જેલમાં બંધ કાચા કામના કેદીને પોલીસે આરોપી બનાવી દીધો!

અમદાવાદ: શહેરના જીવરાજ પાર્ક નજીક આવેલા યશ કોમ્પ્લેક્સ પાસે 20 દિવસ પહેલાં હિન્દુ મુસ્લિમ કોમનાં ટોળાં વચ્ચે થયેલી જૂથ અથડામણમાં વેજલપુર પોલીસ આડેધડ તપાસ કરી હોવાનું સામે આવ્યું છે. ચકચારી નદિમ સૈયદ હત્યા કેસમાં કાચા કામના કેદી તરીકે જેલમાં બંધ મોહંમદ ઇરફાન ઉર્ફે મોગલીને રાયોટિંગ કેસમાં આરોપી બનાવતા પોલીસની તપાસ પર સવાલ ઊભા થયા છે.

જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલા યશ કોમ્પ્લેક્સ પાસે તારીખ 23મી જૂનના રોજ મોડી રાતે કેટલાક યુવકો વોલીબોલ રમતા હતા. દરમ્યાનમાં બોલ ઊછળીને ત્યાં બેઠેલા યુવકો ઉપર પાસે જતાં બોલ લેવા ગયેલા યુવકો સાથે ઉગ્ર બોલાચાલી. ઝગડા બાદ હિન્દુ મુસ્લિમનાં ટોળાં ભેગાં થઇ ગયાં હતાં અને સામસામે પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

વેજલપુર પોલીસે અમન ભંગારી, મોહસીન ઉર્ફે મુસો મોહંમદ હનીફ મન્સુરી, રિયાજ પલપલ, મુબારક, આરિફ કટોરો, મોહંમદ ઇરફાન ઉર્ફે મોગલી, સરફરાજ ઉર્ફે સરો સિરાજુદ્દીન શેખ, અજરુદ્દીન શેખ, નાહિદ, ઇરફાન માજરો, સોહમ, રાજન, અંકિત, જય વિનોદ, શશાંક ત્રિવેદી, રોનક ઠક્કર, અંકિત ઉર્ફે દંડી, રાજ પાઠક, લાલો રબારી, અલ્પેશ રબારી, મહેન્દ્ર રબારી તથા જશુભાઇ રબારી વિરુદ્ધમાં રાયોટિંગનો ગુનો દાખલ કર્યો હતો.

રાયોટિંગના આ ચકચારી કેસમાં પોલીસે આડેધડ તપાસ કરી હોવાનું સામે આવ્યું છે. નદિમ સૈયદ હત્યા કેસમાં સંડોવાયેલો આરોપી ઇરફાન ઉર્ફે મોગલી છેલ્લાં 5 વર્ષથી કાચા કામ ના કેદી તરીકે સેન્ટ્રલ જેલમાં બંધ છે.

આ કેસમાં આરોપીઓઅે નિર્દોષ હોવાની અરજી મીરજાપુર કોર્ટમાં કરી છે. જેમાં જજ કે.આર.રબારીએ ધરપકડ કરતાં પહેલાં તેઓની સંડોવણી છે કે નહીં તેની તપાસ કરવી અને ખોટી ધરપકડ ના કરવી તેવા આદેશ કર્યા છે.

સેન્ટ્રલ જેલના જેલર આર.કે.ચાવડાએ જણાવ્યું છે કે મોહંમદ ઇરફાન ઉર્ફે મોગલી છેલ્લાં 5 વર્ષથી કાચા કામના કેદી તરીકે જેલમાં છે. ફેબ્રુઆરી મહિનામાં તેને વચગાળાના જામીન મળ્યા હતા ત્યાર બાદ તે સમયસર જેલમાં હાજર થઇ ગયો હતો. અત્યારે જેલમાં જ છે ત્યારે આ મુદ્દે વેજલપુર પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.ઝાલાએ જણાવ્યું છે કે કોઇએ અમને નામ લખાવ્યાં હોય એટલે અમે લખી નાખ્યાં હોય તો આ સામાન્ય ભૂલ કહેવાય. ઝોન 7ના ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યું છેકે મને કાંઇ ખબર નથી પરંતુ હું તપાસ કરાવી લઉ છું અને જો હકીકત સાચી હશેતો યોગ્ય કાર્યવાહી પણ કરીશું

You might also like