જમ્મુ-કાશ્મીરમાં 72 કલાક માટે આતંકી હુમલાનું રેડ એલર્ટ જારી

(એજન્સી)નવી દિલ્હી: સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં રેડ એલર્ટ જારી કરાઈ છે. આ એલર્ટમાં કહેવાયું છે કે રાજ્યમાં કોઈ પણ મહત્ત્વપૂર્ણ સ્થાન પર આઈઈડીથી ભરેલી સ્કોર્પિયોસવાર સ્યૂસાઈડર આતંકી હુમલો કરી શકે છે. ગુપ્તચર એજન્સીઓની આ એલર્ટ બાદ સુરક્ષા વધારી દેવાઈ છે. સૂત્રોનું કહેવું છે કે કાશ્મીર ઘાટીનાં સીમાવર્તી ક્ષેત્રોના બે ગાઈડને ફિદાઈન હુમલો કરવામાં સહાયતા માટે તહેનાત કરાયા છે.

આગામી ૪૮ થી ૭૨ કલાકની અંદર આતંકી હુમલો થવાની શક્યતા છે. સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ, એસઓજી અને સીઆરપીએફને ગુપ્ત રિપોર્ટને જોતાં વધુ એલર્ટ રહેવાનું કહેવાયું છે. આ એલર્ટ બાદ તમામ ક્વિક એક્શન ટીમને સેન્સિટિવ જગ્યાઓ પર તહેનાત કરાઈ છે અને નેશનલ હાઈવે નક્કસ તેમજ બાઈલાસ નાકાંને પણ એલર્ટ પર રખાયાં છે.

આ પહેલાં ગુપ્તચર એજન્સીઓએ એક એલર્ટ જારી કરી હતી. આ એલર્ટ મુજબ ૫ થી ૯ એપ્રિલની વચ્ચે કાશ્મીર ઘાટીમાં જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ હુમલો કરવાની ‌િફરાકમાં હતા તે પહેલાં ગુરુવારે પણ લોકસભા ચૂંટણી દરમિયાન દેશભરમાં આતંકી હુમલાની સાજિશનો ખુલાસો થયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ લોકસભા ચૂંટણીઓ દરમિયાન આતંકીઓએ હુમલા માટે ત્રણ ટીમ બનાવી છે, તેમાં અફઘાનિસ્તાનના બોમ્બ એક્સ્પર્ટ સામેલ છે.

પુલવામા આતંકી હુમલા પહેલાં પણ ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જારી કર્યું હતું. આ એલર્ટમાં કહેવાયું હતું કે આતંકીઓ ફિદાઈન હુમલાને અંજામ આપી શકે છે. આ એલર્ટ છતાં પણ આતંકીઓએ મોટા હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાન શહીદ થયા હતા.

You might also like