જમાલપુરમાં પોલીસ ચોકી સામે જ લુખ્ખાં તત્વોએ આતંક મચાવ્યો

અમદાવાદ: શહેરમાં સામાન્ય બાબતે બોલાચાલીમાં તલવારો, લાકડીઓ અને પાઇપો વડે હુમલો કરવાના બનાવો સતત વધી રહ્યા છે. અસામાજિક તત્ત્વો ખુલ્લેઆમ હથિયારો સાથે ઘરમાં ઘૂસી તોડફોડ મચાવે છે. છતાં પોલીસ આવાં તત્ત્વોને છાવરતી હોય છે. જમાલપુર વિસ્તારમાં પાંચ પીપળી પોલીસ ચોકી સામે ગઇ કાલે રાત્રે ૧પ થી ર૦ લોકોના ટોળાંએ ઘરમાં ઘૂસી બે મહિલા અને પુરુષ પર તલવાર વડે હુમલો કર્યો હતો. ઘરમાં કેરોસીન છાંટી તોડફોડ મચાવી હતી. ગાયકવાડ હવેેેલી પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી મુજબ જમાલપુર કાચની મસ્જિદ પાછળ આવેલા રઝિયા ફલેટમાં ગઝાલાબાનું અઝહરભાઇ શેખ પરિવાર સાથે રહે છે. ગઝાલાબાનુંના પતિએ જમલાપુરમાં જ રહેતા ખેરુન્નિશા ગનીભાઇ શેખ પાસેથી રૂ.પ૦૦૦ ઉછીના લીધા હતા. આ બાબતે ગઇ કાલે રાત્રે ૧૦-૧પની આસપાસ ખેરુન્નિશા, ફૈઝલ, ફયાન, ફૈજાન અને અન્ય દસેક માણસોનું ટોળું ગઝાલાબાનુંના ઘર નજીક પાંચ પીપળી પોલીસ ચોકી સામે ધસી આવી અમીનાબાનું અને અન્ય એક વ્યક્તિને તલવાર વડે હુમલો કર્યો હતો.

તમામ વ્યક્તિઓએ ભેગી મળી ઘરમાં કેરોસીન છાંટ્યું હતું. ઘરમાં તલવાર વડે બારણાં અને બારીમાં ઘા મારી કપડું સળગાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઘટનાની જાણ પોલીસને કરાતાં ગાયકવાડ હવેલી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. પોલીસે આ અંગે ગુનો નોંધ આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરી છે.

બીજી તરફ આંબાવાડી હીરાબાગ ક્રોસિંગ પાસે રહેતા દિલીપભાઇ નાગવડિયા અને પ્રકાશભાઇ નાગવડિયાને તેમની પાડોશમાં રહેતા મોરલ પરમાર, વિનોદ પરમાર, મનસુખ આંબલિયા અને ચિરાગ આંબલિયાએ ભેગા મળી અગાઉના ઝઘડાની અદાવત રાખી ઢોર માર માર્યો હતો. લાકડી વડે માર મારતા પ્રકાશભાઇને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. એલિસબ્રિજ પોલીસે ઘટનાના ર૪ કલાક બાદ ફરિયાદીની ફરિયાદ લઇ તપાસ હાથ ધરી છે.
http://sambhaavnews.com/

You might also like