જલારામ જયંતીઃ ‘જય જલિયાણ’નાં જયઘોષ સાથે વીરપુરમાં ઉમટ્યાં હજારો શ્રદ્ધાળુઓ

પૃથ્વી ઉપર કેટલાંક દિવ્ય આત્મા જ્યારે જન્મ લે છે ત્યારે તેમના અપાર પુણ્યનાં કારણે તથા તેમનાં દિવ્યાત્માનાં કારણે આજુબાજુનું તમામ વાતાવરણ પવિત્ર તથા દિવ્ય બની જાય છે. આવા જ એક દિવ્યાત્મા રઘુવંશમાં થઇ ગયા. જેને આપણે સંત શ્રી જલારામ બાપાનાં નામથી ઓળખીએ છીએ. તેઓનું નામ સાંભળતાં જ આપણને રાજકોટ પાસે આવેલું વીરપુર યાદ આવે. સંત શિરોમણી એવાં જલારામ બાપાની આજે 219મી જન્મજયંતી છે.

વીરપુરમાં જલારામ બાપાનું ભવ્ય મંદિર છે. ત્યાં ર૪ કલાક અવિરત ભોજનાલય ચાલે છે. યાત્રાળુ જ્યારે પણ આવે ત્યારે તેને ત્યાંનાં સેવકો આગ્રહપૂર્વક જમવા લઇ જાય છે. આ મંદિરમાં મોટાં મોટાં બોર્ડ મારેલાં છે કે અહીં કોઇ પણ જાતનું અનાજ કે દાન સ્વીકારવામાં આવતાં નથી. દાતા લોકો તરફથી આજે પણ ત્યાં અનાજ, તેલ, ઘી તથા રોકડ દાનમાં આવ્યાં જ કરે છે.

“જ્યાં રોટીનો ટુકડો ત્યાં હરી ઢુકડો” જેવા માનવતાનાં મહામુલા મંત્ર સ્નેહ, સેવા અને સમર્પણ એવા અબાલ વૃદ્ધોનાં હૈયાનાં સિહાસને બિરાજમાન એવાં શિરોમણી સંત શ્રી જલારામ બાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત ૧૮૫૬ની કારતક સુદ સાતમે લોહાણા સમાજનાં ઠક્કર કુળમાં થયો હતો.

અભ‌િજત નક્ષત્ર ચાલતું હતું ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ જૂનાગઢ વચ્ચેના ગામ વીરપુર ગામમાં પ્રધાન ઠક્કર નામનાં ગૃહસ્થને ત્યાં રાજબાઇ નામનાં દિવ્ય ગૃહિણીની કૂખે જલાનો જન્મ થયો. જલાએ સામાન્ય શિક્ષણ મેળવ્યાં પછી પુત્ર સોળ વર્ષનો થતાં પિતાએ તેનાં વિવાહ કરવા નક્કી કર્યું.

જલાનો જીવ વૈરાગી સંત જેવો હતો. તે વિવાહ કરવા ઇચ્છતા ન હતાં. તેથી જલાનાં કાકા વાલજીભાઇ ઠક્કરે જલાને કહ્યું કે, “બેટા, સંસારમાં રહીને પણ માનવ સેવા કે પ્રભુ સેવા કરી શકાય છે. ગૃહસ્થાશ્રમ તો આપણો મનખો ઉજાળવાની ઉત્તમ તક છે. સોળ વર્ષની ઉંમરના જલાનાં વિવાહ આટકોટ ગામના પ્રાગજી સોમૈયાની પુત્રી વીરબાઇ સાથે નાતના રિવાજ મુજબ રંગેચંગે કરવામાં આવ્યાં.

આ કન્યાનું નામ પિયરમાં વીરલ હતું. જે પાછળથી વીરબાઇ તરીકે પ્રખ્યાત થયું. પિતાએ પુત્રને કરિયાણાની દુકાન બનાવી વેપાર વણજનું કામ કરવાનું સોંપ્યું. જલો તો અલગારી જીવ. તેમનું ચિત્ત દુકાનના કામકાજ કે નાણાંના વ્યવહારમાં ચોંટે જ નહીં. જો તેમની દુકાને કોઇ સાધુ કે યાત્રાળુ આવે તો તેને દુકાનમાંથી જે કંઇ જોઇતું કારવતું હોય તે જલારામ આપી દેતા. તેના બદલામાં નાણાં લેતાં નહીં. તેની આવી નાદાની જોઇ પિતાએ તેમને તથા વીરબાઇને ઘરમાંથી દૂર કર્યાં.

કાકા વાલજીએ તે બંનેને આવકાર્યાં. પોતે ચલાવતા હતા તે દુકાનનો વહીવટ જલાને સોંપી દીધો. ત્યાં જલારામનો જીવ વધુ સેવાભાવી બન્યો. દુકાનનો માલ તેમણે લોકોમાં, ગરીબોમાં, ખૂબ પ્રેમથી વહેંચવા માંડ્યો. જલાની આવી સાધુતા જોઇ કાકા વાલજીભાઇએ જલાને થોડાં નાણાં આપી યાત્રાએ મોકલી દીધો. જલા તો અયોધ્યા, કાશી, બદરીનાથ વગેરેની યાત્રા કરી વીરપુર પરત આવ્યાં.

અમરેલી પાસેનાં ફતેપુરા ગામે તેમણે ભોજલરામ (ભોજા ભગતને) ગુરુ બનાવ્યાં. ગુરુએ તેમને આશીર્વાદ આપી અન્નક્ષેત્ર ચાલુ કરવા જણાવ્યું. જલારામે તેમનાં આશીર્વાદથી શરૂ કરેલી અન્નક્ષેત્ર આજે ખૂબ વિરાટ સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે. જે વીરપુર જાય છે તેને તેનો અનુભવ છે. જીવનમાં આવા મહાન સંત જલારામનાં મુખ્ય મંદિર વીરપુરની મુલાકાત અવશ્ય લઇ જીવનને ધન્ય બનાવજો.

સંત જલારામનાં જીવનમાં અનેક ચમત્કાર બનેલા છે. તેમનું જીવન ખૂબ જ ચમત્કારિક હતું. તેમનાં પત્ની વીરબાઇ પણ ખૂબ દિવ્ય જીવન જીવતાં સતી હતાં. ભગવાને આવા મહાન ભક્તની પરીક્ષા કરવા વીરબાઇની માગણી સાધુવેશે કરતાં સંત જલારામે વીરબાઇ સાધુને આપી દીધાનો ખૂબ ચમત્કારિક કિસ્સો છે. આવા મહાન વીરબાઇને સાધુ સ્વરૂપી ભગવાને ઝોળી તથા ધોકો આપ્યાં, જે આજે પણ જલારામ મંદિરમાં આ કિસ્સાની સાક્ષી પૂરે છે.

You might also like