જમૈકા જીતી ૬૩ વર્ષ જૂનો ઇતિહાસ કોહલી નવેસરથી લખશે

વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધ પહેલી ટેસ્ટમાં એક ઇનિંગ્સ અને ૯૨ રનથી જીત હાંસલ કર્યા બાદ ટીમ ઇન્ડિયા હવે આવતી કાલથી શરૂ થઈ રહેલી બીજી ટેસ્ટ માટે પણ તૈયાર છે. જીતની ફોર્મ્યુલા વિરાટ પાસે છે અને હવે આ ફોર્મ્યુલાની સાથે વિરાટ કોહલી વિન્ડીઝમાં ૬૩ વર્ષ જૂનો રેકોર્ડ તોડવા ઇચ્છશે. જમૈકા જીતી લેતા જ વિરાટ કોહલી જીતનો નવો ઇતિહાસ રચી દેશે. આ જીતની સાથે વિરાટ એ કરી દેખાડશે, જે ના તો ધોનીથી થઈ શક્યું છે કે ના તો ગાંગુલીથી. જમૈકામાં ટીમ ઇન્ડિયા પાસે ૨-૦ની સરસાઈ મેળવવાની તક છે, આ ઉપરાંત એક રેકોર્ડ પણ ટીમ ઇન્ડિયાના ખાતામાં નોંધાઈ જશે.

ટીમ ઇન્ડિયાનો આ ૧૧મો વિન્ડીઝ પ્રવાસ છે. આ ૧૧માંથી ત્રણ ટેસ્ટ શ્રેણી ટીમ ઇન્ડિયાએ જીતી છે, પરંતુ ૬૨ વર્ષથી એક રેકોર્ડ આજ સુધી તૂટ્યો નથી. ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડીઝમાં આજ સુધી કોઈ શ્રેણીમાં બે ટેસ્ટ જીતી નથી. એ તો ઠીક, એશિયા બહાર ક્યાંય પણ ટીમ ઇન્ડિયાએ પાછલાં ૧૧ વર્ષથી કોઈ ટેસ્ટ શ્રેણીમાં બે મેચ જીતી નથી. આ વખતે વિરાટ અને ટીમ ઇન્ડિયા પાસે બીજી જીત હાંસલ કરવા માટે સોનેરી તક છે. વિરાટ ખુદ કહી ચૂક્યો છે કે તે ફક્ત એન્ટિગા ટેસ્ટમાં મળેલી જીતથી ખુશ નથી, તેને તો દરેક મેચમાં જીત હાંસલ કરવી છે.

દરેક મેચ જીતવા મેદાનમાં ઊતરવું એ જ વિરાટની કેપ્ટનશિપની ઓળખ છે. વિરાટની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાએ શ્રીલંકામાં ત્રણ મેચની શ્રેણી ૨-૧ખી જીતી હતી, જ્યારે દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચમાં ટીમ ઇન્ડિયાએ સફળતા હાંસલ કરી હતી. એક મેચ વરસાદને કારણે ડ્રો રહી હતી. વિરાટનો આક્રમક અંદાજ દરેક મેચમાં પરિણામ લાવે છે અને કેરેબિયન ધરતી પર પણ તેનો ઇરાદો દરેક મેચમાં જીત હાંસલ કરવાનો જ છે. આ વિરાટ ઇરાદાઓની સાથે ૬૩ વર્ષનો ઇંતેજાર પણ ખતમ થશે.

You might also like