નવાઝ શરીફની કિડની ફેલ થવાનું જોખમઃ હોસ્પિટલમાં ખસેડવા સલાહ

ઈસ્લામાબાદ: ભ્રષ્ટાચારના મામલામાં જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની તબિયત એકાએક વધુ લથડી છે. તેમના સ્વાસ્થ્યની તપાસ કરનાર મેડિકલ બોર્ડનું કહેવું છે કે નવાઝ શરીફની કિડની ફેલ થવાને આરે છે અને તેમને તુરત જેલમાંથી હોસ્પિટલમાં ખસેડવાની જરૂર છે, જોકે હજુ સુધી તેમને રાવલપિંડી જેલમાંથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા નથી. પાકિસ્તાન ઈન્સ્ટિટટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝની ટીમ તેમની તપાસ કરશે અને ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં ખસેડવા અંગે નિર્ણય લેવામાં આવશે.

દરમિયાન રાવલપિંડી ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજીના વડા ડો. અઝહર કિઆનીએ નવાઝ શરીફને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરાવવાની ભલામણ કરી છે. તેમનો મેડિકલ રિપોર્ટ પંજાબ પ્રાંતના મુખ્યપ્રધાન અને કેરટેકર હસન અક્સારીને મોકલવામાં આવ્યો છે. સંઘીય સરકારને પણ નવાઝ શરીફની તબિયત અને ડોક્ટરોની ચિંતાથી વાકેફ કરવામાં આવ્યા છે.

અહેવાલો અનુસાર નવાઝ શરીફના યુરિનમાં નાઈટ્રોજન ખતરનાક હદે વધી ગયું છે. ડોક્ટરોનું કહેવું છે કે તેના કારણે તેમને પરસેવો વધુ થઈ રહ્યો છે અને વધુ પડતા પરસેવાના કારણે તેમને ડિહાઈડ્રેશન થઈ ગયું છે અને શરીરમાં પાણી ઓછું થઈ ગયું છે. ડોક્ટરોનું કહેવું છે કે નવાઝ શરીફના હૃદયના ધબકારા પણ અનિયમિત છે.

મળતા સમાચારો મુજબ જેલની હોસ્પિટલમાં એવી સુવિધાઓ નથી કે જેના દ્વારા નવાઝ શરીફની નસો દ્વારા ફ્લૂડ ચડાવી શકાય અને તેથી તેમને હોસ્પિટલમાં તાત્કાલિક દાખલ કરવા જરૂરી છે. જો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં નહીં આવે તો તેમની તબિયત વધુ લથડી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એવેનફિલ્ડ પ્રોપર્ટીઝના મામલામાં અપરાધી ઠરાવાયા બાદ નવાબ શરીફને ૧૦ વર્ષની જેલની સજા કરવામાં આવી છે અને તે મુજબ તેઓ હાલ આદિયાલા જેલમાં બંધ છે. આ ઉપરાંત આ કેસમાં તેમના પુત્રી મરિયમને સાત વર્ષની અને જમાઈ મોહમ્મદ શબ્દરને એક વર્ષની જેલની સજા કરવામાં આવી છે.

You might also like