કાશ્મીરમાં મોદી સરકારે હવે બેધારી નીતિ અપનાવવી પડશે

કાશ્મીરમાં ૭પ દિવસ કરતાં વધુ સમયથી વણથંભ્યો હિંસાચાર અટકવાનું નામ લેતો નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને કાશ્મીર મામલે અસંમજસમાં છે. કાશ્મીરમાં હિંસા પર કઇ રીતે લગામ મૂકવી તે અંગે સતત મનોમંથન અને વિવિધ પ્રકારની કવાયતો ચાલુ છે. મોદી સરકારે કાશ્મીરની સ્થિતિ સુધારવા માટે હવે બેધારી રણનીતિનો અમલ કરવા આગળ ધપી રહી છે.

એક બાજુ મોદી સરકાર ત્રાસવાદને મામલે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચો પર બેનકાબ કરી રહી છે અને બીજી બાજુ કાશ્મીર ખીણમાં યુવાનોને હિંસા માટે ભડકાવી રહેલા અલગતાવાદીઓ સામે કડકમાં કડક પગલાં લેવા કમર કસી રહી છે. આ માટે સુરક્ષા દળોને અલગતાવાદીઓ પર સખત કાર્યવાહી હાથ ધરીને મોટા પાયેે ત્રાટકવા સૂચનાઓ જારી કરી દેવામાં આવી છે.

કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે સુરક્ષાદળોને નિર્દેશ આપ્યો છે કે જે લોકો ખાસ કરીને અલગતાવાદીઓ યુવાનોને ભડકાવી રહ્યા છે તેમના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સહિત અન્ય ટોચના સુરક્ષા અધિકારીઓ સાથે યોજાયેલી એક બેઠકમાં તેમણે આ નિર્દેશ આપ્યો હતો. ગૃહ પ્રધાન સુરક્ષા દળોને કાશ્મીર ખીણમાં હિંસા માટે યુવાનોને ભડકાવનારાં તત્ત્વો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવા અને તેમની વિરુદ્ધ કાનૂની કેસ દાખલ કરવા આદેશ આપી દીધા છે. ૭પ દિવસ કરતાં વધુ દિવસથી કાશ્મીરી યુવાનો અને આતંકવાદીઓ ખીણના સામાન્ય જનજીવનને ખોરવી રહ્યા છે.

રાજનાથસિંહે જણાવ્યું છે કે સ્કૂલ, શૈક્ષણિક સંસ્થાઓની કામગીરી શરૂ થઇ જવી જોઇએ. કારણ કે લાંબા સમયથી ચાલી રહેલા હિંસાચારને કારણે વિદ્યાર્થીઓને જ સૌથી વધુ નુકસાન થઇ રહ્યું છે. દુકાનો તેમજ અન્ય વાણિજ્ય સંસ્થાનો ફરીથી ધમધમતાં થાય તે માટે કાર્યવાહી કરવા રાજનાથે આદેશ આપી દીધા છે.

આમ હવે ભારતે કોઇ પણ દબાણ કે શેહશરમમાં આવ્યા વગર કાશ્મીર મોરચે નિર્ણાયક પગલાં લેવાં પડશે. સાથે સાથે ભારતે પાકિસ્તાનને પણ તેની જ ભાષામાં જડબાંતોડ જવાબ આપવો પડશે. જો અલગતાવાદીઓને કચડી નાખવામાં આવશે તો કાશ્મીરમાં આપોઆપ શાંતિ સ્થપાશે તેવું રાજકીય સમીક્ષકોનું માનવું છે.

હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાનીનાં એન્કાઉન્ટર બાદ કાશ્મીરમાં ભડકી ઊઠેલી હિંસામાં અત્યાર સુધીમાં ૭૦ કરતાં વધુ લોકો હોમાઇ ગયા છે. સ્થિતિને સામાન્ય બનાવવા માટે કેન્દ્ર સરકાર તરફથી અનેક કવાયતો હાથ ધરાઇ ચૂકી છે એટલું જ નહીં કેન્દ્રએ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળને પણ કાશ્મીર મોકલ્યું હતું, પરંતુ અલગતાવાદીઓના ઇશારે કાશ્મીરમાં શાંતિ સ્થપાતી નથી.

હવે કેન્દ્ર સરકાર અલતાવાદીઓને આપવામાં આવતી સવલતો બંધ કરી દેવાની દિશામાં આગળ ધપી રહી છે. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરે પણ સાચું જ કહ્યું છે કે અલગતાવાદીઓને મળતી સવલતો ઘણા લાંબા સમય પહેલાં બંધ કરી દેવી જોઇતી હતી.
એક વાત સર્વ વિદિત છે કે, કાશ્મીરમાં અલગતાવાદીઓ અને તોફાનીઓને પાકિસ્તાન હવા ભરી રહ્યું છે અને તમામ પ્રકારની મદદ પાકિસ્તાન કરી રહ્યું છે. જો કાશ્મીરમાં શાંતિ સ્થાપવી હોય તો મોદી સરકારે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે બેનકાબ કરવું પડશે અને લશ્કરને પણ છુટ્ટો દોર આપવો પડશે. મોદી સરકારે કાશ્મીર મુદ્દે હવે બેધારી ‌નીતિ અપનાવ્યા વગર છુટકો નથી.
એક બાજુ ત્રાસવાદ મામલે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉઘાડું પાડવું પડશે અને બીજી બાજુ કાશ્મીર ખીણમાં અલગતાવાદીઓને કચડી નાખવા કડક કાર્યવાહી કરવી પડશે. મોદી સરકાર પણ હવે જાગી ગઇ છે અને અલગતાવાદીઓ સામે ત્રાટકવા લશ્કરને આદેશ જારી કરી
દીધા છે.

You might also like