલ ફૂટબોલની ફાઈનલ મેચ દરમિયાન ઘૂસી ગયા હતા. આંદોલનકારી વિદ્યાર્થીઓએ જોરદાર સૂત્રોચ્ચાર કર્યો હતો. ત્યારબાદ વોલીબોલ અને બાસ્કેટબોલ મેચ દરમિયાન આવો જ હંગામો જોવા મળ્યો હતો. એબીવીપીના સ્થાનિક નેતાઓનું કહેવું છે કે જ્યાં સુધી કાશ્મીરી વિદ્યાર્થીઓ માફી નહીં માગે ત્યાં સુધી ટૂર્નામેન્ટની કોઈ પણ મેચ ચાલવા દેવામાં આવશે નહીં.

જમ્મુ યુનિવર્સિટીના ઉપકુલપતિ પ્રો. આર. ડી. શર્માના જણાવ્યા અનુસાર એબીવીપીના આક્ષેપોની તપાસ કરવામાં આવશે, પરંતુ ટૂર્નામેન્ટમાં ખલેલ સાંખી લેવામાં આવશે નહીં. યુનિવર્સિટીના સ્પોર્ટ્સ અને ફિઝિકલ એજ્યુકેશનના ડાયરેક્ટર પ્રોફેસર અવતારસિંહ જશરોટિયાએ એબીવીપીના વિદ્યાર્થીઓને રાષ્ટ્રગીત પર રાજકારણ નહીં રમવા સલાહ આપી છે.
http://sambhaavnews.com/

You might also like