ભગવાન જગન્નાથજીની રથયાત્રા

શહેરનો જમાલપુર વિસ્તાર. આ વિસ્તાર સદાય ભીડભાડથી ભર્યો ભાદર્યો રહે છે. વર્ષો પહેલાં આ વિસ્તારમાં ગાઢ જંગલ હતું. નદીનો કિનારો હતો. વાતાવરણ ભયંકર તથા ભેંકાર રહેતું હતું. આ વાત લગભગ ૪૫૦ કે ૪૭૫ વર્ષ પહેલાંની હતી. આવા ભયંકર સ્થળે તે વખતે એક સિદ્ધ સંત શ્રી હનુમાનપ્રસાદજી અહીં આવીને વસ્યા.

એક વખતની વાત છે. તેઓ સાધનામાં બેઠા હતા. પાસે સપ્તર્ષિનો આરો હતો. અહીંના આ સ્મશાનમાં કેટલાક ડાઘુ એક નનામિ લઇને આવ્યા છે. નનામિમાં એક ૨૦ કે ૨૨ વર્ષના યુવાનનો મૃતદેહ હતો. અગ્નિ સંસ્કારની તૈયારી ચાલતી હતી. હૈયાંફાટ રુદન પણ ચાલુ હતું, કારણ મરણને શરણ જનાર સાવ છોકરા જેવો યુવાન હતો.

આ રડારોળથી સંતનું હૃદય પીગળી ગયું. તેમણે ડાઘુઓને પૂછ્યું, ‘કોણ ગુજરી ગયું’. જવાબ મળ્યો, ‘બાપજી આ યુવાન કાંધોતર હતો. તેને કાળોતરો ડસ્યો અને તે પાછો થયો.’ સંતે એક ડાઘુ પાસે ઘી માગ્યું. મૃતદેહના કપાળે તે ઘી લઇને મંત્રોચ્ચાર સાથે ઘસ્યું. થોડી વારમાં તે મડાની આંખ ચકળવકળ થઇ. મડદું જીવતું થયું. આ સ્થળ તે યુવાનની જમીન હતી. તેણે તે જમીન સંતને અર્પણ કરી. અહીં આજે ખડું છે ભગવાન જગન્નાથજીનું ભવ્ય મંદિર.

ભગવાન જગન્નાથજીના મંદિરમાં બહેન સુભદ્રાજી, ભગવાન જગન્નાથ તથા બળદેવજી બિરાજમાન છે. શ્રદ્ધા અને ભક્તિથી આ મંદિર સદાય ધમધમે છે. અહીં છેલ્લાં ૧૩૮ વર્ષથી રથયાત્રા નીકળે છે. દરરોજ ભગવાનનાં દર્શને નગરજનો આવે છે ત્યારે આ દિવસે ભગવાન સ્વયં રથ ઉપર સવાર થઇને નગરજનોને મળવા જાય છે.

રથયાત્રાનો આખો દિવસ હરખભેર ઉલ્લાસભેર દબદબો જળવાય છે. લોકો મસ્ત બનીને નાચે છે, ઝુમે છે, મીઠાં મીઠાં ગીત ગાય છે, પ્રસાદ ખાય છે. ભગવાનને ખીચડીનો પ્રસાદ, કેરી, જાંબુ તથા મગ ધરાવાય છે. લોકો હોંશે હોંશે તે ખાય છે.
આ રથયાત્રા વહેલી સવારથી ચાલુ થશે. જે રૂટ સમાપ્ત થતાં પૂર્ણ થશે. પહેલાં ૧૫ કિમીનો જે રૂટ હતો તે રૂટ આજે વધીને ૨૨ કિમીનો થયો છે. પોલીસ કર્મચારી સહિત સમસ્ત નગરજનો રથયાત્રાને રંગેચંગે માણવા નીકળી પડે છે. સરસપુરમાં રથ આવતાં રથયાત્રામાં આવેલા તમામ ભક્તોને અહીંની પોળોમાં જમવાની વ્યવસ્થા હોય છે, જે ખૂબ વ્યવસ્થિત તથા સિસ્ટેમેટિક હોય છે. અન્નનો બગાડ ખૂબ ઓછો થાય તેનું અહીં ખૂબ ધ્યાન અપાય છે. જમણવાર સહેજ પણ ધક્કામૂક્કી વગર થાય છે.

વિશેષ સુરક્ષાઃ મંદિર તરફથી તથા પોલીસદળ તરફથી બહુ સરસ વ્યવસ્થા ગોઠવાય છે. સમસ્ત રૂટને ત્રિસ્તરિય વિભાજિત કરી બંદોબસ્ત ગોઠવાય છે. સમગ્ર રૂટને પોલીસની બાજનજરના પહેલા સુરક્ષાચક્ર પછી બીજા રૂટ ઉપર સુરક્ષા જવાનો ગોઠવાય છે. ત્રીજા અને મહત્ત્વના લેયર ઉપર રથયાત્રા સાથે ચુનંદા પોલીસ, અધિકારીઓનો મૂવિંગ ગોઠવવામાં આવે છે. લગભગ ૨૦,૦૦૦થી પણ વધુ પોલીસ આ વ્યવસ્થામાં હોય છે. તે ઉપરાંત ઊડતા કેમેરાથી સમગ્ર રૂટનું સતત મોનિટરિંગ થયા કરવાનું છે. ૭૦થી પણ વધુ સીસીટીવી કેમેરા રથયાત્રાથી સુરક્ષિત કરાશે.•

શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

You might also like