માતાની હત્યાનો બદલો લેવા માટે હનીફ દાઢીની હત્યા કરાઇ હોવાની આશંકા

અમદાવાદ: જમાલપુર મ્યુનિ. ક્વાર્ટર્સ સામે શનિવારે મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ પોઇન્ટ રેન્જ બ્લેન્કથી ફાયરિંગ કરીને બિલ્ડર મહંમદ હનીફ નિઝામુદ્દીન શેખ ઉર્ફે હનીફ દાઢીની કરપીણ હત્યા કરી દેવાના ચકચારી કિસ્સામાં પોલીસ કેટલીક શંકાસ્પદ વ્યકિતઓની પૂછપરછ કરી રહી છે. સૂત્રોનાં જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ દિવસથી ક્રાઇમ બ્રાંચ સલમાનખાન અમનખાન પઠાણ નામના યુવાનની સતત પૂછપરછ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે સલમાનખાન પઠાણનાં માતા મુમતાઝ બાનુની વર્ષ 2010માં કાચની મસ્જિદ પાસે કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી.

આ હત્યામાં પોલીસે હનીફ દાઢી તથા તેમનાં સંતાનોની ધરપકડ કરી હતી. જોકે સેશન્સ કોર્ટે મુમતાઝ બાનુની હત્યા કેસમાં હનીફ દાઢી સહિત તમામ લોકોને નિર્દોષ છોડી મુક્યા હતા. ક્રાઇમ બ્રાંચને શંકા છે માતાની હત્યાનો બદલો લેવા માટે સલમાને હનીફ દાઢીની હત્યા કરાવી હોઇ શકે છે. જેના આધારે તેની સતત પૂછપરછ ચાલી રહી છે.

શનિવારની રાત્રે બિલ્ડર હનીફ દાઢી તેમના મિત્રો સાથે મ્યુનિસિપલ ક્વાર્ટર્સ સામે બેઠા હતા, ત્યારે બે અજાણ્યા શખ્સો હનીફ દાઢી પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. તાત્કાલિક સારવાર માટે વીએસ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સોમવારે સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું .

આ કેસમાં ક્રાઇમ બ્રાંચ અનેક શંકમદોની પૂછપરછ કરી રહી છે પરંતુ છેલ્લા ત્રણ દિવસથી જમાલપુર વિસ્તારમાં હનીફ દાઢીના ઘરની સામે રહેતા સલમાનખાન પઠાણની સતત પૂછપરછ ચાલી રહી છે. વર્ષ 2010માં અંગત અદાવતમાં હનીફ દાઢી તથા તેમનાં સંતાનોએ જમાલપુર કાચની મસ્જિદ પાસે મુમતાઝ બાનુ નામની મહિલાની હત્યા કરી હતી ત્યારે મુમતાઝના સૌથી નાના પુત્ર રોમાનને તલવારોના ઘા ઝીંકીને ગંભીર ઇજા પહોંચાડી હતી. આ કેસમાં ગાયકવાડ હવેલી પોલીસ હનીફ દાઢી અને તેમનાં સંતાનોની ધરપકડ કરી હતી. બે વર્ષ જેલમાં રહ્યા પછી અમદાવાદની સેશન્સ કોર્ટમાં તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા હતા. ક્રાઇમ બ્રાંચ પાસે મહિતી મળી હતી મુમતાઝ બાનુનો પુત્ર સલમાનખાન છેલ્લા ઘણા સમયથી હનીફ દાઢી પર બદલો લેવાની ફિરાકમાં હતો. જેથી તેમની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હોઇ શકે છે.

You might also like