જૈન સમાજની વસતી ખરેખર ઘટી રહી છે?

સુખી અને સમૃદ્ધ સમાજ તરીકે ઓળખાતા જૈન સમાજમાં એક નવી ચર્ચા છેડાઈ છે. પારસી સમાજમાં વસતી જે રીતે ઘટી રહી છે અને તેના અસ્તિત્વને ટકાવી રાખવાનો મોટો પડકાર ઊભો થયો છે ત્યારે હવે જૈન સમાજમાં જ આ મુદ્દે પણ ચિંતાની સાથે ચર્ચા છેડાઈ છે. ક્રાંતિકારી વિચાર ધરાવતા જૈન મુનિ વિમલસાગર સુરીજી મહારાજે પહેલી વાર જાહેરમાં જૈન સમાજની ઘટતી જતી વસતી અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો. હવે ધીરેધીરે તેમની વાત સાથે સંમત થનારો વર્ગ મોટો થઈ રહ્યો છે. સમાજને ગમે કે ના ગમે પણ પહેલી વાર વડોદરામાં વિમલસાગર સુરીજી મહારાજે સમાજની કડવી વાસ્તવિકતાને સામે લાવવાનો પ્રયાસ કર્યો છે.

એક સાધુ જ્યારે પોતાના સમાજની વસતીને લઈને ચિંતા વ્યક્ત કરી વધુ સંતાનો પેદા કરવાની સલાહ આપે ત્યારે સ્વાભાવિક છે કે તેના પ્રત્યાઘાતો સમાજમાં પડે. વિમલસાગર સુરીજી મહારાજે સમાજ સામે વાસ્તવિકતાનો અરીસો ધરી દેતા તેમના સમર્થનમાં કેટલાક આગેવાનો ખૂલીને બહાર આવ્યા છે. એટલું જ નહીં એ વાત સાથે સંમત થયા છે કે જૈન સમાજની વસતી ઘટી રહી છે તે સ્થિતિ ખરેખર સમાજ માટે ચિંતાજનક છે તો કેટલાક સાધુ-સંતો જાહેરમાં હજુ આ વાતને સ્વીકારતા નથી. બીજી બાજુ સરકારની વસતીગણતરી મુજબ જૈનોની વસતીના આંકડા બહાર આવ્યા છે તે જોઈએ તો પારસીઓની જેમ જૈન સમાજ માટે ખૂબ ચોંકાવનારા છે.

સૌથી પહેલાં આ ચર્ચા જેમણે છેડી છે તે વિમલસાગર સુરીજી મહારાજનું શું માનવું છે તે જોઈએ તો જે રીતે ભારતમાં જૈનોની વસતી ઘટી રહી છે તે જોતાં આવતાં ૧૮૦ વર્ષ પછી તો જૈનોનું અસ્તિત્વ જ ભૂંસાઈ જશે. પારસીઓનો દાખલો ટાંકી તેઓ કહે છે દેશમાં હાલ માત્ર ૬૦ હજાર જ પારસીઓ બચ્યા છે. આગામી વર્ષોમાં પારસીઓનું અસ્તિત્વ જ  નહીં રહે. આવી જ રીતે જૈન સમાજની વસતીની વર્તમાન સ્થિતિ જોઈએ તો ૩પ વર્ષ પહેલાં ૧ કરોડ જૈનો હતા તે મુજબ હાલ આ આંકડો વધવો જોઈએ તેના બદલે આશ્ચર્યજનક રીતે ઘટીને માત્ર ૬૦ લાખ આસપાસનો થઈ ગયો છે. તીર્થસ્થાનો-દેરાસરો વધી રહ્યાં છે તેની સામે જૈન સમાજની વસતી ઘટી રહી છે તે ચિંતાનો વિષય છે. કોઈ પણ ધર્મ ત્યારે જ ટકે કે જ્યારે તેને અનુસરવાવાળા વર્ગની વસતી હોય. એક સાધુ હોવા છતાં સૌથી મહત્ત્વની વાત એ કહી છે કે જૈન સમાજમાં ‘હમ દો હમારેં દો’ ની નીતિ અપનાવાઈ રહી છે તે હવે છોડવી પડશે.

રાજકોટના જાણીતા ઍડવોકેટ અને જૈન સમાજની જાણીતી શેઠ આણંદજી કલ્યાણજી પેઢીના પ્રતિનિધિ પંકજભાઈ કોઠારી વિમલસાગર સુરીજી મહારાજની વાત સાથે સંપૂર્ણ રીતે સંમત થતા કહે છે કે જૈન સમાજની વસતી ઘટી રહી છે તે ખરેખર ચિંતાનો વિષય છે અને વિમલસાગર સુરીજી મહારાજે યોગ્ય સમયે આ મુદ્દો ઉઠાવ્યો છે. જૈન સમાજમાં ‘હમ દો હમારે દો’ ની નીતિ નહીં પણ હવે તો ‘હમ દો હમારા એક’ ની નીતિ અપનાવાઈ રહી છે તે સમયની સાથે બદલાવી જોઈએ તો જ સમાજનું અસ્તિત્વ ભવિષ્યમાં ટકી રહેશે. અગાઉના સમયમાં માબાપને ચારપાંચ સંતાનો હતાં એટલે સમાજની વ્યવસ્થા જ એવી હતી કે દરેક પરિવારમાંથી એકબે વ્યક્તિ દીક્ષા લઈને તેને ધર્મ અને સમાજનાં કાર્યો માટે સમર્પિત કરવામાં આવતા હતા. હવે તો એક જ સંતાન હોય એટલે સ્વાભાવિક છે આ વ્યવસ્થા જળવાય નહીં તેની સીધી અસર દીક્ષા કેટલા લોકો લે છે તેના પર પડે છે.

રાજકોટની અનેક જૈન સંસ્થાઓ સાથે જોડાયેલા પંકજભાઈ કોઠારી કહે છે કે, “વિમલસાગર સુરી મહારાજે સમાજને ઢંઢોળવાનું કામ કર્યું છે. હવે સમાજે આ વાસ્તવિકતા જાણીને જાગૃતિ લાવવાનું કામ કરવાનું છે. રહી વાત જૈન સમાજની વસતીના આંકડાની તો સરકારે વસતીગણતરી કરાવી તેમાં સાચા આંકડા આવ્યા નથી. વર્ષ ર૦૧૧ના અહેવાલના આંકડા જોઈએ તો ભારતમાં માત્ર ૪૪.પ૧ લાખ જૈનોની વસતી બતાવી છે પણ તેના કરતાં વધારે હશે. સરકારી માણસો જ્યારે ઘરેઘરે વસતીગણતરી માટે જાય છે ત્યારે ફોર્મમાં જાતિના કૉલમમાં  જૈનને બદલે મોટા ભાગના હિન્દુ લખી નાખે છે પરિણામે આંકડા ખોટા આવે છે. જ્યારે આવાં કોઈ ફોર્મ ભરવાનાં હોય ત્યારે જાતિ કે ધર્મની કૉલમમાં જૈન શબ્દ લખવામાં આવે તે માટે સમાજમાં જાગૃતિ લાવવા અમે પ્રયાસો કરીએ છીએ.”

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ અને પ્રાચીન માંડવી ચોક દેરાસરના પ્રમુખ જિતુભાઈ દેસાઈ પણ પંકજભાઈની વાત સાથે સંમત થતા કહે છે કે, “જૈનોની વસતી ઘટતી જાય છે એ હકીકત છે અને સમાજ માટે હવે એ બાબતની ચિંતા કરવાનો સમય આવી ગયો છે. થોડા સમય પહેલાં જ રાજકોટના એક દેરાસરમાં કાર્યક્રમ હતો ત્યારે આ મુદ્દે ચર્ચા છેડાઈ હતી એ વખતે મેં કહ્યું હતું કે હવે સમાજે તેના અસ્તિત્વને ટકાવવા માટે આ બાબતમાં ચિંતા કરવી પડશે. જો સમાજ સમયસર જાગ્રત નહીં થાય તો દાયકાઓ કે સૈકાઓ બાદ પારસી સમાજ જેવી સ્થિતિ ઊભી થશે.

જોકે રાજકોટના પ્રહ્લાદ પ્લોટ દેરાસરે બિરાજેલા યશોવિજયસુરીશ્વરજી મહારાજને આ બાબતે પૂછતાં તેમનો પ્રતિભાવ હતો કે મને નથી લાગતું કે જૈન સમાજની વસતી ઘટી રહી છે, કારણ કે વ્યાખ્યાનો કે અન્ય કાર્યક્રમોમાં સંખ્યા સતત વધતી જોવા મળે છે. બીજું, જૈન સમાજનો પ્રભાવ પણ વધી રહ્યો છે. જોકે કોઈનો વ્યક્તિગત મત આ બાબતમાં અલગ હોઈશકે છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જૈન એકેડેમીના ડાયરેક્ટર બળવંતભાઈ જાની એવું કહે છે કે જૈનોની વસતી અન્ય કેટલાક સમાજો કરતાં નીચા દરે વધી રહી છે તે વાત સાથે હું સંમત છું પણ જૈન સમાજની વસતીના જે આંકડા બહાર આવ્યા છે તેની સાથે સંમત નથી. મારી દૃષ્ટિએ વસતીગણતરીની માહિતીઓ એકત્ર કરવામાં આવે છે એ વખતે ફોર્મ ભરવામાં મિસ્ટેક થતી હોય છે. કોઈ ધર્મ લખતા હોય છે તો કોઈ જાતિ જૈન લખતા હોય છે એટલે કોઈ ચોક્કસ સમાજના આંકડા બહાર આવતા નથી.

સમાજમાં જૈન સમાજનો પ્રભાવ યથાવત્

ભારતમાં બિહાર,રાજસ્થાન, મહારાષ્ટ્રમાં જૈન સમાજનો સૌથી વધુ પ્રભાવ જોવા મળે છે. ગુજરાતમાં છઠ્ઠી સદીમાં ચૌલુક્ય અને ચાવડા રાજવીઓના સમયમાં જૈન મંદિરો-તીર્થો શોધાયાંનું અનુમાન છે. ધીરેધીરે તીર્થ સ્થાનો-દેરાસરો બંધાતાં ગયાં. ગુજરાતમાં ૧૩મી સદીમાં ઉત્તર ગુજરાત જૈન સમાજના મુખ્ય સેન્ટર તરીકે ઉભરી આવ્યું હતું. હાલ ગુજરાતમાં પાલીતાણા, ગિરનાર, મહુડી, કચ્છમાં માંડવી જેવાં જૈન સમાજનાં મુખ્ય સ્થળો તરીકે ખ્યાત છે. સામાજિક સેવા ને શૈક્ષણિક ક્ષેત્રની સંસ્થાઓના વિકાસ માટે જૈન સમાજના દાતાઓનું મોટું યોગદાન રહ્યું છે. એક અંદાજ મુજબ ભારતમાં જૈન સમાજ સંચાલિત ૧૪પ હોસ્પિટલ, ૧ર૦૦ જેટલી શાળા-કૉલેજો, ૧૪૦૦ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ, ૩૬૦૦ જેટલી સ્વૈચ્છિક સંસ્થાઓ કાર્યરત છે. ભારતમાં હાલ પપ૦૦ જેટલાં જૈન મુનિઓ અને ર૩૦૦૦ હજાર જેટલાં જૈન સાધ્વીજીઓ જૈન ધર્મના સિદ્ધાંતોને સમાજ સુધી પહોંચાડી રહ્યાં છે. મંદિરોની વાત કરવામાં આવે તો આશરે ૧૬૦૦૦ જૈન મંદિરો ને આશરે બે લાખ જેટલી પ્રતિમાઓ છે.
http://sambhaavnews.com/

You might also like