જ‌લ્લીકટ્ટુ વિવાદઃ પોલીસે લાઠીચાર્જ કરી દેખાવકારોને મરિના બીચ પરથી ખદેડ્યા

ચેન્નઇ: તામિલનાડુમાં પરંપરાગત ખેલ જ‌લ્લીકટ્ટુ પરથી હંમેશ માટે પ્રતિબંધ હટાવી દેવાની માગણી કરી રહેલા સમર્થકોએ આત્મહત્યા કરવાની ધમકી આપી છે અને તેઓ મરિના બીચ પરથી હટવાનું નામ લેતા ન હતા. પોલીસે આજે સવારે પહેલાં દેખાવકારોને સમજાવવાની કોશિશ કરી હતી, પરંતુ દેખાવકારોએ હટવાનો ઇનકાર કરતાં પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ લાઠીચાર્જમાં અનેક દેખાવકારો ઘાયલ થયા હતા. પોલીસે લાઠીચાર્જ કરીને દેખાવકારોને મરિના બીચ પરથી ખદેડી મૂકયા હતા. એટલું જ નહીં ચેન્નઇ ઉપરાંત મદુરાઇ, કોઇમ્બતુર અને ત્રિચીમાંથી પણ દેખાવકારોને બળજબરીપૂર્વક હટાવાઇ રહ્યા છે. પોલીસના દમનકારી વલણથી નારાજ થયેેલા લોકોએ જણાવ્યું હતું કે જો પોલીસ અમારા પર બળજબરી કરીને અમને હટાવવાની કોશિશ કરશે તો અમે આત્મહત્યા કરીશું.

કેટલાક લોકોને હટાવવા માટે પોલીસને બળનો પ્રયોગ કરવો પડયો હતો. પોલીસકર્મીઓ જ્યારે જ‌લ્લીકટ્ટુના સમર્થનમાં છેલ્લા એક અઠવાડિયાથી દેખાવો કરી રહેલા લોકોને હટાવી રહી હતી ત્યારે તેઓ રાષ્ટ્રગીત ‘જન ગણ મન…’ ગાવા લાગ્યા હતા. પોલીસે આ દરમિયાન મરિના બીચ તરફ જતા તમામ રસ્તાઓ સીલ કરી દીધા હતા અને લોકોને આ વિસ્તારની આસપાસ એકત્ર થવા દીધા ન હતા. પોલીસે મરીના બીચ પરના કેટલાક દેખાવકારોને હટાવી પણ લીધા છે અને પોલીસનાં આ વલણથી લોકોમાં ભારે નારાજગી છે. તેમનું કહેવું છે કે તેઓ આ દેશના જ નાગરિકો છે અને પોલીસ તેમની સાથે ખોટો વ્યવહાર કરી રહી છે.

જ‌લ્લીકટ્ટુના સમર્થકોનું કહેવું છે કે સરકારે આ મામલાનો કાયમી ઉકેલ લાવવો જોઇએ. તેમનું કહેવું છે કે વટહુકમ તો છ મહિના બાદ રદબાતલ થઇ જશે અને તેથી સરકારે જ‌લ્લીકટ્ટુ અંગે કાયમી કાયદો લાવવો જોઇએ. જ્યારે પોલીસે દેખાવકારોને જણાવ્યું હતું કે વટહુકમ છ મહિના બાદ રદબાતલ થવાની વાત ખોટી છે. હકીકત એ છે કે આ વટહુકમ બાદ હવે વિધાનસભામાં વિધેયક રજૂ કરાશે અને તમારું ધ્યેય સિદ્ધ થશે તેથી વિરોધ દેખાવો બંધ કરીને મરિના બીચ ખાલી કરવા પોલીસે દેખાવકારોને અપીલ કરી હતી.

દરમિયાન તામિલનાડુના પુડુકોટ્ટઇ જિલ્લાના રપુસલ ગામમાં એક ઇવેન્ટ દરમિયાન બેનાં મોત થયાં હતાં અને ૧ર૯ લોકો જખમી થયા હતા. આ ગામમાં રાજ્યના આરોગ્ય અને કલ્યાણ પ્રધાન સી.વિજ્યા ભાસ્કરે જ‌લ્લીકટ્ટુનો ખેલ શરૂ કરાવ્યો હતો અને તે જોવા પ,૦૦૦થી વધુ લોકો ભેગા થયા હતા. મુખ્યપ્રધાન ઓ.પનીરસેલવમે જણાવ્યું છે કે રાજ્યપાલ વિદ્યાસાગર રાવે વટહુકમને મંજૂરી આપી દીધી છે અને હવે કાયદો બનાવવા માટે આગામી સત્રમાં વિધેયક રજૂ કરાશે.

http://sambhaavnews.com/

You might also like