જલધારા વોટર પાર્કના કોન્ટ્રાક્ટર પર સત્તાવાળાઓની અમી દૃષ્ટિ

અમદાવાદ: મ્યનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ કાંકરિયા લેકફ્રન્ટમાં આવેલા જલધારા વોટર પાર્ક પર અગમ્ય કારણસર મહેરબાન છે. જલધારા વોટર પાર્કનો પંદર વર્ષનો કોન્ટ્રાક્ટ આગામી તા.૧૭ ઓગસ્ટ ર૦૧૭એ પૂર્ણ થઇ રહ્યો હોઇ નિયમાનુસાર તેને મ્યુનિસિપલ તંત્ર હસ્ત પરત કરવાનો થાય છે તેમ છતાં સત્તાધીશોની અમી દૃષ્ટિથી જલધારા વોટર પાર્કના સંચાલકોને હવાલે જ સમગ્ર પ્રોજેકટ સોંપી દેવાયો છે. જેના કારણે મ્યુનિસિપલ તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન થઇ રહ્યું છે.

આમ તો જલધારા વોટર પાર્ક તંત્રનો પીપીપી અભિગમ હેઠળનો પ્રથમ પ્રોજેકટ ગણાય છે. છેક ઓગસ્ટ ર૦૦રમાં આનો પંદર વર્ષનો કોન્ટ્રાક્ટ અપાયો હતો ત્યાર બાદથી જલધારા વોટર પાર્ક એક અથવા બીજા વિવાદમાં સપડાય છે. આ વોટર પાર્કના સંચાલકોની તરફેણમાં કોન્ટ્રાક્ટની મૂળ શરત બદલાઇ રહી હોવાનું પણ છડેચોક ચર્ચાઇ રહ્યું છે.

ભાજપ પક્ષના એક પૂર્વ કોર્પોરેટર અને એએમટીએસ કમિટીના વર્તમાન સભ્ય આ વોટર પાર્કના સર્વેસર્વા હોઇ શાસકો વિશેષ કૃપા દૃષ્ટિ દાખવી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચામાં છે. અગાઉ તરવા આવેલાં બાળકના ડૂબી જવાથી અને શોર્ટ સરકિટથી મોતના બનાવ બન્યા હોઇ સંચાલકો વિરુદ્ધ જે તે સમયે ભારે જનઆક્રોશ ભભૂકી ઉઠ્યો હતો પરંતુ છેવટે સમગ્ર મામલો રફેદફે થઇ ગયો હતો.

મ્યુનિસિપલ સત્તાવાળાઓની રહેમ નજરથી ખાસ ઠરાવ કરીને સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી કરવાની વિશેષ સગવડ સંચાલકોને અપાઇ છે. વોટર પાર્કના ગેરકાયદે બાંધકામનો મામલો પણ વચ્ચે વિવાદસ્પદ બન્યો હતો. ધાબા પર મેરેજ ડોમ નિર્માણનો મુદ્દો વિવાદોમાં આવ્યો હતો.

આ વોટર પાર્કના સંચાલન માટે નવેસરથી ટેન્ડર બહાર કાઢીને તંત્ર મ્યુનિસિપલ તિજોરીને કરોડો રૂપિયાનો આર્થિક લાભ કરાવી શકે છે તેના બદલે વધુ વીસ વર્ષ માટે સમગ્ર પ્રોજેકટ હાલના સંચાલકોને સોંપી દેવાની દરખાસ્ત તૈયાર કરાઇ છે. જલધારા વોટર પાર્કમાં નવી રાઇડ ઊભી કરવાની મંજૂરી આપવાનો ઉલ્લેખ પણ દરખાસ્તમાં કરાયો છે.

જો જલધારા વોટર પાર્ક માટે નવા ટેન્ડર મંગાવાયાં હોત તો તે તંત્રને આશરે રૂ.સો કરોડનો આર્થિક લાભ થાત તેમ જણાવતાં મ્યુનિસિપલ સૂત્રો વધુમાં કહે છે આને બદલે દરખાસ્તમાં પહેલાં પાંચ વર્ષ સુધી દર વર્ષે મૂળ રકમ કરતાં માત્ર ૧૮.૩૦ કરોડની રકમ તંત્રને સંચાલકો વધારે ચૂકવવાના હોઇ શુક્રવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટી જલધારા વોટર પાર્કનો મુદ્દો ગાજશે.

You might also like