જમ્મુ-કાશ્મીરઃ પુલવામામાં તોઇબાના ચાર આતંકી ઠારઃ સર્ચ ઓપરેશન હજુ ચાલુ

(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી છે. આજે પુલવામા જિલ્લાના લસ્સીપોરામાં સુરક્ષાદળોએ અથડામણમાં લશ્કર-એ-તોઈબાના ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. અથડામણના સ્થળેથી બે રાઈફલ, એક એસએલઆર અને બે પિસ્તોલ જપ્ત કરાઈ છે. સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં ૨૯ માર્ચે સુરક્ષાદળોએ અથડામણમાં બે આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. રક્ષા મંત્રાલયના પ્રવકતા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું હતું કે શ્રીનગર શહેરના બહારના ક્ષેત્ર નૌગામમાં એક અથડામણમાં આતંકવાદી માર્યા ગયા હતા. આ પહેલાં ૨૮ માર્ચે શોપિયા અને કુપવાડા જિલ્લામાં સુરક્ષાદળોએ અથડામણમાં ચાર આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ઓલઆઉટ લાંબા સમયથી ચાલી રહ્યું છે. પુલવામા આતંકી હુમલા બાદ સુરક્ષાદળોએ કાર્યવાહી તેજ કરી દીધી છે. લોકસભાની ચૂંટણીઓને જોતાં પણ ઘાટીમાં સુરક્ષાના ઘણા બંદોબસ્ત કરાયા છે.

પુલવામામાં આતંકી હુમલા બાદ ચાલી રહેલા અભિયાન હેઠળ અનંતનાગ જિલ્લામાં સૈના અને પોલીસની ટીમની સંયુક્ત કાર્યવાહીમાં હિઝબુલ મુજાહિદ્દીનના એક આતંકવાદીની ધરપકડ કરી હતી. સુરક્ષાદળોએ આતંકવાદીઓને અનંતનાગના આતંક પ્રભાવિત વિસ્તાર બીજબેહડામાંથી પકડ્યા હતા. ધરપકડ કરાયેલા આતંકીઓ પાસેથી પોલીસે મોટી માત્રામાં હથિયાર અને અન્ય સામગ્રી જપ્ત કરી હતી.

ઉલ્લેખનીય છે કે બનીહાલમાં સીઆરપીએફના કાફલા પાસે થયેલા કાર બ્લાસ્ટમાં સામેલ આતંકીઓની ઓળખ થઈ ગઈ છે. તપાસમાં જમ્મુ-કાશ્મીર પોલીસને એક સ્યુસાઈટ નોટ મળી છે જેમાં તે વ્યક્તિએ પોતાનું નામ ઓવેશ અમીન જણાવ્યું છે. જોકે બ્લાસ્ટના થોડા સમય પહેલા તેણે ખુદને ઉડાવવાનો પ્લાન છોડી દીધો હતો અને તે ગાડીને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયો હતો. ૩૧ માર્ચના રોજ જમ્મુ-કાશ્મીર નેશનલ હાઈવે પાસે એક કારમાં શંકાસ્પદ બ્લાસ્ટ થયો હતો. તે સમયે ત્યાંથી સીઆરપીએફનો કાફલો પસાર થઈ રહ્યો હતો. આ બ્લાસ્ટે પુલવામાં આતંકી હુમલાની યાદને તાજા કરી જેમાં ૪૦ જવાન શહીદ થયા હતા.

જમ્મુ-કાશ્મીર પોલીસના જણાવ્યા મુજબ સ્યુસાઈટ નોટ બે પેજની છે તેમાં લખ્યું છે કે ભારતે કાશ્મીર પર અત્યાચાર કર્યા છે જેનો તે બદલો લેવા ઈચ્છે છે. આ માટે તેણે ખુદને બારુદ સાથે ઉડાડવાનો પ્લાન બનાવ્યો હતો. પત્રમાં પથ્થરબાજો વિરુદ્ધ ઉપયોગમાં લેવાતી પેલેટગનનો પણ ઉલ્લેખ હતો.

You might also like