સંગીતકાર વિશાલ ડડલાણી સામે જૈનો ખફાઃ અાજે પોલીસ ફરિયાદ કરાશે

અમદાવાદ: જૈનમુની તરુણસાગરજીના હરિયાણા વિધાનસભામાં કરવામાં આવેલા પ્રવચન ઉપર સંગીતકાર અને આમ અાદમી પાર્ટીના વિશાલ ડડલાનીએ કરેલી અભદ્ર ટિપ્પણી અને દિગમ્બર સમાજ પર મજાક ઉડાવતી ટ્વિટના કારણે અમદાવાદ સહિત રાજ્ય અને દેશભરમાં જોરદાર વિરોધ નોંધાયો છે. ડડલાનીની ટ્વિટ પર લોકો જોરદાર પ્રતિક્રિયા સાથે તૂટી પડ્યા હતા.

અમદાવાદના જૈન સમાજમાંથી આવતા મેયર ગૌતમ શાહ, શહેરના જૈન અગ્રણી અને શહેરના ધારાસભ્ય રાકેશ શાહ, સ્થાનકવાસી જૈન સંઘના અગ્રણી સૌભાગ્યમલ કટારા, સાથસાથ સંસ્થાના અગ્રણી અર્ચિત શાહ, અજય દોશી, ભદ્રેશ શાહ, જીતોના સેક્રેટરી ચેતન શાહ, નવકાર સારવાર કેન્દ્રના અગ્રણી સંજય કોઠારી અને જૈન સમાજના તમામ ફિરકાના અગ્રણીઓ અને જૈનો અાજે વિશાલ ડડલાની સામે પોલીસ ફરિયાદ પોલીસ ફરિયાદ નોંધાવશે.

ધારાસભ્ય રાકેશ શાહે જણાવ્યું હતું કે માફી માગવી એ સમગ્ર ઘટનાનો અંત નથી. કોંગ્રેસ અને આપની આવી માનસિકતા સામે સમગ્ર જૈન સમાજ પૂર્ણ લડત આપશે. આજે અમે પોલીસ ફરિયાદ નોંધાવીશું, પરંતુ આજે હવે પછીના કાર્યક્રમો નક્કી કરવામાં આવશે. કલેક્ટરને આવેદન આપવા ઉપરાંત સમગ્ર જૈન સમાજ એક વિરોધ રેલીનું આયોજન કરશે.

વધુમાં તેમણે કહ્યું હતું કે વિશાલ ડડલાનીએ ભલે ૩૩ વખત માફી માગી પણ ગમે તેવું બોલીને લાગણી દુભાવીને અપમાન કરીને માફી માગવી એ અંત નથી. આપના નેતા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ ડડલાનીની કોમેન્ટ સાથે અસંમત થઇને આ બાબતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીને વિશાલે આવું ન કરવું જોઇએ તેવું જાહેર કર્યું હતું. ડડલાનીએ પોતે કરેલી ટ્વિટના કારણે ચારેકોરથી લોકોની ઝાટકણી થતાં આ ટ્વિટને ડિલિટ કરી દીધી હતી અને જૈન સમુદાયની અનેક વખત માફી માગી હતી, વિશાલ ડડલાનીની ટ્વિટનો પ્રતિભાવ આપતાં તરુણસાગરજી મહારાજે કહ્યું હતું કે ડડલાનીએ શું કહ્યું તેની મને ખબર નથી. તેણે જે કહ્યું હોય તે, હું તેનાથી નારાજ નથી. તેમનો મત અલગ હોઇ શકે છે.

મારા વિશે લોકો શું બોલે છે તેની મને પડી નથી. દરેકના મત એક ના હોઇ શકે. હાથી રસ્તા પર ચાલે ત્યારે કૂતરાં ભસતાં જ હોય છે. બંધારણે દરેકને વાણી સ્વાતંત્ર્યનો હક્ક આપ્યો છે.  શુક્રવારે હરિયાણા વિધાનસભામાં દિગંબર જૈન મુનિ તરુણસાગરજીએ આપેલાં પ્રવચન સંદર્ભે સંગીતકાર વિશાલ ડડલાનીએ ટ્વિટ કરી હતી અને ટ્વિટની સાથે ફોટો મૂક્યો હતો. તેમાં મહારાજ સાહેબ વિધાનસભામાં પ્રવચન કરતા હતા તેવો ફોટો હતો. વિવાદાસ્પદ ટ્વિટમાં ડડલાણીએ લખ્યું હતું કે તમે જો આ લોકોને મત આપ્યો હોય તો તમે પોતે આ એબ્સર્ડ નોનસેન્સ માટે જવાબદાર છો. ‘નો#અચ્છે દિન, જસ્ટ#નો કચ્છે દિન.’

You might also like