શહેર પોલીસ બોડી વોર્ન કેમેરાથી સજ્જ થશે પણ રથયાત્રા પછી

અમદાવાદ: શહેરની ૧૪૦મી ભવ્ય રથયાત્રાની જોરશોરથી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે તો બીજી તરફ રથયાત્રામાં કોઇ અનિચ્છનીય ઘટના બને નહીં તે માટે પોલીસે પણ એક્શન પ્લાન તૈયાર કરવાની કામગીરી શરૂ કરી દીધી છે.

રથયાત્રામાં તોફાની તત્ત્વો પર નજર રાખવા માટે પોલીસની વરદી પર બોડી વોર્ન કેમેરા લગાવાશે તેવો એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જોકે ૨૫ જૂને નીકળનારી રથયાત્રામાં અા કેમેરાનો ઉપયોગ થઈ શકશે નહીં. કેમ કે પાંચ કંપનીઅોઅે ટેન્ડર ભર્યાં છે પરંતુ તેની કાર્યવાહીમાં હજુ બે-ત્રણ મહિનાનો સમય લાગશે.

આવનારા બે-ત્રણ મહિનામાં વિદેશી પોલીસની જેમ હવે શહેર પોલીસની વરદી પર પણ કેમેરા લગાવેલા જોવામાં આવશે. ટ્રાફિકની સમસ્યા હોય કે પોલીસ ચેકિંગની કાર્યવાહી હોય કે પછી ટોળાંશાહીમાં પત્થર ફેંકીને જાહેર મિલકતોને નુકસાન પહોંચાડનાર અને આંદોલનની આડમાં તોફાન મચાવનાર લોકો હવે કેમેરામાં ઝડપાઇ જશે. રથયાત્રા બંદોબસ્ત, રાજકીય પક્ષોની જાહેર સભા તેમજ 31 ડિસેમ્બર વખતે એકત્રિત થતી ભીડમાં કોઇ ભાંગફોડિયાં તત્ત્વ કોઇ અનિચ્છનીય ઘટનાને અંજામ આપે નહીં તે માટે અા કેમેરા ખરીદવામાં અાવશે.

પોલીસ મોર્ડનાઇઝેશન પ્રોગ્રામ હેઠળ શહેર પોલીસને 3.26 કરોડ રૂપિયાના ખર્ચે 640 કેમેરા ખરીદવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. આ કેમેરામાં ઓડિયો સાથે વીડિયો પણ લઇ શકાય છે. જેને સીધા પોલીસ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ પણ કરી શકાશે. શહેર પોલીસ સારું રિઝોલ્યુશન અને ઓડિયો ક્વોલિટીવાળા કેમેરા ખરીદવા માટે ટેન્ડર મંગાવ્યા હતા. િવદેશની ત્રણ તથા દેશની બે કંપનીઅે ટેન્ડર ભર્યા છે. જો કે ટેન્ડર મંજૂર કરવાની કાર્યવાહી હવે હાથ ધરાશે.

આવનારી 140મી રથયાત્રાને અનુલક્ષીને પોલીસે કેમેરા મગાવવાનો ઝડપી નિર્ણય લીધો હતો. જોકે ટેન્ડર પ્રક્રિયા હજુ સીધી પૂર્ણ નહીં થતાં રથયાત્રામાં કેમેરા પોલીસની વર્દી પર જોવા મળશે નહી. કેમેરાની ખાસીયતની વાત કરીએ તો પોલીસ કર્મચારીઓને યુનિફોર્મ પર પહેરી શકાય તેવા બોડી વોર્ન કેમેરા આપવામાં આવશે. લગભાગ આઠ કલાક સુધી સતત તેનું રેકોર્ડિંગ થશે આ ઉપરાંત કેમેરામાં થયેલા રેકોર્ડિંગને ડિલિટ થઇ શકશે નહી. માત્ર ભાંગફોડિયાં તત્ત્વો જ નહીં પોલીસ પર પણ ઉપરી અધિકારીઓ નજર રાખી શકશે. કેમેરા માત્ર વર્ધી પર નહીં પીસીઆર વાન પર પણ લગાવી શકાશે ત્યારે લો એન્ડ ઓર્ડર વખતે પોલીસની મૂવમેન્ટ પર નજર રાખવા માટે ગાડીના કાચ પાસે પણ લગાવી શકાશે આ કેમેરાને બેટરીથી ચાર્જ કરવામાં આવશે.

દબાણ હટાવવાની કામગીરી હોય ત્યારે પોલીસ અને નાગરિક વચ્ચે બબાલ થતી હોય છે તો કેટલીકવાર વાહનચાલકો પાસેથી રૂપિયા પડાવતા ટ્રાફિક પોલીસ કર્મચારીઓ સામે લોકોમાં રોષ જોવા મળે છે. આ પ્રકારની ફરિયાદો ઘણીવાર ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ થતી હોય છે જેના કારણે આ કેમેરા લાવવાનું નક્કી કરાયું છે. એડિશન પોલીસ કમિશનર (વહીવટ) આર.જે.સવાણીએ જણાવ્યું છે કે ટેન્ડર આવી ગયાં છે પરંતુ તેમાં હજુ સુધી કોઇ કાર્યવાહી થઇ નથી. રથયાત્રામાં કેમેરા આવે તેવી શક્યતા ઓછી છે કેમેરા વિશે વધુ માહિતી આપતાં તેમને જણાવ્યું છે કે અનેક બાબતોમાં કેમેરાથી શૂટ થયેલા વિઝ્યુલ્સ પુરાવા તરીકે ઉપયોગમાં લઈ શકાશે. પોલીસ કંટ્રોલ રૂમના ડીસીપી બલરામ મીણાએ જણાવ્યું છે કે બોડી વોર્ન કેમેરા આવી ગયા પછી તેને સીધા કંટ્રોલરૂમ સાથે કનેક્ટ કરવામાં આવે તેવો પણ પ્રયાસ કરવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like