તોઇબા-જૈશના ત્રાસવાદીઓને ISI ટ્રેનિંગ આપે છેઃ મુશર્રફ

કરાંચી : પાકિસ્તાનના પૂર્વ લશ્કરી વડા પરવેઝ મુશર્રફે કહ્યું છે કે લશ્કર-એ-તોઇબા અને જૈશ એ મોહંમદના ત્રાસવાદીઓને આઇએસઆઇ તાલીમ આપે છે. તેમણે કહ્યું છે કે, ભારતમાં ત્યાં સુધી હુમલાઓ નહીં અટકે જયાં સુધી સરકાર કાશ્મીરના મુખ્ય મુદ્દા પર ધ્યાન નહીં દે. ભારતીય ટીવી ન્યૂઝ ચેનલને આપેલી એક મુલાકાતમાં મુશર્રફે કહ્યું હતું કે, આઇએસઆઇ તોઇબા અને જૈશને તમામ પ્રકારની ટ્રેનિંગ અને સહાય આપે છે. મુશર્રફે ત્રાસવાદી હાફિઝ સઇદને પાકિસ્તાનનો હિરો ગણાવ્યો હતો.

મુશર્રફે કહ્યું હતું કે, પાકિસ્તાની સેના અસૈન્ય લોકોને પ્રશિક્ષણ નથી આપતી. જયારે તેમને પુછાયું કે, શું તેઓ ભારત-પાક. શાંતિ પ્રક્રિયામાં કોઇ સફળતા જુએ છે તો તેમણે કહ્યું હતું કે, જયાં સુધી મુખ્ય મુદ્દા પર ધ્યાન નહી દેવાય ત્યાં સુધી દુર્ભાગ્યપુર્ણ ત્રાસવાદી પ્રવૃતિઓ આતંકવાદ ચાલુ રહેશે. તેમણે કહ્યું હતું કે, કાશ્મીરમાં જે લોકો લડી રહ્યા છે તેઓ સ્વતંત્ર સેનાની છે. મુશર્રફે કહ્યું હતું કે, ભારત અમારા ઉપર પ્રભુત્વ જમાવવા ઇચ્છે છે. ભારતે ફકત પોતાને સ્પર્શતા મુદ્દા પર વાત કરવા મન બનાવ્યુ છે.

જેમ કે આતંકવાદ, મુંબઇ અને પઠાણકોટ. મુખ્ય મુદ્દા ઉપર તે આવતું નથી. ભારત માત્ર ત્રાસવાદ પર વાતચીત કરવા માંગે છે. ભારતે જ દર વખતે શાંતિ પ્રક્રિયામાં બાધા ઊભી કરી છે.મુશર્રફે કહ્યું હતું કે, ડેવિડ હેડલી કહે છે તેને હું ગણકારતો નથી. પાકિસ્તાનના ગુપ્તચર તંત્રએ હેડલીની પૂછપરછ કરવી જોઇએ. તેમણે કહ્યું હતું કે, પાકિસ્તાનમાં આતંકી પ્રવૃતિમાં તોઇબા સામેલ નથી પરંતુ પાકિસ્તાનમાં હુમલાની પાછળ ભારતીય ગુપ્તચર એજન્સીઓનો હાથ છે.

મુશર્રફે કહ્યું હતું કે, મારી પાસે ભારતીય ગુપ્તચર એજન્સી રોના એજન્ટ અંગે પુરાવાઓ પણ છે.૭ર વર્ષીય પુર્વ રાષ્ટ્રપતિએ ભારતમાં ત્રાસવાદી પ્રવૃતિનો એક રીતે બચાવ કરતા કહ્યું હતું કે, પાકિસ્તાનમાં કાશ્મીર સતત ભાવના જગાડતુ રહ્યું છે. તેમણે હાફીઝ સઇદને હીરો કહ્યો હતો. હાફીઝ ત્રાસવાદી પ્રવૃતિમાં સામેલ નથી.

You might also like